સોસાયટી બચાવવા રહિશો રસ્તા પર, આત્મવિલોપનની ધમકી, વર્ષો જુની સોસાયટી તોડવા નોટીસ
અમદાવાદમાં ૩૫ વર્ષે સોસાયટી ગેરકાયદે જાહેર, ૨૫ પરિવાર પર આફત-બિલ્ડર દ્વારા ONGCના કર્મચારીઓને વેચવામાં આવેલા આ મકાનોની કાયદેસરતા પર ૩૫ વર્ષ બાદ સવાલ ઉઠતાં હોબાળો મચ્યો
(એજન્સી)અમદાવાદ, અમદાવાદના ઘાટલોડિયા વિસ્તારમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જ્યાં ૩૫ વર્ષથી અસ્તિત્વ ધરાવતી સ્નેહાંજલિ કો.ઓ. સોસાયટીને તંત્ર દ્વારા ગેરકાયદેસર જાહેર કરવામાં આવી છે. આ સોસાયટીમાં રહેતા ૨૫ પરિવારો માટે હવે રહેઠાણનું મોટું સંકટ ઊભું થયું છે.
વર્ષ ૧૯૮૬માં ‘અંજના બિલ્ડર’ દ્વારા ONGCના કર્મચારીઓને વેચવામાં આવેલા આ મકાનોની કાયદેસરતા પર ૩૫ વર્ષ બાદ સવાલ ઉઠતાં, હાલના રહેવાસીઓએ સરકાર સમક્ષ વૈકલ્પિક આવાસની માંગ કરી છે. આ પરિવારો પાસે તમામ દસ્તાવેજો અને બેંક લોનના કાગળો હોવા છતાં, તેમને ઘર છોડવાની ફરજ પડી શકે છે.
બિલ્ડર કાંતિભાઈ દ્વારા મૂળ ફાળવેલા પ્લોટને બદલે અન્ય બિલ્ડરના પ્લોટ પર સોસાયટીનું બાંધકામ કરીને મકાનો વેચી દેવામાં આવ્યા હતા, જે આ સમગ્ર વિવાદનું મૂળ કારણ છે. વર્ષ ૨૦૦૬માં, સોસાયટીના રહેવાસીઓને સમાચાર પત્ર દ્વારા આ ગેરકાયદેસર બાંધકામ વિશે જાણ થઈ. મૂળ પ્લોટના માલિક બિલ્ડરે પોતાનો પ્લોટ પાછો માગતા મામલો કોર્ટમાં પહોંચ્યો હતો.
નીચલી કોર્ટે રહેવાસીઓને AMCને ૩.૭૧ કરોડ રૂપિયા ચૂકવવાનો આદેશ આપ્યો હતો, જે રકમ બિલ્ડર દ્વારા ભરવામાં પણ આવી હતી. તેમ છતાં, મૂળ પ્લોટ માલિકને વૈકલ્પિક પ્લોટ ન મળતાં કાયદાકીય ગૂંચવણ યથાવત રહી. હવે, આ મુદ્દો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો છે, જ્યાં સોસાયટીએ AMCને ૪૧ કરોડ રૂપિયા ચૂકવવાનો નિર્દેશ મળ્યો હોવાનું જાણવા મળ્યું છે.
સોસાયટીના આગેવાનો કહી રહ્યા છે કે બિલ્ડરે એવું કહ્યું છે કે જે તે વખતે ટીપી ન હતી એટલે ૬૮ અને ૬૫ નંબરનો પ્લોટ અદલાબદલી થઈ ગયો છે. બિલ્ડર તમામને ગેરમાર્ગે દોરી રહ્યા છે. બિલ્ડરે જવાબદારી લીધેલી છે તેથી તેના પર કાર્યવાહી થવી જોઈએ AMC રહીશો પર કાર્યવાહી કરી સોસાયટી ખાલી કરવાનું કહી રહી છે.
આ કાયદાકીય ખેંચતાણ વચ્ચે AMC દ્વારા સોસાયટીના રહેવાસીઓને સતત ડિમોલિશનની નોટિસો મોકલવામાં આવી રહી છે. AMCની ટીમ ડિમોલિશન માટે પહોંચી હતી, પરંતુ રહેવાસીઓના ઉગ્ર વિરોધને કારણે કાર્યવાહી ટાળવામાં આવી છે. તંત્રએ આ પરિવારોને ૧૬ ડિસેમ્બરની છેલ્લી તારીખ આપી છે, ત્યારબાદ પાણી અને વીજળીના કનેક્શન કાપી નાખવાની ચીમકી આપી છે.
આ ગંભીર પરિસ્થિતિમાં, સોસાયટીના રહીશો મુખ્યમંત્રી સુધી રજૂઆત કરવા પહોંચ્યા હતા, જ્યાં તેમને એકતા ફ્લેટમાં ૩ ફ્લેટ આપવાનું આશ્વાસન મળ્યું હતું. જોકે, હજુ સુધી કોઈ ફ્લેટ ફાળવવામાં આવ્યો નથી. ૨૫ પરિવારોમાંથી ૨૩ વૃદ્ધો છે, જેમને જીવનના આ તબક્કે પોતાના હક્કનું ઘર ગુમાવવાના અને કાયદાકીય પ્રક્રિયાના સંઘર્ષનો સામનો કરવો પડી રહ્યો છે.
