CID ક્રાઈમના PI અને કોન્સ્ટેબલ 30 લાખની લાંચ લેતા ઝડપાયા
અમદાવાદ, રાજ્યમાં ભ્રષ્ટાચાર નાબૂદી અભિયાન અંતર્ગત એન્ટી કરપ્શન બ્યુરોએ આજે ગાંધીનગરમાં મોટી કાર્યવાહી કરતા પોલીસ બેડામાં ખળભળાટ મચી ગયો છે. ગાંધીનગર CID ક્રાઈમના પોલીસ ઈન્સ્પેક્ટર અને એક આર્મ્ડ કોન્સ્ટેબલને રૂપિયા ૩૦ લાખની જંગી લાંચ સ્વીકારતા એસીબીની ટીમે રંગેહાથ ઝડપી લીધા છે.
પ્રાપ્ત વિગતો અનુસાર એક જાગૃત નાગરિકે એસીબીમાં ફરિયાદ નોંધાવી હતી કે તેમના મિત્ર વિરૂદ્ધ એક કેસમાં સી.આઇ.ડી. ક્રાઇમ સી.આઇ. સેલના પોલીસ ઇન્સપેકટર પી.કે.પટેલ ( પેથાભાઇ કરમશીભાઇ પટેલ) તથા સી.આઇ.ડી. ક્રાઇમ સી.આઇ.
સેલના આર્મ્ડ પોલીસ કોન્સટેબલ વિપુલભાઇ બાબુભાઇ દેસાઇએ ફરીયાદી પાસે વર્ષ ૨૦૨૪માં નોંધાયેલા એક ગુના મામલે કોઇ કાર્યવાહી નહી કરવા ત્રીસ લાખ રૂપિયાની માંગણી કરી હતી. જે લાંચની રકમ ફરિયાદી આપવા માંગતા ન હોય તેથી તેમણે એ.સી.બી.નો સંપર્ક કરી ફરિયાદ નોંધાવી હતી.
જેથી અમદાવાદ શહેર એસીબીની ટીમે ગાંધીનગરના સરગાસણ વિસ્તારમાં ‘ધી ઓફિસીસ હરી ગ્રુપ’ નામની નવી બનતી સાઈટ પાસે ટ્રેપ ગોઠવી હતી. આ છટકા દરમિયાન કોન્સ્ટેબલ વિપુલભાઇ દેસાઇએ ફરીયાદી સાથે વાતચીત કરી ૩૦ લાખની રકમ સ્વીકારી હતી,
જ્યારે પી.આઈ. પેથાભાઈ પટેલે આ લાંચ સ્વીકારવા માટે સંમતિ આપી હતી. એસીબીએ ઘટનાસ્થળે જ ૩૦ લાખની રોકડ રિકવર કરી બંને આરોપીઓની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ હાઈ-પ્રોફાઈલ ટ્રેપને કારણે સમગ્ર પોલીસ વિભાગમાં ચકચાર મચી જવા પામી છે.
