Western Times News

Gujarati News

રસોઈયાને પગાર ન મળતા ઠાકોરજીને ભોગ ન ધરાવાયો

વૃંદાવન, વૃંદાવનના સુપ્રસિદ્ધ શ્રી ઠાકુર બાંકે બિહારી મંદિરમાં સોમવારે એક અભૂતપૂર્વ ઘટના બની, જેના કારણે વર્ષાેથી ચાલી આવતી પરંપરા તૂટી ગઈ. રસોઈયાને પગારની ચૂકવણી ન થવાના કારણે ભોગ તૈયાર ન થતાં ઠાકુરજીને પહેલીવાર ભોગ ધરવામાં ન આવ્યો.

આ ઘટનાથી મંદિરના ગોસ્વામીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે, જ્યારે મંદિરની વ્યવસ્થા સંભાળતી હાઇ પાવર કમિટી આ મામલે પોતાનો હાથ ખંખેરવાનો પ્રયાસ કરી રહી છે.દેશ-વિદેશમાંથી દરરોજ લાખો શ્રદ્ધાળુઓ શ્રી ઠાકુર બાંકે બિહારીના દર્શન કરવા આવે છે. મંદિરમાં ઠાકુરજીને સવારે બાળ ભોગ અને સાંજે શયન ભોગ અર્પણ કરવાની પરંપરા છે. પરંતુ સોમવારે આ બંને ભોગ ઠાકુરજીને ન લાગતા ભક્તોએ તેમને ભોગ વિના જ દર્શન કર્યા હતા.

શ્રી ઠાકુર બાંકે બિહારી મંદિરની વ્યવસ્થાઓ માટે સુપ્રીમ કોર્ટે એક હાઇ પાવર કમિટીની રચના કરી છે. આ કમિટી હેઠળ ઠાકુરજીના પ્રસાદ અને ભોગની સામગ્રી તૈયાર કરવા માટે રસોઈયાની નિમણૂક કરવામાં આવી છે. રસોઈયાને દર મહિને રૂ.૮૦,૦૦૦ પગાર આપવામાં આવે છે, પરંતુ છેલ્લા કેટલાક મહિનાઓથી તેને પગાર ચૂકવવામાં આવ્યો નહોતો. આ કારણે રસોઈયાએ ઠાકુરજી માટે બાળ ભોગ અને શયન ભોગ તૈયાર ન કર્યાે.

મંદિરના ગોસ્વામીઓએ જણાવ્યું કે, ‘શ્રી ઠાકુર બાંકે બિહારીનો ભોગ તૈયાર કરવાની જવાબદારી મયંક ગુપ્તા નામના વ્યક્તિ પાસે છે. આ વ્યક્તિ રસોઈયા દ્વારા ઠાકુરજી માટે દિવસમાં ચાર વખત ભોગ તૈયાર કરાવે છેઃ જેમાં સવારે- બાળ ભોગ, બપોરે- રાજભોગ, સાંજે- ઉત્થાપન ભોગ અને રાત્રે, શયન ભોગ.

રસોઈયાએ તૈયાર કરેલો ભોગ ઠાકુરજીને અર્પણ કરવામાં આવે છે, પરંતુ સોમવારે આ ભોગ સેવાયતોને મળી શક્યો નહીં.કમિટીના સભ્ય દિનેશ ગોસ્વામીએ માહિતી આપી કે તેમને સોમવારે મંદિરમાં ઠાકુરજી માટે બાળ ભોગ અને શયન ભોગ ન મળ્યાની જાણકારી મળી હતી.

મયંક ગુપ્તાને પૂછવામાં આવતાં જાણવા મળ્યું કે રસોઈયાને ચૂકવણી ન થવાના કારણે ભોગ તૈયાર કરવામાં આવ્યો નથી. કમિટી દ્વારા તાત્કાલિક મયંક ગુપ્તાને ચૂકવણી કરવાનો આદેશ આપવામાં આવ્યો છે અને ભવિષ્યમાં આવી ઘટના ફરી ન બને તે માટે કડક આદેશો પણ આપવામાં આવી રહ્યા છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.