Western Times News

Gujarati News

દેશમાં નાની ચલણી નોટોની અછત, રૂ.૧૦થી ૫૦ની કરન્સી દુર્લભ બની

કોલકાતા, દેશભરમાં નાની ચલણી નોટોની તીવ્ર અછત ઊભી થઈ હોવાથી નાના વેપારીઓ અને સામાન્ય નાગરિકોને ભારે હાલાકી પડી રહી હોવાના મામલે ધ ઓલ ઈન્ડિયા રીઝર્વ બેન્ક એમ્પ્લોયીઝ એસોસિએશન દ્વારા રીઝર્વ બેન્ક સમક્ષ રજૂઆત કરવામાં આવી છે.

એસોસિએશને રીઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાને પાઠવેલા પત્રમાં જણાવાયું છે કે, દેશનાં ઘણાં વિસ્તારમાં અને ખાસ કરીને ગ્રામ્ય-અર્ધશહેરી વિસ્તારોમાં રૂ.૧૦, ૨૦ અને ૫૦ની ચલણી નોટો લગભગ અપ્રાપ્ય બની ગઈ છે.

રીઝર્વ બેન્કમાં ડીપાર્ટમેન્ટ ઓફ કરન્સી મેનેજમેન્ટના ડેપ્યુટી ગવર્નર ટી રબિશંકરને ઉદ્દેશીને લખાયેલા પત્રમાં કહેવાયું છે કે, રૂ.૧૦૦, ૨૦૦ અને ૫૦૦ની નોટ એટીએમમાં સરળતાથી મળી રહે છે. એટીએમમાં માત્ર ઊંચા મૂલ્યની નોટો જ ડીસ્પેન્સ થાય છે અને નાની ચલણી નોટો લોકો સુધી પહોંચાડવામાં બેંક શાખાઓ અસમર્થ રહે છે. આ પરિસ્થિતિના કારણે લોકલ ટ્રાન્સપોર્ટ, અનાજ-કરિયાણુ વગેરે જેવી વસ્તુઓ માટે રોકડમાં વ્યવહાર કરવાનું અઘરું બન્યું છે.

ઓલ ઈન્ડિયા રીઝર્વ બેન્ક એમ્પ્લોયીઝ એસોસિએશનના જણાવ્યા મુજબ, દેશમાં ડિજિટલ વ્યવહારો વધ્યા હોવા છતાં રોકડ લેણ-દેણનું પ્રમાણ પણ વધ્યું છે. ડિજિટલ ચૂકવણીની મદદથી નાની રોકડની જરૂરિયાતો સંપૂર્ણ નાબૂત થઈ નથી. દેશની વસતીનો મોટો ભાગ રોજિંદી જરૂરિયાતો માટે રોકડ વ્યવહાર પર નિર્ભર છે. નાની ચલણી નોટોને સિક્કાઓ સાથે રિપ્લેસ કરવાના પ્રયાસો ઈચ્છિત પરિણામ લાવી શક્યા નથી.

વળી, આવા સિક્કાઓ પણ ખૂબ ઓછી માત્રામાં ઉપલબ્ધ છે.આ પરિસ્થિતિમાં રીઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાને તાત્કાલિક પગલાં ભરવાનું સૂચન કરાયું છે. ઓલ ઈન્ડિયા રીઝર્વ બેન્ક એમ્પ્લોયીઝ એસોસિએશનના સૂચન મુજબ, નાના મૂલ્યની ચલણી નોટો કમર્શિયલ બેન્કની શાખાઓ ઉપરાંત રીઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાના કાઉન્ટર પર પણ સરળતાથી મળી રહેવી જોઈએ. ગ્રામ્ય વિસ્તારોમાં પંચાયત, સહકારી ક્ષેત્ર, રૂરલ બેન્ક તથા સ્વ સહાય જૂથોની મદદથી સિક્કાઓનું સરક્યુલેશન વધારવા અને ઠેર-ઠેર ‘કોઈન મેળા’ યોજવા ભલામણ કરવામાં આવી છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.