Western Times News

Gujarati News

પહેલગામ હુમલાના આરોપીઓ સામે ભારત વિરુદ્ધ યુદ્ધ છેડવાની કલમો લગાવાઈ

જમ્મુ, પહેલગામમાં ૨૬ નિર્દાેષ ભારતીયોની હત્યા કરનારા કાવતરાખોરો સામે નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (એનઆઈએ) દ્વારા કોર્ટમાં ૧૬૦૦ પાનાંની ચાર્જશીટ રજૂ કરવામાં આવી છે.

પાકિસ્તાન સ્થિત આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબા અને તેની સાથે સંકળાયેલા ટીઆરએફ ઉપરાંત છ લોકોની સામે પુરાવા સાથે વિગતવાર માહિતી આપવામાં આવી છે.

સ્પેશિયલ કોર્ટ સમક્ષ રજૂ થયેલી ચાર્જશીટ મુજબ, આ કાવતરાના મૂળ પાકિસ્તાન સાથે જોડાયેલા છે અને તેઓ ભારતમાં આતંકવાદ ફેલાવી રહ્યા છે. અમેરિકાએ વૈશ્વિક આતંકવાદી જાહેર કરેલા લશ્કર-ઐ-તૈયબાના વડા હાફિઝ સઈદ તથા ધ રેઝિસ્ટન્સ ળન્ટ (ટીઆરએફ)ના પાકિસ્તાની વડા હબિબુલ્લાહ મલિક ઉર્ફે સાજિદ જાટનો ચાર્જશીટમાં ઉલ્લેખ કરાયો છે.

૨૨ એપ્રિલે પહેગામમાં થયેલા હુમલાના આયોજન તથા કાતવરુ પાર પાડવામાં તેમની ભૂમિકા પરથી ચાર્જશીટમાં પડદો ઊઠાવવામાં આવ્યો છે. ચાર્જશીટમાં ત્રણ પાકિસ્તાની આતંકવાદીઓના નામ છે, જેમણે ધર્મ પૂછીને નિર્દાેષ પ્રવાસીઓની કાયરતાપૂર્વક હત્યા કરી હતી.

આ ત્રણેય આતંકવાદીઓની ઓળખ ફૈસલ જાટ ઉર્ફે સુલેમાન શાહ, હબિબ તાહિર ઉર્ફે જિબરાન અને હમઝા અફઘાની તરીકે થઈ હતી. હુમલાના ૧૦૦ દિવસ બાદ ૨૦ જુલાઈના રોજ ઓપરેશન મહાદેવ અંતર્ગત ભારતીય સેના દ્વારા શ્રીનગર નજીક તેમનું એન્કાઉન્ટર કરાયુ હતું. ચાર્જશીટમાં આરોપીઓ સામે ભારત સામે યુદ્ધ છેડવાનો આરોપ પણ લગાવવામાં આવ્યો છે. એનઆઈએ દ્વારા ૮ મહિનાની તપાસમાં વૈજ્ઞાનિક પદ્ધતિઓની મદદ લેવામાં આવી હતી.

આતંકવાદીઓને કાશ્મીરમાં સહાય પૂરી પાડવા બદલ બે ગદ્દાર પરવેઝ અહેમદ અને બશિર અહેમદ જોથારની ૨૨ જૂને ધરપકડ કરવામાં આવી હતી. ચાર્જશીટમાં આ બંને ગદ્દાર પણ આરોપી બનાવાયા છે. પૂછપરછ દરમિયાન આ બંનેએ હુમલો કરનારા ત્રણ આતંકવાદીની ઓળખ છતી કરી હતી અને પાકિસ્તાન સ્થિત આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબા માટે તેઓ કામ કરતા હોવાની પુષ્ટિ કરી હતી.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.