Western Times News

Gujarati News

બે કરોડની ઓફર આપી ગઠિયાઓએ ૫૦,૦૦૦ ખંખેર્યા

અમદાવાદ, સાયબર ગઠિયાઓ લોન આપવાના નામે, ડિજિટલ અરેસ્ટ કરીને, ઓટીપી મોકલીને અનેક લોકોના નાણાં ખંખેરીને છેતરપિંડીને અંજામ આપી રહ્યા છે. પોલીસની ધોંસ વધતા અને અસરકારક કામગીરી કરતા હવે સાયબર ગઠિયાઓએ ફરી જૂની મોડસ ઓપરેન્ડી અપનાવી છે.

હવે, ગઠિયાઓ યેનકેન પ્રકારે લોકોના નંબર મેળવીને રૂપિયા ૫ કે ૧૦ની જૂની નોટો આપો અને બે કરોડ લઇ જાવ તેવી ઓફર મૂકીને જાળ બીછાવીને છેતરપિંડી આચરી રહ્યા છે. ગ્રામ્ય વિસ્તારમાં રહેતા યુવક સાથે આ પ્રકારે છેતરપિંડી થતાં મામલો પોલીસના ધ્યાને આવ્યો હતો. પોલીસે આ મામલે કાર્યવાહી હાથ ધરી નાણાકીય ટ્રાન્ઝેક્શનની વિગતો મેળવીને આરોપીઓ સુધી પહોંચવા પ્રયાસ હાથ ધર્યા છે. ધોળકામાં રહેતા ૪૯ વર્ષીય વ્યક્તિ ગ્રામ પંચાયતમાં નોકરી કરે છે.

ગત તા.૩૧ ઓક્ટોબરે તેમને અજાણ્યા નંબર પરથી ફોન આવ્યો હતો. ફોન કરનારી વ્યક્તિએ રૂપિયા ૫ અને ૧૦ની જૂની ચલણી નોટો હોય તો તે અમે ખરીદીએ છીએ અને તેના બદલામાં બે કરોડ ચુકવીશું તેવી વાત કરીને ભોગ બનનારને લાલચમાં ફસાવ્યા હતા.

ગઠિયાઓએ જૂની નોટોના ફોટો વોટ્‌સએપ પર મગાવતા ભોગ બનનારી વ્યક્તિએ ફોટો મોકલ્યા હતા. જે બાદ સામે વાળા વ્યક્તિએ ઓનલાઇન ખાતું ખોલાવવું પડશે તેમ કહીને સ્કેનર મોકલીને રૂપિયા ૭૫૦ ફી મેળવી લીધી હતી.

બીજા દિવસે પણ ફોન કરીને ફાઇલ જનરેટ ન થતી હોવાના બહાને ફરીવાર પેમેન્ટ કરવાનું કહીને રૂપિયા ૪૧૦૦ અને ૪૧૫૦ મેળવી લીધા હતા. જે બાદ ગઠિયાઓએ અવાર નવાર ફોન કર્યા હતા પરંતુ ભોગ બનનારી વ્યક્તિ પાસે નાણાં ન હોવાથી તેમણે ગઠિયાઓને જવાબ આપવાનું ટાળ્યું હતું. જે બાદ ફરી એક વાર ગઠિયાઓએ ફોન કરીને આઇડી ફેલ થયું હોવાનું કહીને રૂપિયા ૩૧૦૦ની માગણી કરી હતી.

ભોગ બનનારે નાણાં ન હોવાથી મિત્રના એકાઉન્ટમાંથી પેમેન્ટ કર્યું હતું. જે બાદ ગઠિયાઓએ વિવિધ બહાના હેઠળ ૫૦ હજાર રૂપિયા ખંખેરી લીધા હતા. જ્યારે ભોગ બનનારને ફોન આવવાના બંધ થઇ જતા આખરે તેમણે ધોળકા રૂરલ પોલીસનો સંપર્ક કરતા પોલીસે તપાસ હાથ ધરી છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.