Western Times News

Gujarati News

ગાંધીનગરમાં શ્રમજીવી પરિવારની પાંચ વર્ષની બાળકી ઉપર દુષ્કર્મ

ગાંધીનગર , ગાંધીનગર શહેરના શ્રમજીવી પરિવારની ૫ વર્ષીય બાળકી પર રવિવારની રાત્રે દુષ્કર્મ આચરાયુ હોવાની ઘટનાએ પંથકમાં ચકચાર જગાવી છે. બાળકી શૌચક્રિયા માટે ઊઠી ત્યારે તકનો લાભ લઈ આરોપીએ દુષ્કૃત્ય આચર્યું હતું. ગભરાઇ ગયેલી બાળકી દાદી પાસે જઈને રડવા લાગી હતી.

ત્યારે લોહી વાળા કપડા જોઇને દાદીને શંકા ગઇ હતી કે બાળકી સાથે કંઇક અઘટિત થયુ છે. પોલીસે શંકાના આધારે બાળકીના મામા સહિત ચાર શખસોની અટકાયત કરી તપાસ શરૂ કરી છે. ઘટનાસ્થળે એફએસએલની ટીમ પણ પહોંચી હતી.

ગાંધીનગર શહેરના છાપરા વિસ્તારમાં રહેતો શ્રમજીવી પરિવાર દિવસે મજૂરી કામે જઇને આવીને વાળુ કરી રાત્રે સૂઈ ગયો હતો. દરમિયાન મોડી રાત્રે બાળકી શૌચક્રિયા માટે ઝુપડાની બહાર જતા તેની એકલતાનો લાભ લઇ કોઇ શખ્સોએ તેની સાથે અપકૃત્ય આચર્યુ હતું. ડરી ગયેલી બાળકી દાદી પાસે જઇને “ભૂત આવ્યું, ભૂત આવ્યું” કહીને રડવા માંડી હતી. દાદીએ બાળકીને શાંત રાખી તપાસ કરતા તેના વસ્ત્રો પર લોહી જોવા મળ્યુ હતું.

જેથી કંઇક અઘટિત થયુ હોવાની શંકા જતા બાળકીને સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવી હતી. તબીબી તપાસમાં બાળકી પર દુષ્કર્મ આચરવામાં આવ્યું હોવાનું સામે આવતા સેક્ટર-૨૧ પોલીસ એલર્ટ થઇ ગઇ હતી.સૂત્રો તરફથી મળતી માહિતી મુજબ પીડિત બાળકીના માતા-પિતા વચ્ચે અણબનાવ હોવાથી માતા બાળકીને લઈને તેના પિયરમાં છાપરા વિસ્તારમાં રહે છે.

ઘટના બની તે વખતે પરિવારના સભ્યો સૂઈ ગયા હતા. પોલીસે આવી અપકૃત્યની ઘટનામાં બાળકીના મામા સહિત આશરે ચાર લોકોને શંકાના આધારે પૂછપરછ માટે અટકાયતમાં લીધા છે અને પૂછપરછ હાથ ધરી છે. જો કે ચાર શકમંદ પાસેથી કંઇ વિગતો ન મળતાં આ ઘટનાની તપાસનો દોર ગાંધીનગર એલસીબીએ હાથમાં લીધો છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.