ફિલ્મ ‘ધુરંધર’ને લઈને ગુજરાતમાં બલોચ સમુદાય લડી લેવાના મુડમાં
ગાંધીનગર, ગુજરાત હાઇકોર્ટમાં પ્રેક્ટિસ કરતા એક વકીલે તાજેતરમાં રિલીઝ થયેલી હિન્દી ફિલ્મ ‘ધુરંધર’માં બલોચ સમુદાય સામે અશ્લીલ, અપમાનજનક અને અવમાનના સ્પદ ભાષાનો ઉપયોગ કરીને બદનામ કરવામાં આવ્યો હોવાનો આક્ષેપ કરીને ફિલ્મમેકર આદિત્ય ધાર અને બોલિવૂડ અભિનેતા સંજય દત્તને કાનૂની નોટિસ પાઠવી છે.
એડવોકેટ નબીલ બ્લોચે સંજય દત્તના પાત્ર ચૌધરી અસલમ દ્વારા બોલાયેલા એક સંવાદ પર વાંધો ઉઠાવ્યો છે, જેમાં કહેવામાં આવે છે, ‘તુમ મગરમચ્છ પે ભરોસા કર સકતે હૈ મગર બલોચ પે નહીં’ વકીલે ફિલ્મમાં બોલાયેલા અન્ય કેટલાક સંવાદોનો પણ ઉલ્લેખ કર્યાે છે અને આક્ષેપ કર્યાે છે કે તે બલોચ સમુદાયને અપમાનજનક અને તિરસ્કાર ભર્યા રૂપમાં રજૂ કરે છે.
કાનૂની નોટિસમાં કહેવામાં આવ્યું છે કોઈ સમુદાય સામે જાણીજોઈને અશ્લીલ અને અપમાનજનક ભાષાનો ઉપયોગ કરવો એ દ્વેષ પ્રેરિત ભાષણ સમાન છે, જે સામાજિક અસમંજસતા ફેલાવે છે અને સમાનતા, ગૌરવ અને સન્માનના મૂળભૂત સિદ્ધાંતોનું ઉલ્લંઘન કરે છે.નોટિસમાં ફિલ્મમેકર પાસેથી જાહેર માફી માંગવાની માંગ કરવામાં આવી છે.
સાથે જ માગ કરવામાં આવી છે કે, ફિલ્મ ‘ધુરંધર’માંથી, તેમાંના ટ્રેલર્સમાંથી, પ્રમોશનલ સામગ્રી અને ઓનલાઈન કન્ટેન્ટ સહિત બલોચ સમુદાય સામેના તમામ બદનામ, અશ્લીલ અને અપમાનજનક સંદર્ભાે દૂર કરવામાં આવે, ડિલીટ કરવામાં આવે અથવા સેન્સર કરવામાં આવે. વકીલે ચેતવણી આપી છે કે જો ૧૫ દિવસની અંદર આ માગણીઓ પૂર્ણ નહીં કરવામાં આવે તો નાગરિક તથા ફોજદારી કાર્યવાહી હાથ ધરવામાં આવશે.SS1MS
