પંકજ ત્રિપાઠી ૧૫ વર્ષે ફરી પ્રિયદર્શન સાથે કામ કરશે
મુંબઈ, પરેશ રાવલે જ્યારે થોડા સમય માટે પ્રિયદર્શનની ‘હેરા ફેરી ૩’ છોડી દીધી હતી, ત્યારે સોશિયલ મીડિયા પર બાબુરાવના રોલ માટે પંકજ ત્રિપાઠી સારો વિકલ્પ હોવાના અહેવાલો અને ચર્ચાઓ ખુબ ચાલ્યા હતા. જોકે, પાછળથી પરેશ રાવલ ફિલ્મ સાથે ફરી જોડાતા આ ચર્ચાઓ અને અફવાઓ અંત આવ્યો હતો. પરંતુ પ્રિયદર્શનને આ વાત ધ્યાનમાં રહી ગઈ હતી અને તેમણે પંકજ ત્રિપાઠી સાથે એક નવી જ ફિલ્મની જાહેરાત કરી છે.
તેઓ બંને ૧૫ વર્ષ પછી એકબીજા સાથે કામ કરશે.તાજેતરમાં એક ઇન્ટરવ્યુમાં પ્રિયદર્શને આ ફિલ્મ અંગે ખુલાસો કરી નાખ્યો છે, કે તેઓ ફરી પંકજ ત્રિપાઠી સાથે કામ કરી રહ્યા છે. છેલ્લે તેમણે ૨૦૧૦માં આક્રોશમાં પંકજ ત્રિપાઠી સાથે કામ કર્યું હતું. જેમાં પંકજ ત્રિપાઠી નેગેટિવ રોલમાં હતા.
હવે આ નવી ફિલ્મમાં પંકજ ત્રિપાઠી નવા રોલમાં જોવા મળશે, જે એક કોમેડી અને ગમી જાય એવું પાત્ર હશે. પ્રિયદર્શને જણાવ્યું, “૧૫ વર્ષ થઈ ગયા છે. આ હંગામા અને હેરા ફેરી જેવી એક સંપુર્ણ કોમેડી ફિલ્મ હશે, જેમાં પંકજ મહત્વના રોલમાં હશે.
એ આપણો આજનો સૌથી સારા કલાકારોમાંનો એક છે અને તેની સાથે ફરી કામ કરવામાં બહુ મજા આવશે. હાલ હું સ્ટોરી પર કામ કરી રહ્યો છું અને એક વખત એ ફાઇનલ થઈ જાય, પછી હું અન્ય કલાકારોનો સંપર્ક કરીશ.”તાજેતરમાં જ પ્રિયદર્શને અક્ષય કુમાર અને સૈફ અલી ખાન સાથે હૈવાનનું શૂટ પૂરું કર્યું છે.
૨૦૨૬માં તેમની બે ફિલ્મ રિલીઝ થઈ રહી છે, ભૂતબંગલા – જેમાં તબુ, અક્ષય કુમાર અને પરેશ રાવલ છે અને હૈવાન. જો આ બંને ફિલ્મ સમયસર રિલીઝ થશે, તો આ જ વર્ષના ઉનાળા સુધીમાં તેઓ પંકજ ત્રિપાઠી સાથેની ફિલ્મનું શૂટ શરૂ કરી દેશે.
પ્રિયદર્શને આ અંગે જણાવ્યું, “આ બે ફિલ્મ રિલીઝ થાય પછી, હું મેથી પંકજની ફિલ્મનું શૂટ શરૂ કરીશ. હમણા મેં સાઇકોલોજિકલ થ્રિલર અને એક્શન ફિલ્મ લખી છે, તેથી હવે લાંબા સમય પછી કોમેડી ફિલ્મ લખવામાં પણ મને મજા આવશે. તમને ખબર છે કે હું લાંબો સમય કામ વિના બેસી રહી શકતો નથી.
મારા મનમાં આ સ્ટોરી હતી અને પંકજને સંભળાવી, એને ગમી ગઈ. તેથી મેં લખવાની શરૂ કરી છે.”આ સાથે અક્ષય કુમાર અને અક્ષય ખન્નાની ભાગમભાગ ૨ બને એવી પણ ચર્ચાઓ ચાલી છે, તે અંગે પ્રિયદર્શને કહ્યું, “હું એનો ભાગ નથી. મારી આગળની ફિલ્મનું શૂટ ૨૦૨૬માં શરૂ થશે અને એ પંકજ ત્રિપાઠી સાથે છે.” એવા અહેવાલો છે કે ડ્રીમ ગર્લ ૨ના ડિરેક્ટર રાજ શાંડિલ્ય આ ફિલ્મ બનાવશે.SS1MS
