ઐશ્વર્યા-અભિષેકના ડિવોર્સની અફવાઓથી આરાધ્યાને કોઈ અસર થતી નથી
મુંબઈ, અભિષેક બચ્ચન અને ઐશ્વર્યા રાય બચ્ચન ઇન્ડસ્ટ્રીમાં અને તેમનાં ફૅન્સ વચ્ચે એક લોકપ્રિય કપલ છે. ૨૦૦૬માં ધૂમ ૨ના શૂટિંગ વખતે તેઓ બંને એકબીજાનાં પ્રેમમાં પડ્યાં અને તેમનાં લગ્નની પણ સમગ્ર દેશમાં અને ઇન્ડસ્ટ્રીમાં ચર્ચા હતી. આજે તેમનાં લગ્નજીવનનાં ૧૮ વર્ષ વિતી ચૂક્યા છે અને તેઓ બંને ડિવોર્સની અનેક ચર્ચાઓ અને અફવાઓને અવગણીને પોતાની કૅરિઅરમાં આગળ વધવાની સાથે જીવનમાં પણ ખુશીથી આગળ વધી રહ્યાં છે.
તેમની ૧૪ વર્ષની દીકરી આરાધ્યા પણ હવે વારંવાર ચર્ચામાં રહે છે. ઐશ્વર્યા અને અભિષેક પર તો તેમના ડિવોર્સના અહેવાલોની કોઈ અસર નથી થતી, પરંતુ શું તેમની ટીનેજ દીકરી પર આ પ્રકારની ચર્ચાઓની કોઈ અસર થાય છે, તે અંગે તાજેતરમાં અભિષેક બચ્ચને એક ઇન્ટરવ્યુમાં વાત કરી હતી. અભિષેક બચ્ચને આ પ્રશ્નના જવાબમાં જણાવ્યું,“મને નથી લાગતું, એને કોઈ ફરક પડતો હોય.
મને નથી લાગતું કે તેને આમાં કોઈ રસ પણ હોય, તે જે વાંચે તે બધું માની લેતી નથી. એની માતાએ એને શીખવ્યું છે કે તે જે વાંચે એ બધું માની લેવાનું નહીં. જેમ મારા માતા પિતા મારી સાથે હતાં, તેમ અમે પરિવાર સાથે બિલકુલ પ્રામાણિક રહીએ છીએ. તેથી એવું ક્યારેય બનતું જ નથી કે અમારે કોઈએ એકબીજા પર પ્રશ્ન ઉઠાવવા પડે. એ ૧૪ વર્ષની છે અને તેની પાસે ફોન નથી. જો એનાં મિત્રોને એની સાથે વાત કરવી હોય તો એની માતાનાં ફોન પર કાલ કરવો પડે છે અને આ બાબત અમે બહુ પહેલાં નક્કી કરી લીધી હતી.”
જોકે, અભિષેકે કહ્યું કે આરાધ્યા ઇન્ટરનેટનો ઉપયોગ કરે છે, પરંતુ એ પણ તેના હોમવર્ક અને ભણવા પૂરતું જ સીમિત છે. આરાધ્યા વિશે આગળ વાત કરતા અભિષેકે જણાવ્યું, “અમે જે પણ કંઈ કરીએ છીએ તેના અને ફિલ્મ ઇન્ડસ્ટ્રી વિશે ઐશ્વર્યાએ આરાધ્યામાં ઘણી સન્માનની લાગણી કેળવી છે. તેણે એને શીખવ્યું છે કે આપણે આજે જે છીએ તે ફિલ્મો અને દર્શકોએ આપણને જે આપ્યું છે, તેના કારણે છીએ. તેનો એક દૃષ્ટિકોણ ચોક્કસ છે.
એ એક બહુ સ્પષ્ટ ટીનેજર છે. એના અલગ વિચારો છે, જેની અમે અંગત રીતે ચર્ચા કરીએ છીએ, પરંતુ તેની બધું જ સુંદર રીતે વ્યક્ત કરવાની આદત છે.” થોડાં દિવસો અગાઉ ઐશ્વર્યાએ પણ આ અંગે સ્પષ્ટતા કરી હતી કે આરાધ્યા કોઈ સોશિયલ મીડિયાનો ઉપયોગ કરતી નથી અને તેનાં નામે કોઈ પણ સોશિયલ મીડિયા અકાઉન્ટ દેખાય તો એ ફેક અકાઉન્ટ છે.SS1MS
