Western Times News

Gujarati News

બિલ્ડર પર ભરોસો રાખવો મોંઘો પડ્યો: સ્નેહાંજલિ સોસાયટીના રહીશો તેમની જ ભૂલનો ભોગ બન્યા

અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન દ્વારા નારણપુરામાં વૈકલ્પિક વ્યવસ્થા આપવામાં આવશે

સોસાયટીની જે મૂળ જગ્યા છે તેના માલિક ધર્મેશ પટેલ છે એટલે કે કાંતિલાલ પટેલે ખોટી રીતે બનાવીને મકાન વેચ્યા હતા.

સુપ્રીમ કોર્ટ દ્વારા 79 કરોડ રૂપિયાને બદલે પ્રવર્તમાન જંત્રી મુજબના નાણા એટલે કે 41 કરોડ તા.૩૦/૦૯/૨૪  સુધીમાં જમા કરાવવા અથવા પ્લોટનો ખુલ્લો કબજો અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનને સોંપવા આદેશ કરવામાં આવેલ.   

(પ્રતિનિધિ) અમદાવાદ,  થલતેજ વિસ્તારમાં આવેલી સ્નેહાંજલિ સોસાયટીમાં 25 મકાન આવેલા છે.આ સોસાયટીની સ્થાપના 1983માં થઈ હતી. કાંતિલાલ પટેલ નામના બિલ્ડરે સોસાયટીમાં 1985માં બે લાખ રૂપિયાના ભાવથી 25 મકાન વેચ્યા હતા. 25 પૈકી 20 મકાન ONGCના કર્મચારીઓએ લોનથી ખરીદ્યા હતા.

બિલ્ડર કાંતિ પટેલે મકાન વેચ્યા બાદ સોસાયટીમાં 40 વર્ષથી રહીશો રહેતા હતા. ત્યારે થોડા સમય અગાઉ રહીશોને જણાવવામાં આવ્યું હતું કે સોસાયટીની જે મૂળ જગ્યા છે તેના માલિક ધર્મેશ પટેલ છે એટલે કે કાંતિલાલ પટેલે ખોટી રીતે બનાવીને મકાન વેચ્યા હતા. જેનો ભોગ સોસાયટી ના સભ્યો 35 વર્ષ બાદ બની રહયા છે. મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સોસાયટીના સભ્યોને નારણપુરા માં વૈકલ્પિક વ્યવસ્થા આપવામાં આવી રહી છે.

મ્યુનિસિપલ કોર્પોરેશન ના સૂત્રોએ જણાવ્યા મુજબ હાલમાં સ્નેહાંજલિ સોસાયટી જે જગ્યાએ છે તે વિસ્તાર મૂળ ઔડા હસ્તક હતો. વર્ષ 1983- 84 માં સ્નેહાંજલિ સોસાયટીના સભ્યોએ સરવે નંબર 113 / 2 પૈકીની જમીન વેચાણથી ખરીદેલ.

ટીપી સ્કીમની જોઈએ આ સર્વે નંબરની જગ્યાએ એફપી 68 ની ફાળવણી અન્ય જગ્યાએ કરવામાં આવેલ. સોસાયટીના સભ્યોને તેમને જે એફ પી માં જગ્યા ફાળવવામાં આવેલ હતી તે બાબતે જાણ હોવા છતાં તેમણે પોતાના સર્વે નંબરની મૂળ જગ્યા પર વર્ષ 1989 માં  બાંધકામ શરૂ કરેલ. આથી આ સર્વે નંબરની જગ્યા જે માલિકોને FP તરીકે ફાળવવામાં આવેલ હતી તેમણે વર્ષ 1989માં તેનો વાંધો ઔડા સમક્ષ ઉઠાવ્યો હતો.

ઔડા દ્વારા સ્નેહાંજલી સોસાયટીના રહીશોને ગેરકાયદેસર બાંધકામ બાબતે નોટિસ ઈસ્યુ કરવામાં આવેલ. આમ સ્નેહાંજલિ સોસાયટીના રહીશો એ બાબતથી વાકેફ હતા કે તેઓ એવી જગ્યા પર ગેરકાયદેસર બાંધકામ કરી રહ્યા છે કે જે જગ્યાએ તેમની માલિકીની નથી. આ નોટિસની સામે રહીશોએ સીટી સિવિલ કોર્ટમાં દાવો દાખલ કરેલ અને કોર્ટ દ્વારા બાંધકામ દૂર કરવા બાબતે મનાઈ હુકમ ઇસ્યુ કરવામાં આવેલ.

સ્નેહાંજલિ સોસાયટીના રહીશોએ સર્વે નંબર 113 / 2 ની જમીન તેના મૂળ માલિકોના પાવર ઓફ એટર્ની હોલ્ડર પાસેથી ખરીદેલ. આ સર્વે નંબરના મૂળ માલિકોએ સદર જમીનના વેચાણના હકો પાવર ઓફ એટર્નીને આપેલ ન હતા. આથી જમીનના મૂળ માલિકોએ રેવન્યુ ઓથોરિટીને  આ વેચાણ તેમના દ્વારા થયેલ ન હોવાનું જણાવ્યું.

આ બાબતને ધ્યાને લઈ રેવન્યુ રેકર્ડ પર વર્ષ 1997માં સ્નેહાંજલિ સોસાયટીની સર્વે નંબર 113/2 પરની માલિકી બાબતની એન્ટ્રી રદ કરતો હુકમ થયો. આ દરમિયાન સદર સર્વે નંબરની જગ્યા FP તરીકે જેમને ફાળવવામાં આવેલ હતી તેના માલિકો દ્વારા સ્નેહાંજલી સોસાયટી સામે સીટી સિવિલ કોર્ટમાં દાવો દાખલ કરવામાં આવ્યો. સીટી સિવિલ કોર્ટમાં થયેલ દાવા

અને પ્રતિદાવાથી સદર બાબતનું નિરાકરણ ન આવતા, સર્વે નંબર 113/2 ની જગ્યા જે માલિકોને ફાળવવામાં આવેલ હતી તે જગ્યા એટલે કે FP નંબર 65 ના માલિકોએ (હાલની નિધી સોસાયટીએ) નામદાર હાઇકોર્ટ સમક્ષ વર્ષ 2003માં સદર જગ્યાનો ખુલ્લો કબજો મેળવવા માટે અપીલ દાખલ કરેલ.

ત્યારબાદ વખતો વખત સ્નેહાંજલી સોસાયટી તેમજ નિધિ સોસાયટી દ્વારા એકબીજાની સામે તેમજ ઔડાની સામે સીટી સિવિલ કોર્ટ તથા હાઇકોર્ટમાં દાવાઓ કરવામાં આવેલ.

સ્નેહાંજલી સોસાયટી ના સભ્યો તે જગ્યાએ ઘણા વર્ષોથી વસવાટ કરી રહ્યા હોય માનવતા વાદી અભિગમ અપનાવી ઔડા દ્વારા જ્યાં સોસાયટી આવેલ છે ત્યાં ટીપી સ્કીમ વેરીડ કરી સેલ ફોર રેસીડેન્સીયલનું રિઝર્વેશન મૂકી ઔડાની લેન્ડ પ્રાઇસ ફિક્સિંગ કમિટી જે કિંમત નક્કી કરે તે સોસાયટી દ્વારા ચૂકવવામાં આવે તેમ ઠરાવેલ. જે મુજબ સ્નેહાંજલી સોસાયટીને 79 કરોડ રૂપિયા ભરવાના થતા હતા. ત્યારબાદ સદર પ્રકરણ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં આવ્યું તથા એએમસી લિમિટમાં આવ્યા પછી એએમસી દ્વારા સદર બાબતના નિકાલ માટે ઔડા દ્વારા જણાવ્યું.

સ્નેહાંજલી સોસાયટી દ્વારા સદર પ્લોટ પેટેની નક્કી કરેલ રકમ અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનમાં જમા ન કરાવવામાં આવી તેમજ પ્લોટ ખાલી કરીને સોપવામાં ન આવતા નામદાર હાઇકોર્ટમાં થયેલ પિટિશનમાં નામદાર હાઇકોર્ટ દ્વારા કોમન કેવ જજમેન્ટ કરી તા.૩૧/૧૨/૨૦૨૩ સુધીમાં નાણા જમા કરાવવા અન્યથા પ્લોટનો કબજો સોંપવા ઓર્ડર કરવામાં આવ્યો.

તેમ છતાં સ્નેહાંજલી સોસાયટી દ્વારા તેનું પાલન ન થતા નિધિ સોસાયટી દ્વારા નામદાર સુપ્રીમ કોર્ટમાં પિટિશન દાખલ કરતા નામદાર કોર્ટ દ્વારા 79 કરોડ રૂપિયાને બદલે પ્રવર્તમાન જંત્રી મુજબના નાણા એટલે કે 41 કરોડ તા.૩૦/૦૯/૨૪  સુધીમાં જમા કરાવવા અથવા પ્લોટનો ખુલ્લો કબજો અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનને સોંપવા આદેશ કરવામાં આવેલ.

નામદાર સુપ્રીમ કોર્ટ દ્વારા આપેલ મુદતમાં સ્નેહાંજલિ સોસાયટી દ્વારા હુકમનું પાલન ન કરાતા નિધિ સોસાયટી દ્વારા સુપ્રીમ કોર્ટમાં ક્ંટેમ્પ્ટ પીટીશન દાખલ કરવામાં આવેલ છે.

સ્નેહાંજલી સોસાયટીના ઉપરોક્ત ચાલી રહેલ ઇશ્યૂ બાબતે આજરોજ તા.૧૬/૧૨/૨૦૨૫ ના રોજ બોડકદેવ ખાતેની ઉત્તર પશ્ચિમ ઝોનની ઝોનલ કચેરીએ ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર (એસ્ટેટ) તથા ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર (ઉત્તર પશ્ચિમ ઝોન)ની અધ્યક્ષતામાં સ્નેહાંજલિ સોસાયટીના તમામ રહેણાંકના કબ્જેદારો સાથેની થયેલ મીટીંગમાં હાલ હંગામી વૈકલ્પિક વ્યવસ્થા તરીકે ટી.પી.સ્કીમ નં.૨૯ (નારણપુરા),

ફાઈનલ પ્લોટ નં.૩૨૪ માં ગુજરાત હાઉસિંગ બોર્ડ દ્વારા નિર્માણ કરવામાં આવેલ સરદાર પટેલ નગરમાં ખાતેના આવાસોમાં શિફ્ટ થવા માટે તમામ સભ્યોએ સંમતિ દર્શાવેલ છે તથા તમામ સભ્યો દ્વારા બાહેધરી પણ આપેલ છે કે, સદર આવાસો પેટે ભાડાની ચુકવણી કે અન્ય નાણાકીય બાબતે ગુજરાત હાઉસિંગ બોર્ડ અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન જે નિર્ણય લેશે તે અમોને સ્વીકાર્ય છે.

અમદાવાદની સ્નેહાંજલિ સોસાયટી વિવાદનું ટૂંકું સારાંશ (5 મુદ્દા):

  1. વિવાદની શરૂઆત: અમદાવાદની થલતેજ વિસ્તારની સ્નેહાંજલિ સોસાયટી, જે 1983માં સ્થપાઈ અને 1985માં બિલ્ડર કાંતિલાલ પટેલે વેચી હતી. આ સોસાયટીના 25માંથી 20 મકાન ONGCના કર્મચારીઓએ ખરીદ્યા હતા.

  2. ખોટી જમીન પર બાંધકામ: 35 વર્ષ પછી ખબર પડી કે બિલ્ડર કાંતિલાલ પટેલે સોસાયટીની મૂળ જગ્યા ખોટી રીતે વેચી હતી, અને તેના મૂળ માલિક ધર્મેશ પટેલ હતા. મ્યુનિસિપલ કોર્પોરેશનના મતે, આ સોસાયટી ઔડા હસ્તકની જમીન પર TP સ્કીમનું ઉલ્લંઘન કરીને ગેરકાયદેસર રીતે બાંધવામાં આવી હતી.

  3. કોર્ટ કેસ અને દંડ: ગેરકાયદેસર બાંધકામની જાણ હોવા છતાં, રહેવાસીઓ કોર્ટમાં ગયા. કોર્ટે અનેક દાવાઓ અને પ્રતિદાવાઓ બાદ હાઈકોર્ટે અને ત્યારબાદ સુપ્રીમ કોર્ટે માનવતાના ધોરણે સમાધાનનો માર્ગ આપ્યો. સુપ્રીમ કોર્ટે રહેવાસીઓને ₹79 કરોડ (બાદમાં જંત્રી મુજબ ₹41 કરોડ) જમા કરાવવા અથવા પ્લોટનો કબજો સોંપવાનો આદેશ આપ્યો હતો.

  4. આદેશનો અનાદર: સ્નેહાંજલિ સોસાયટીના સભ્યો સુપ્રીમ કોર્ટ દ્વારા નક્કી કરેલી મુદત (30/09/2024) સુધીમાં નાણાં જમા કરાવી શક્યા નહીં કે પ્લોટનો કબજો પણ સોંપ્યો નહીં.

  5. વૈકલ્પિક વ્યવસ્થા અને સંમતિ: અંતે, કોર્ટના આદેશનું પાલન ન થતાં, 16 ડિસેમ્બર 2025ના રોજ AMCના અધિકારીઓ સાથેની મીટિંગમાં સોસાયટીના તમામ સભ્યોએ હંગામી વૈકલ્પિક વ્યવસ્થા તરીકે નારણપુરા ખાતે ગુજરાત હાઉસિંગ બોર્ડ દ્વારા નિર્મિત સરદાર પટેલ નગરના આવાસો માં સ્થળાંતર કરવા માટે સંમતિ દર્શાવી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.