Western Times News

Gujarati News

ગુજરાતમાં PUCની ફીના દરોમાં ધરખમ વધારો કરવાની જાહેરાત

(એજન્સી)અમદાવાદ, ગુજરાતના વાહનચાલકો માટે ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. રાજ્ય સરકાર દ્વારા વાહનોના પ્રદૂષણ નિયંત્રણ પ્રમાણપત્ર એટલે પીયુસીની ફીના દરોમાં ધરખમ વધારો કરવાની જાહેરાત કરવામાં આવી છે. લાંબા સમય બાદ પીયુસી ફીમાં રૂ. ૨૦ થી લઈને રૂ. ૫૦ સુધીનો વધારો ઝીંકવામાં આવ્યો છે.

નવા સુધારેલા દરો મુજબ, ટુ-વ્હીલર, થ્રી-વ્હીલર, ફોર-વ્હીલર અને ભારે વાહનો એમ તમામ કેટેગરીમાં ભાવ વધારો અમલી બન્યો છે. ખાસ કરીને મધ્યમ વર્ગના વાહનચાલકો અને ટ્રાન્સપોર્ટરો પર આ વધારાની સીધી અસર જોવા મળશે. રાજ્યમાં વધી રહેલી મોંઘવારી વચ્ચે પીયુસી સેન્ટરના સંચાલકો દ્વારા લાંબા સમયથી ફી વધારાની માંગ કરવામાં આવી રહી હતી, જેને ધ્યાને રાખીને સરકારે આ નિર્ણય લીધો હોવાનું મનાય છે.

જોકે, કાર ચાલકો માટે સીધો રૂ. ૫૦ નો વધારો ઘણો મોટો ગણાય રહ્યો છે. હવેથી વાહનચાલકોએ પોતાનું વાહન રોડ પર ચલાવવા માટે પ્રદૂષણ મુક્ત હોવાનું પ્રમાણપત્ર મેળવવા માટે વધારાના નાણાં ખર્ચવા પડશે. નિયમ મુજબ જો વાહનચાલક પાસે માન્ય પીયુસી નહીં હોય, તો ટ્રાફિક પોલીસ દ્વારા તેને મોટો દંડ ફટકારવામાં આવે છે, જેના કારણે હવે મોંઘા ભાવે પણ પીયુસી કઢાવવું ફરજિયાત બનશે.

નવા નિયમ પ્રમાણે હવે ટુ-વ્હીલરના પીયુસી માટે રૂપિયા ૩૦ના બદલે રૂ.પ૦ ચૂકવવા પડશે. આવી જ રીતના થ્રી-વ્હીલર (રિક્ષા) માટે પ૦ના બદલે રૂ.૬૦, ફોર વ્હીલ (કાર) માટે રૂપિયા ૮૦ના બદલે રૂ.૧૩૦ ભારે વાહનો (બસ/ટ્રક) માટે રૂપિયા ૧૦૦ના બદલે રૂપિયા ૧પ૦ ચૂકવવા પડશે. આમ વાહન ચાલકોને હવે રૂપિયા ર૦થી પ૦ સુધી વધારે ચૂકવવા પડશે. પીયુસીના ફીમાં કરાયેલા વધારાના કારણે વાહનચાલકોના ખિસ્સાને અસર થશે. બીજી તરફ સરકારની આવકમાં નોંધપાત્ર વધારો થશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.