ગોધરાના પઢીયાર ગામમાં પાણી માટે વલખાં મારતી મહિલાઓએ માટલા ફોડ્યા
(પ્રતિનિધિ)ગોધરા, દેશની દરેક મહિલાને પીવાના પાણીની સમસ્યામાંથી મુક્તિ મળે અને ઘરે બેઠા શુદ્ધ પાણી મળી રહે તે હેતુથી કેન્દ્ર સરકાર દ્વારા નલ સે જલ યોજના કાર્યરત કરવામાં આવી છે. સરકારનું સ્વપ્ન છે કે મહિલાઓને માથે બેડાં ઉપાડવા ન પડે અને ‘હર ઘર જલ’ સૂત્ર સાર્થક થાય. પરંતુ પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકાના પઢીયાર ગામમાં આ યોજનાની સુવિધા હજુ સુધી લોકોને મળી નથી જે ચિંતાનો વિષય બન્યો છે.
સરકાર દ્વારા ઘરે-ઘરે પાણી પહોંચાડવાના પ્રયાસો થઈ રહ્યા છે છતાં પઢીયાર ગામના મુખ્ય વિસ્તારમાં પીવાના પાણીની જૂથ યોજનાનો લાભ પહોંચ્યો નથી. પરિણામે, ગામની મહિલાઓ પીવા માટે અને પશુપાલન માટે હેડ પંપના પાણી પર આધાર રાખવા મજબૂર બની છે.
સ્થાનિક ગ્રામજનોના જણાવ્યા મુજબ, સરકારી ધારાધોરણો મુજબ હેડ પંપ માટે ૩૦૦ ફૂટ સુધી બોરિંગ કરવાની જોગવાઈ હોય છે જેથી ભૂગર્ભમાંથી શુદ્ધ પાણી મળી શકે. પરંતુ ગામમાં કાર્યરત હેડ પંપોમાં માત્ર ૫૦ થી ૬૦ ફૂટ જેટલું જ બોરિંગ કરવામાં આવ્યું હોવાનો ગ્રામજનોએ આક્ષેપ કર્યો છે. ઓછી ઊંડાઈના કારણે પંપમાંથી આવતું પાણી ડહોળું અને કાટવાળું આવી રહ્યું છે.
હેડ પંપમાંથી નીકળતું પાણી કાટવાળું હોવાથી તે પીવાલાયક જણાતું નથી. આમ છતાં, અન્ય કોઈ વિકલ્પ ન હોવાથી ગ્રામજનો મજબૂરીવશ તેનો ઉપયોગ કરી રહ્યા છે. જેનાથી રોગચાળો ફેલાવવાની ભીતિ સેવાઈ રહી છે અને આ રીતે સીધેસીધા લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં થઈ રહ્યા છે.
તાજેતરમાં અધિકારીઓની ટીમ ગામમાં ગંદકીની સમસ્યાના નિરીક્ષણ અર્થે આવ્યા હતા. તે સમયે ગ્રામજનોએ પીવાના પાણીની આ સમસ્યા અંગે તેમને રૂબરૂ રજૂઆત કરી હતી અને ઉકેલ લાવવા માંગણી કરી હતી. પરંતુ અધિકારીઓ દ્વારા કોઈ નક્કર પગલાં ન લેવાતા અને સમસ્યાનું નિરાકરણ ન આવતા, આખરે ધીરજ ખૂટી ગયેલી મહિલાઓએ હેડ પંપ પાસે માટલા ફોડીને તંત્ર સામે ભારે રોષ વ્યક્ત કર્યો હતો.
