ગાઢ ધુમ્મસને કારણે યુપીમાં અકસ્માતોની હારમાળાઃ૨૫ના મોત
લખનઉ, ગાઢ ધુમ્મસ અને નબળી વિઝિબિલિટીના કારણે ઉત્તર પ્રદેશમાં સંખ્યાબંધ માર્ગ અકસ્માત સર્જાયા હતા, જેના કારણે ૨૫ લોકોનાં મોત થયા હતા અને ૫૯ ઘાયલ થયા હતા. મથુરામાં યમુના એકસપ્રેસ વે પર સૌથી વધુ કરુણ અકસ્માત સર્જાયો હતો, જ્યાં સંખ્યાબંધ વાહનો એકબીજા સાથે અથડાયા હતા. મથુરા નજીક સૌથી વધુ ૧૩ વ્યક્તિનાં મોત થયા હતા, જ્યારે બસ્તિ અને ઉનાવ ખાતે ૪-૪ મોત થયા હતા.
મેરઠ અને બારાબંકીમાં બે-બે વ્યક્તિએ જીવ ગુમાવ્યા હતા. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ મથુરા અકસ્માતમાં જીવ ગુમાવનારા મૃતકો પ્રત્યે દિલસોજી વ્યક્ત કરી હતી. આ અકસ્માતમાં ૧૩ લોકો જીવતા ભૂંજાયા હતા અને ૪૩ને ગંભીર ઈજા થઈ હતી. યમુના એક્સપ્રેસ પર મંગળવારે વહેલી સવારે ૪.૩૦ના અરસામાં ગાઢ ધુમ્મસના કારણે વિઝિબિલિટી સાવ ઘટી ગઈ હતી ત્યારે સંખ્યાબંધ વાહનો એકબીજા સાથે ટકરાયા હતા.
આ દુર્ઘટના આગ્રા-નોઈડા હાઈવે પર બલદેવ પોલીસ સ્ટેશનની હદમાં બની હતી. પોલીસે જણાવ્યુ હતું કે, નબળી વિઝિબિલિટીના પગલે ૮ બસ અને ત્રણ નાના વાહનો અથડાયા હતા અને કેટલાકમાં આગ લાગી હતી.SS1MS
