સેવન્થ ડે સ્કૂલમાં શૈક્ષણિક કાર્ય, પરીક્ષાઓને કોઈ અસર નહીં થવાની ડીઈઓની ખાતરી
અમદાવાદ, સેવન્થ ડે સ્કૂલનો વહીવટ સરકાર હસ્તક લેવાનો સત્તાવાર નિર્ણય લેવામાં આવ્યા બાદ સ્કૂલના વહીવટદાર તરીકે નિમાયેલા અમદાવાદ શહેર ડીઈઓ દ્વારા સ્કૂલના વાલીઓ, વિદ્યાર્થીઓ અને સ્ટાફને ઉદ્દેશીને પત્ર લખ્યો હતો. જેમાં તેમણે શિક્ષણની ગુણવત્તા, અભ્યાસક્રમ વગેરે પર કોઈ પણ જાતની અસર નહીં થવા દેવાની ખાતરી આપી હતી. ઉપરાંત શાળામાં નિયમિત વર્ગાે, શિક્ષણ કાર્ય, પરીક્ષાઓ લેવામાં આવશે તેની પણ ખાતરી આપી હતી.
સમગ્ર પ્રકરણમાં બાળકોના હિત વિના કોઈ પણ નિર્ણય લેવાયો નથી. આ પગલુ શાળાને નુકશાન પહોંચાડવા માટે નહીં પરંતુ વધુ સ્થિર બનાવવા માટે લેવાયું હોવાનું પણ જણાવાયું હતું. પ્રાપ્ત માહિતી અનુસાર, ખોખરા વિસ્તારમાં આવેલી સેવન્થ ડે સ્કૂલમાં ધોરણ-૧૦ના વિદ્યાર્થીની હત્યાની ઘટના બાદ તપાસ કમિટીના અહેવાલના આધારે આખરે રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા સ્કૂલનો વહીવટ સરકાર હસ્તક લેવાનો નિર્ણય કર્યાે છે.
જે અંગે સત્તાવાર ઠરાવ પણ બહાર પાડી દેવામાં આવ્યો છે, અને સ્કૂલના વહીવટદાર તરીકે અમદાવાદ શહેર જિલ્લા શિક્ષણાધિકારીની નિમણુંક કરી છે. આ નિમણુંક બાદ અમદાવાદ શહેર ડીઈઓરોહિત ચૌધરી દ્વારા સ્કૂલના વાલીઓ, વિદ્યાર્થીઓ અને સ્ટાફને ઉદ્દેશીને પત્ર લખ્યો છે. તેમણે લખેલા પત્રમાં જણાવ્યું હતું કે, છેલ્લા કેટલાક દિવસોથી શાળાની વહીવટ અને વ્યવસ્થાપન સંબંધિત પરિસ્થિતિઓને કારણે ખાસ કરીને માતા-પિતાના મનમાં ચિંતા, પ્રશ્નો અને અસમંજસતા ઊભી થઈ હશે.
માતા-પિતાને સ્પષ્ટ અને દ્રઢ આશ્વાસન આપું છું કે સેવન્થ ડે સ્કૂલમાં બાળકોના શિક્ષણની ગુણવત્તા, શિસ્ત, અભ્યાસક્રમ અને શૈક્ષણિક સતર્કતા પર કોઈપણ પ્રકારની અસર થવા દેવામાં આવશે નહી. શાળા નિયમિત રીતે વર્ગાે, શિક્ષણ કાર્ય, પરીક્ષાઓ સહ શૈક્ષણિક પ્રવૃત્તિઓ યથાવત ચાલશે. શિક્ષકો બાળકોને અગાઉની જેમ શિક્ષણ આપતા રહેશે.
કેટલીક વખત અધૂરી માહિતી કે ગેરસમજના કારણે ભય ઊભો થાય છે, પરંતુ બાળકોના હિત વિના કોઈપણ નિર્ણય લેવામાં આવ્યો નથી અને લેવામાં આવશે પણ નહી.ડીઈઓએ વિદ્યાર્થીઓને ઉદ્દેશીને જણાવ્યું હતું કે, આ પરિસ્થિતિ વહીવટી છે, શૈક્ષણિક નથી. તમારું શાળા જીવન, તમારાં શિક્ષકો, મિત્રો અને ભણતર સંપૂર્ણ રીતે સુરક્ષિત છે. તમારે ફક્ત નિર્ભય બનીને ભણવાનું ચાલુ રાખવાનું છે.
જ્યારે સ્ટાફને ઉદ્દેશીને પત્રમાં જણાવાયું હતું કે, બાળકોને કોઈપણ પ્રકારનો ભય કે ગેરસમજ અનુભવાય નહીં તેની ખાસ કાળજી લો અને તમારી ફરજ નિષ્ઠાપૂર્વક અને આત્મવિશ્વાસ સાથે બજાવો. આ પગલું શાળાને નુકસાન પહોંચાડવા માટે નહી પરંતુ શાળાની વ્યવસ્થા વધુ સ્થિર, જવાબદાર અને વિશ્વસનીય બનાવવા માટે લેવામાં આવ્યું છે.SS1MS
