Western Times News

Gujarati News

અમરેલીના બગસરામાં બેકાબૂ કાર ઝાડ સાથે ભટકાતા પલટી

અમરેલી, અમરેલી જિલ્લાના બગસરા નજીક બુધવારે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. બગસરાના હડાળા અને ડેરી પીપરીયા ગામ વચ્ચે એક ફોર વ્હીલ કાર રોડ પરથી નીચે ઉતરી જતાં આ ભયંકર દુર્ઘટના થઈ હતી. જેમાં ત્રણ લોકોના મોત નિપજ્યા છે અને એક વ્યક્તિ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો છે.

મળતી માહિતી અનુસાર, અમરેલીના બગસરા નજીક બુધવારે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. વહેલી સવારે પૂરપાટ ઝડપે દોડતી ફોર વ્હીલ કાર અચાનક રોડ પરથી નીચે ઉતરી ગઈ હતી. ત્યારબાદ તે ઝાડ તેમજ અન્ય વસ્તુઓ સાથે ધડાકાભેર અથડાઈ હતી.

ટક્કર એટલી જોરદાર હતી કે કારનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો. આ કારમાં કુલ ચાર લોકો સવાર હતા. આ ભયાનક અકસ્માતમાં ત્રણ લોકોના ઘટનાસ્થળે જ કરૂણ મોત નિપજ્યા છે, જ્યારે અન્ય એક વ્યક્તિ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો છે, જેને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.અકસ્માતની જાણ થતાં જ અમરેલી ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગઈ હતી.

કારને ભારે નુકસાન થયું હોવાથી તેમાં સવાર લોકોને બહાર કાઢવા માટે ફાયર વિભાગે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું હતું. લાંબી જહેમત બાદ કારમાં ફસાયેલા લોકોને બહાર કાઢવામાં આવ્યા હતા. પોલીસે ઘટનાસ્થળે પહોંચીને કાયદાકીય કાર્યવાહી હાથ ધરી અને અકસ્માત કયા કારણોસર થયો તે અંગે વધુ તપાસ હાથ ધરી છે. આ અકસ્માતથી મૃતકના પરિવારમાં શોકનો માહોલ છવાયો છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.