અમદાવાદમાં ૨૩૦૦ લોકોના ડ્રાઇવિંગ લાઇસન્સ સસ્પેન્ડ
અમદાવાદ, હાઈ કોર્ટની ફટકાર બાદ અમદાવાદમાં ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરનારા સામે સકંજો કસાયો છે. શહેરમાં ૨૩ મહિનામાં ૨૩૦૦ લોકોના ડ્રાઇવિંગ લાઇસન્સ સસ્પેન્ડ થયા હતા. ઇ-ચલણ ન ભરવા, ઓવરસ્પીડ અને બેફામ ડ્રાઇવિંગ કરનારા ચાલકોના લાઇસન્સ આજીવન રદ થઈ શકે છે.જાન્યુઆરી ૨૦૨૪ થી નવેમ્બર ૨૦૨૫ વચ્ચેના ૨૩ મહિનામાં અમદાવાદમાં ૨૩૩૪ ડ્રાઇવિંગ લાઇસન્સ સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.
આરટીઓ દ્વારા શહેર ટ્રાફિક પોલીસના રિપોર્ટના આધારે આ કાર્યવાહી કરી હતી. જે અંતર્ગત ત્રણ થી છ મહિના સુધી લાઇસન્સ સસ્પેન્ડ કરાયા હતા. સૂત્રોએ જણાવ્યું કે, જે ડ્રાઇવરોનું લાઇસન્સ પહેલેથી જ સસ્પેન્ડ થઈ ગયું છે અને તેઓ ફરીથી ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરતા પકડાશે, તો તેમને આજીવન સસ્પેન્શનનો સામનો કરવો પડી શકે છે.
આ ઉપરાંત સૂત્રોએ જણાવ્યું કે, જો એકવાર ડ્રાઇવિંગ લાઇસન્સ રદ થાય, તો તે પાસપોર્ટ મેળવવા અથવા રિન્યૂ કરવામાં પણ ગંભીર અવરોધો ઊભા કરી શકે છે. આનાથી તે વ્યક્તિની વિદેશ મુસાફરીની શક્યતાઓ પર અસર પડી શકે છે.
સસ્પેન્શન મુખ્યત્વે શહેરભરમાં ઓવરસ્પીડિંગ, ખોટી બાજુએ ડ્રાઇવિંગ અને બેદરકારીભર્યું ડ્રાઇવિંગ જેવા ગુનાઓમાં થયેલા વધારાને કારણે થયા છે.જે ચાલકોના ત્રણ કે તેથી વધુ ટ્રાફિક ચલણ બાકી હતા તેવા ૧૬૦૦ લોકોના ડ્રાઇવિંગ લાઇસન્સ સસ્પેન્ડ કરાયા હતા. હવે જો આ ચાલકો વધુ એક વખત ટ્રાફિક નિયમનો ભંગ કરે તો તેમનું લાઇસન્સ આજીવન કેન્સલ થઈ શકે છે.
વર્ષ ૨૦૨૪માં છેલ્લા પાંચ વર્ષમાં સૌથી વધુ સંખ્યામાં લાઇસન્સ સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. જે શહેરના રસ્તાઓ પર વધતી જતી અનુશાસનહીનતા દર્શાવે છે. જાન્યુઆરીથી ડિસેમ્બર સુધી, સરેરાશ દરરોજ ચારથી વધુ લાઇસન્સ સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.
૨૦૨૩ની સરખામણીમાં આ એક મોટો ઉછાળો હતો. આ સમયે દર બે દિવસમાં ત્રણ લાઇસન્સ સસ્પેન્ડ થયા હતા.વર્તમાન નિયમો હેઠળ, ટ્રાફિકના વારંવારના ઉલ્લંઘન માટે રૂ. ૧૦૦૦ ના દંડની સાથે ત્રણ મહિનાનું સસ્પેન્શન થાય છે. જીવલેણ અકસ્માતોમાં, લાઇસન્સ કાયમી ધોરણે રદ થઈ શકે છે.
નાના ઉલ્લંઘનો વારંવાર કરવાથી પણ કામચલાઉ સસ્પેન્શન થઈ શકે છે.સૂત્રોએ જણાવ્યું કે અમદાવાદમાં ઇશ્યૂ થયેલા લાઇસન્સ ધરાવતા ૨૮૪ ડ્રાઇવરો અન્ય રાજ્યોમાં જોખમી રીતે ડ્રાઇવિંગ કરતા પકડાયા હતા. જ્યારે ગુજરાતની બહાર ઉલ્લંઘન થાય છે, ત્યારે રાજ્ય સત્તાવાળાઓ લાઇસન્સ જારી કરનાર સ્થળ પર ચલણ મોકલે છે. ત્યારબાદ સ્થાનિક આરટીઓ દ્વારા ડ્રાઇવર સામે કાર્યવાહી કરવામાં આવે છે.SS1MS
