રાજામૌલીની વારાણસીમાં પ્રકાશ રાજ બનશે મહેશ બાબુના પિતા
મુંબઈ, પ્રકાશ રાજ સાઉથની ઇન્ડસ્ટ્રીના એક વર્સેટાઇલ એક્ટર છે, જેઓ છેલ્લા કેટલાક સમયથી બહુ કાળજીપૂર્વક રોલ પસંદ કરે છે. એક સમય હતો, જ્યારે ભાગ્યે જ કોઈ એવી ફિલ્મ બનતી જેમાં પ્રકાશ રાજ ન હોય. પરંતુ છેલ્લા કેટલાક સમયથી તેઓ એક મજબુત કમબૅકની તૈયારી કરી રહ્યા છે.
તાજેતરમાં એવા અહેવાલો છે કે તેઓ રાજામૌલીના મેગા પ્રોજેક્ટ વારાણસીમાં જોડાઈ રહ્યા છે. હાલ રાજામૌલી મહેશ બાબુ સાથે હૈદ્રાબાદના રામોજી ફિલ્મ સિટીમાં વારાણસીનું શૂટ કરી રહ્યા છે. એવી પણ ચર્ચા છે કે મહેશ બાબુના પિતાના રોલ માટે પહેલાં નાના પાટેકરના નામનો વિચાર કરવામાં આવ્યો હતો, પરંતુ હવે પ્રકાશ રાજ આ રોલ કરી રહ્યા છે. જોકે, હાલ તેમની વાટાઘાટો પ્રાથમિક તબક્કામાં છે, જોકે આ ચર્ચાથી જ પ્રકાશ રાજના ફૅન્સ ઉત્સાહમાં છે.
આ પહેલાં રાજામૌલી અને પ્રકાશ રાજ વિક્રમર્કુડુ જેવી સફળ ફિલ્મ આપી ચુક્યા છે.આ પરાંત પ્રકાશ રાજ વિજયની ફિલ્મ જન નાયગનમાં પણ એક રોલ કરી રહ્યા છે. તેઓ લાંબા સમયગાળા પછી ફરી એક વખત મોટા સ્ટાર્સ સાથે ફિલ્મ કરી રહ્યા છે. આ સિવાય તેઓ ‘દેવરા ૨’માં પણ કામ કરી રહ્યા છે.
એવી પણ ચર્ચા છે કે તે સંદીપ રેડ્ડી વાંગાની ફિલ્મમાં પણ કામ કરશે અને નવા સ્વરુપમાં જોવા મળશે. વારાણસીમાં પહેલાં જ પૃથ્વી સુકુમારન, પ્રિયંકા ચોપરા, સંગીતકાર એમ.એમ. કિરવાણી સહિતના મોટા નામો જોડાયેલા છે. સાથે જ ઓટીટીના અધિકારો માટે પણ રેસ હોવાના અહેવાલ છે. ત્યારે હવે પ્રકાશ રાજના જોડાવાથી ફિલ્મ ભારે ભરખમ બની રહી છે.SS1MS
