‘ધડકન’ ફેમ અભિનેત્રીનો શૂટિંગ દરમિયાન ભયંકર અકસ્માત થયો હતો
મુંબઈ, ૯૦ના દાયકાની લોકપ્રિય સ્ટાર અભિનેત્રી મહિમા ચૌધરી હાલમાં ચર્ચામાં છે. તે સંજય મિશ્રા સાથે ફિલ્મ ‘દુર્લભ પ્રસાદ કી દૂસરી શાદી’માં જોવા મળશે. મહિમા લાંબા સમય પછી હિન્દી સિનેમામાં વાપસી કરી રહી છે. તેણે પોતાના જીવનમાં ઘણી મુશ્કેલીઓનો સામનો કર્યાે છે, અને હવે તે મોટા પડદા પર પાછી ફરી છે.મહિમા ચૌધરી ૯૦ના દાયકાની સૌથી પોપ્યુલર અભિનેત્રીઓમાંથી એક હતી.
તેની ફિલ્મો ‘પરદેશ’ ‘દિલ ક્યા કરે’ અને ‘ધડકન’ બોક્સ ઓફિસ પર હિટ રહી હતી. પરંતુ એક અકસ્માતના કારણે તે અચાનક લાઈમલાઈટથી દૂર થઈ ગઈ. ૧૯૯૯માં આવેલી ફિલ્મ ‘દિલ ક્યા કરે’ના શૂટિંગ દરમિયાન મહિમાનો ભયંકર કાર અકસ્માત થયો હતો, જેમાં તે ગંભીર રીતે ઘાયલ થઈ હતી. તેના શરીરમાં કાચના ૬૭ ટુકડા ઘૂસી ગયા હતા, જેને સર્જરી કરીને બહાર કાઢવામાં આવ્યા હતા.
આ ઉપરાંત પણ મહિમાનું જીવન સરળ નહોતું. તેના પહેલા લગ્ન તૂટી ગયા. ત્યારબાદ અભિનેત્રીને બ્રેસ્ટ કેન્સર થયું, જેમાંથી તે તાજેતરમાં જ સ્વસ્થ થઈ છે.હવે મહિમાએ પોતાના જીવનમાં આવેલી મુશ્કેલીઓ વિશે ખુલીને વાત કરી છે.
એક ઈન્ટરવ્યૂમાં અભિનેત્રીએ કહ્યું કે, ‘મારી પહેલી ફિલ્મ બાદ મને કોર્ટમાં ઢસેડવામાં આવી હતી. મને ઘણી ફિલ્મોમાંથી કાઢી મૂકવામાં આવી હતી કારણ કે લોકોએ દાવો કર્યાે હતો કે હું મુક્તા આટ્ર્સ સાથે કોન્ટ્રાક્ટમાં છું, જે સંપૂર્ણપણે ખોટું હતું. પછી મારો એક અકસ્માત થયો અને ત્યારબાદ હું એક વર્ષ સુધી ઘરે બેઠી.’
અભિનેત્રીએ આગળ કહ્યું કે, ‘મેં નાના-મોટા રોલ કરવાનું શરૂ કર્યું અને તે બધી ફિલ્મો હિટ થઈ, ભલે હું માત્ર એક જ ગીત કરી રહી હતી. પછી લોકોએ મને માત્ર એક જ ગીત ઓફર કરવાનું શરૂ કર્યું, મેં ઈનકાર કરી દીધો. લોકો મને લકી મસ્કટ કહેવા લાગ્યા પરંતુ હું તેનાથી કંઈ વધારે કરવા માગતી હતી. મેં ફરી વાપસી કરી પ્રિયદર્શન, રાજ કુમાર સંતોષી, લજ્જા વગેરે સાથે ફિલ્મો કરી.’મહિમાએ પોતાના કાર અકસ્માત વિશે પણ વાત કરી.
તેણે જણાવ્યું કે, ‘તે મારા માટે ખૂબ જ મુશ્કેલ ક્ષણ હતી. મારો ચહેરો સંપૂર્ણપણે બદલાઈ ગયો હતો, જેના કારણે મને ઘણી મુશ્કેલીઓ થઈ હતી. મારા ચહેરા પર કાચના નાના-નાના ૬૭ ટુકડા ઘૂસી ગયા હતા.
તેને સર્જરી કરીને કાઢવામાં આવ્યા હતા. બીજા દિવસે મારો ચહેરો વધુ ફૂલી ગયો હતો અને આખો ચહેરો બગડી ગયો હતો. મારા મિત્રો મારા ચહેરા પરની ઈજાઓ પર હસી રહ્યા હતા, તેઓ વિચારતા હતા કે મારી કોઈ સાથે લડાઈ થઈ છે અને હું જૂઠું બોલી રહી છું. તે સમયે મને ખબર નહોતી કે હું આગળ શું કરીશ. તે ખૂબ જ મુશ્કેલ સમય હતો.’‘હું તડકામાં બહાર નહોતી જઈ શકતી.
મને ટાંકા આવ્યા હતા તેથી મારે તેમના રૂઝ આવવાની રાહ જોવી પડતી હતી અને હંમેશા તેમને ભેજયુક્ત રાખવા પડતા હતા. મને સૂર્ય અને યુવી કિરણોથી ડાઘ પડવાનો ડર હતો. વચ્ચે-વચ્ચે મેં બાકીના ૧-૨ ગીતો પૂર્ણ કર્યા હતા, પરંતુ હું કોઈને પૂરો હક ન આપી શકી કે ક્યાંક બહાર જઈને કામ કરું. મારા કોસ્ચ્યુમ ડિઝાઈનર ટાંકા અને ડાઘ પર ખાસ કરીને ડાબી બાજુ જે વધુ સોજો હતો ત્યાં ચમકદાર ડોટ્સ લગાવતા હતા. ત્યારબાદ તે એક ફેશન બની ગઈ અને લોકોએ તેને વેચવાનું પણ શરૂ કર્યું.’SS1MS
