‘સબકા બીમા સબકી સુરક્ષા’ બિલ પર ચર્ચા: લોકોમાં ઈન્સ્યોરન્સ ક્ષેત્રની વિશ્વસનીયતા બાબતે સવાલ ઊભા થશે?
લોકસભા બાદ રાજ્યસભાએ પણ ગ્રાન્ટમાં રૂ.૪૧,૪૪૫ કરોડ વધારાનો પ્રસ્તાવ પસાર કર્યાે
(એજન્સી)નવી દિલ્હી, મંગળવારે સંસદમાં ગ્રાન્ટ્સ માટે અતિરિક્ત માગના પ્રથમ જથ્થાને મંજૂરી આપવામાં આવી હતી. જેના કારણે સરકારને વર્તમાન નાણાકીય વર્ષમાં અતિરિક્ત રૂ.૪૧,૪૫૫ કરોડનો ખર્ચ કરવાની મંજૂરી મળી હતી.
આ ખર્ચ વધારામાં રૂ.૧૮,૦૦૦ કરોડની ફર્ટિલાઈઝર સબસિડી પણ સામેલ છે. અગાઉ સોમવારે લોકસભાએ ધ્વનિમતથી આ પ્રસ્તાવ મંજૂર કર્યાે હતો, જેને રાજ્યસભાએ પરત લોકસભામાં મોકલ્યો છે.
ખર્ચમાં અતિરિક્ત વધારાના પ્રથમ જથ્થા હેઠળ ૧.૩૨ લાખ કરોડ સામેલ છે. આ પ્રસ્તાવમાં રૂ.૪૧,૪૫૫.૩૯ કરોડની નેટ કેશ તથા વિવિધ સરકારી વિભાગો દ્વારા રૂ.૯૦,૮૧૨.૧૭ કરોડની ખર્ચ બચતનો સમાવેશ થાય છે. અતિરિક્ત ખર્ચમાંથી રૂ.૧૮,૫૨૫ કરોડ ફર્ટિલાઈઝર સંબંધિત સબસિડી પેટે મંજૂર કરાયા છે, જ્યારે રૂ.૯,૫૦૦ કરોડ પેટ્રોલિયમ મંત્રાલયને અપાશે.
રાજ્યકક્ષાના નાણામંત્રી પંકજ ચૌધરીએ રાજ્યસભામાં ચર્ચા દરમિયાન માહિતી આપી હતી કે, ઉચ્ચ શિક્ષણ વિભાગ માટે અતિરિક્ત રૂ.૧,૩૦૪ કરોડ રખાયા છે. વર્ષ ૨૦૨૦-૨૧માં નાણાખાધ ૯.૨ ટકા હતી, જ્યારે વર્ષ ૨૦૨૫-૨૬માં આ લક્ષ્ય ૪.૪ ટકા રાખવામાં આવ્યું છે.વીમા ક્ષેત્રે ૧૦૦ ટકા સીધા વિદેશી મૂડીકારણને મંજૂરી આપવાનું બિલ લોકસભામાં રજૂ થયુ હતું.
કોંગ્રેસ સહિત વિપક્ષના સભ્યોએ આ બિલનો ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો. ‘સબકા બીમા સબકી સુરક્ષા’ બિલ પર ચર્ચાની શરૂઆત કરતા કોંગ્રેસના સભ્ય માણિકમ ટાગોરે કહ્યુ હતું કે, આ બિલની જોગવાઈઓ નુકસાનકારક છે. તેનાથી સામાન્ય લોકોમાં ઈન્સ્યોરન્સ ક્ષેત્રની વિશ્વસનીયતા બાબતે સવાલ ઊભા થશે.
