ઈમ્પેક્ટ ફી ભરવાની મુદ્દતમાં ૬ મહિનાનો વધારો કરાયો
(પ્રતિનિધિ) ગાંધીનગર, ગુજરાત અનધિકૃત વિકાસ નિયમિત કાયદા ૨૦૨૨ હેઠળ રાજ્ય સરકાર દ્વારા ઇમ્પેક્ટ ફી ભરીને ગેરકાયદેસર બાંધકામને કાયદેસર કરવા માટેની સમયમર્યાદા આગામી ૬ મહિના માટે લંબાવી દેવામાં આવી છે. ૧૭ ડિસેમ્બર ૨૦૨૫ના પૂર્ણ થઈ રહેલી સમયમર્યાદા છ મહિના માટે વધારી દેવામાં આવી છે.
હવે જે લોકો પોતાના બાંધકામને કાયદેસર કરાવવા ઈચ્છે છે તેણે ૧૬ જૂન ૨૦૨૬ પહેલા અરજી કરવી પડશે. રાજ્ય સરકારે આપેલી માહિતી પ્રમાણે ગુજરાતમાં ગેરકાયદેસર બાંધકામોને ઈમ્પેક્ટ ફી ભરી કાયદેસર કરવાની સમયમર્યાદા છ મહિના માટે વધારી દેવામાં આવી છે.
અમદાવાદ મહાનગર પાલિકામાં ગેરકાયદેસર બાંધકામને કાયદેસર કરવા માટે અત્યાર સુધી ૮૨ હજાર જેટલી અરજીઓ આવી છે. જેમાં ૨૪ હજાર અરજીઓ મંજૂર પણ કરવામાં આવી છે. ઇમ્પેક્ટ ફી એટલે ગેરકાયદેસર બાંધકામને કાયદેસર કરવા માટેની ફી છે જે સરકાર દ્વારા લેવામાં આવે છે.
જેનો ઉદ્દેશ્ય લોકોના ગેરકાયદેસર અને મંજૂરી વગરના બાંધકામોને તોડી પાડ્યા વગર ફી ભરીને કાયદેસર બનાવવાનો છે. આ કાયદો ૧ ઓક્ટોબર ૨૦૨૨ પહેલા થયેલા ગેરકાયદેસર બાંધકામોંને લાગુ પડે છે.
રાજ્ય સરકાર દ્વારા ગેરકાયદેસર બાંધકામને કાયદેસર કરવાની મુદ્દતમાં છ મહિનાનો વધારો કરાતા તેનો લાભ ગુજરાતભરમાં લાખો લોકોને મળી શકે છે. જે લોકોના બાંધકામ ગેરકાયદેસર છે તેણે સ્થાનિક તંત્રમાં અરજી કરવાની રહેશે. ત્યારબાદ તેની તપાસ કરી અરજી મંજૂર કે નામંજૂર કરવામાં આવશે.
