બે સંતાનો સાથે સ્વીકારી શકે એવા પતિ માટે જાહેરાત આપતા ચાલાક મહિલાનો ભાંડો ફૂટયો
AI Image
લગ્ન બાદ એકાદ વર્ષમાં ઝઘડો કરીને ભરણપોષણની માંગણી, લુણાવાડાની મહિલાએ આ રીતે એક-બે નહીં પ-પ લગ્ન કર્યાં-
અત્યાર સુધી તેણે લુણાવાડા, વડોદરા, સુરેન્દ્રનગર, સુરતમાં લગ્ન કર્યા છે. તે પૈકીના લગ્ન જીવનથી તેને બે સંતાનો છે. હજુ કેસ પેન્ડીંગ છે છતાં તેણે જીવનસાથી પસંદગી માટેની વેબસાઈટમાં બે સંતાનો સાથે સ્વીકારી શકે તેવા પતિ માટે ફોટા સાથે જાહેરાત આપી છે. આ જાહેરાત તેના અત્યારના બોયફ્રેન્ડ જોઈ જતાં સમગ્ર કેસનો ભાંડો ફૂટયો હતો.
અમદાવાદ, ગુજરાતના જુદા જુલા જિલ્લામાં જઈને પ પુરૂષો સાથે લગ્ન કરનારી મહિલા તમામ પાસે ભરણપોષણ માંગીને અલગ મોડસ ઓપરેન્ડી ધરાવે છે. પ પતિ સામે ભરણપોષણનો કેસ હાલ અલગ કોર્ટમાં ચાલુ છે.
અમદાવાદના બે પુરૂષોને ફસાવ્યા છે હજુ તેમની પાસેથી પૈસા પડાવે તે પહેલાં બન્ને પુરૂષોને તેની જાણ થઈ જતાં મહિલા સામે કોર્ટમાં ફરિયાદ કરાઈ છે. આ મહિલા સામે હાલ વિશ્વાસઘાત અને છેતરપિંડીનો કેસ પેન્ડીંગ છે જેની સુનાવણી જાન્યુઆરીમાં હાથ ધરાશે. અલગ જિલ્લામાં પુરૂષોને ફસાવીને તેમની સાથે લગ્ન કરીને માંડ એક વર્ષમાં તે ઝઘડો કરીને પતિ સામે ભરણપોષણની અરજી કરવાની યુનિક મોડસ ઓપરેન્ડી ધરાવે છે.
મૂળ લુણાવાડાની મહિલા વ્યવસાયે વકીલ હોવા છતાં પોતે ગૃહિણી હોવાનું જણાવીને જીવનસાથી પસંદગી એપ્લિકેશન પર લગ્ન માટે જાહેરાત આપતી હતી. કોઈ પાત્ર પસંદ આવે તો તેની સાથે મુલાકાતો કરીને પરિવાર ના હોય તેવા વ્યક્તિની પસંદગી કરતી હતી. મહિલાએ અત્યાર સુધી પ લગ્ન કર્યા છે. દરેક પાસેથી ઘરેલું હિંસા, દહેજના નામે ભરણપોષણ માંગતી અરજી કરી છે.
તમામ કેસ અલગ-અલગ જિલ્લાની કોર્ટમાં પેન્ડીંગ છે પરંતુ અમદાવાદમાં એક બોયફ્રેન્ડ સાથે ફરતી હતી. દરમિયાનમાં અન્ય એક પુરૂષે જીવનસાથી પસંદગીની સાઈટ પર મહિલાનો ફોટો જોયો હતો અને તેણે આ મહિલા બોયફ્રેન્ડનો સંપર્ક કર્યો હતો. બન્નેએ મહિલાની તપાસ કરતાં કેસની ભયાનકતા જાણવા મળી. બન્નેએ ભેગા થઈને તેના પૂર્વ પાંચ પતિઓનો પત્તો લગાવ્યો હતો.
