‘ઇન્ટેન્સિવ ટ્રેનિંગ પ્રોગ્રામ’ પૂર્ણ કરનાર 376 વિદ્યાર્થીઓ પૈકી કુલ ૩૦૧ આદિજાતિ વિદ્યાર્થીઓની ફી રાજ્ય સરકાર દ્વારા અપાઈ
ઇન્ટરનેશનલ ઓટોમોબાઇલ સેન્ટર ઓફ એક્સેલન્સ, ગાંધીનગર ખાતે આદિજાતિ વિકાસ મંત્રી શ્રી નરેશ પટેલના અધ્યક્ષસ્થાને ‘ઇન્ટેન્સિવ ટ્રેનિંગ પ્રોગ્રામ’ પૂર્ણ કરનાર ૩૭૬ વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર એનાયત કરાયા
ગાંધીનગર, રાજ્યના આદિજાતિ વિકાસ મંત્રી શ્રી નરેશ પટેલના અધ્યક્ષસ્થાને આજે ઇન્ટરનેશનલ ઓટોમોબાઇલ સેન્ટર ઓફ એક્સેલન્સ, ગાંધીનગર ખાતે હાઇ એન્ડ સ્કિલ ટ્રેનિંગ લીધેલા ૩૭૬ વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા હતા. સફળતાપૂર્વક તાલીમ પૂર્ણ કરેલા આ વિદ્યાર્થીઓએ ૧૦૦ ટકા પ્લેસમેન્ટ થકી ટાટા મોટર, મધરસન, એમજી મોટર, નોબલ ઓટોમોબાઇલ જેવી વિવિધ ઓટોમોબાઈલ કંપનીઓમાં નોકરી પ્રાપ્ત કરી છે.
આ પ્રસંગે આદિજાતિ વિકાસ મંત્રી શ્રી નરેશ પટેલે વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવતા જણાવ્યું હતું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીના વિઝનરી દ્રષ્ટિકોણના પરિણામે ગાંધીનગર ખાતે ઇન્ટરનેશનલ ઓટોમોબાઇલ સેન્ટર ઓફ એક્સેલન્સ–IACE કાર્યરત કરવામાં આવ્યું છે.
જે વડાપ્રધાનશ્રીના આત્મનિર્ભર ભારતના સ્વપ્નને સાકાર કરવામાં મહત્વની ભૂમિકા ભજવી રહ્યું છે. આ ટ્રેનિંગ સેન્ટર ખાતે ‘ઇન્ટેન્સિવ ટ્રેનિંગ પ્રોગ્રામ’ પૂર્ણ કરનાર ૩૭૬ વિદ્યાર્થીઓ પૈકી કુલ ૩૦૧ આદિજાતિ વિધાર્થીઓની સંપૂર્ણ ફી રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવી છે, જેમાં આ વિદ્યાર્થીઓની તાલીમ, રહેવાની, જમવાની સહિતની સુવિધાઓનો સમાવેશ થાય છે.
આદિજાતિ વિકાસ મંત્રીશ્રીએ વિદ્યાર્થીઓને પોતાની સ્કિલ ઉપર ધ્યાન આપતા કહ્યું હતું કે, વિદ્યાર્થીઓએ હંમેશા પોતાની સ્કિલ પ્રમાણે કાર્ય કરવું જોઈએ. જેનાથી તમારો આત્મવિશ્વાસ વધશે તેમજ ઉત્તમ પરિણામ મળશે. આ ટ્રેનિંગ સેન્ટરમાં ૨૫ કરતાં વધુ હાઇ સ્કિલ ટ્રેનર દ્વારા કંપનીઓની જરૂરિયાત મુજબ તાલીમ આપવામાં આવી છે, જે તમને ભવિષ્યમાં ખૂબ ઉપયોગી નીવડશે.
આ કાર્યક્રમાં આદિજાતી વિભાગના નિયામક શ્રી આશિષકુમારે જણાવ્યું હતું કે, ગુજરાત સરકાર અને મારુતિ સુઝુકીના સંયુક્ત સાહસથી ગાંધીનગર ખાતે ઇન્ટરનેશનલ ઓટોમોબાઇલ સેન્ટર ઓફ એક્સેલન્સ બનાવવામાં આવ્યું છે. આ સંસ્થામાં ઓટોમોટિવ ક્ષેત્રમાં વિશેષ શૈક્ષણિક કાર્યક્રમો ચલાવવામાં આવે છે. ‘ઇન્ટેન્સિવ ટ્રેનિંગ પ્રોગ્રામ’ અંતર્ગત દાહોદ, ભિલોડા, ખેડબ્રહ્મા, માંડવી, વાંસદા, બીલીમોરા સહિતની આઇ.ટી.આઇના વિદ્યાર્થીઓને તાલીમ આપવામાં આવી છે.
આ પ્રસંગે IACEના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર શ્રી ઈ. રાજીવ, આદિજાત વિભાગના સહાયક નિયામક શ્રી એસ.એમ. કાકડ, પ્રોજેક્ટ હેડ શ્રી મહેન્દ્રભાઈ સહિત વિવધ ટ્રેનર અને તાલીમાર્થીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.
