ગુજરાતની નગરપાલિકાઓના સર્વાંગી વિકાસ માટે કુલ 2800 કરોડની રકમના ચેક વિતરણનો સમારોહ યોજાયો
સ્માર્ટ સિટીઝ અન્વયે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી શરૂ થયેલા સિટી ઈન્વેસ્ટમેન્ટ્સ ટુ ઈનોવેટ – ઇન્ટીગ્રેટ અને સસ્ટેઈન કાર્યક્રમમાં ગુજરાત દેશના અગ્રણી રાજ્યોમાં છે: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ
નાયબ મુખ્યમંત્રીશ્રી – શહેરી વિકાસ મંત્રીશ્રી – શહેરી વિકાસ રાજ્યમંત્રીશ્રીની ઉપસ્થિતિ
-:મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ:-
Ø વિઝનરી લિડરશીપ અને વિકાસ માટેના કમિટમેન્ટ સાથે નાણાંની કમી ના હોય તો કેટલી સ્પીડથી અર્બન ડેવલોપમેન્ટ કરી શકાય તેનું ઉદાહરણ શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ગુજરાતે દેશને બતાવ્યું.
Ø ક્લાયમેટ ચેન્જના પડકારો સામે રાજ્યના શહેરોએ ગ્રીન સ્પેસ–ગ્રીન ગ્રોથ–ગ્રીન મોબિલિટી તથા સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ અને સ્વચ્છ સર્વેક્ષણમાં લિડ લીધી છે.
Ø વિકાસના કામોમાં ગુણવત્તા અને સ્વચ્છતાને પ્રાયોરિટી આપીએ.
Ø ગુજરાતની સ્થાપનાના 75 વર્ષ 2035માં ઉજવાય ત્યાં સુધીમાં રાજ્યના શહેરોને દેશમાં ઉત્કૃષ્ઠ સુવિધાયુક્ત શહેરો બનાવવાની તક છે.
શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતમાંથી શરૂ કરેલા વિકાસપથ પર આજે આખો દેશ આગળ વધી રહ્યો છે: નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવી
દરેક વિકાસકાર્ય સમયસર અને ગુણવત્તાયુક્ત થાય તેને પ્રાથમિકતા બનાવીએ: શહેરી વિકાસ મંત્રી શ્રી કનુભાઈ દેસાઈ
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે સ્પષ્ટપણે જણાવ્યું છે કે, સ્માર્ટ સિટીઝ અન્વયે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી શરૂ થયેલા સિટી ઈન્વેસ્ટમેન્ટ્સ ટુ ઈનોવેટ, ઇન્ટીગ્રેટ અને સસ્ટેઈન કાર્યક્રમમાં ગુજરાત દેશના અગ્રણી રાજ્યોમાં છે.
આ સંદર્ભમાં તેમણે કહ્યું કે, ક્લાઈમેટ ચેન્જના પડકારોને પહોંચી વળવા આપણા નગરો-મહાનગરોએ ગ્રીન સ્પેસ, ગ્રીન ગ્રોથ અને ગ્રીન મોબિલિટી તથા સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ અને સ્વચ્છતા સર્વેક્ષણમાં લીડ લીધી છે. એટલું જ નહિ, સર્ક્યુલર ઇકોનોમીને વેગ આપવા ચાર ‘R’ રિડ્યુસ, રિયુઝ, રિસાયકલ અને રિકવર પર ફોકસ કર્યું છે.
તેમણે કહ્યું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ દેશમાં જ્યારે અર્બનાઈઝેશનને પડકાર ગણવામાં આવતો હતો ત્યારે ગુજરાતના મુખ્યમંત્રી તરીકે 2005માં શહેરી વિકાસ વર્ષની શરૂઆત કરાવી હતી. આપણી વિરાસતને અનુરૂપ અર્બન ડેવલોપમેન્ટ મોડલ વિકસાવવા માટેની મૂળભૂત માળખાકીય સુવિધા નિર્માણનો મજબૂત પાયો તેમણે નાખ્યો હતો.
મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે, જો વિઝનરી લિડરશીપ હોય અને વિકાસ માટેના કમિટમેન્ટ સાથે નાણાંની કોઈ કમી ના હોય તો કેટલી સ્પીડથી અર્બન ડેવલપમેન્ટ કરી શકાય તેનું શ્રેષ્ઠ ઉદાહરણ ગુજરાતે શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શનમાં આ શહેરી વિકાસ વર્ષથી પૂરું પાડ્યું છે.
શહેરી વિકાસ વર્ષ 2005ની બે દાયકાની એ સફળતાને પગલે મોર્ડન અર્બન ટ્રાન્સફોર્મેશનમાં મોટું પરિવર્તન આવ્યું છે. આ ટ્રાન્સફોર્મેશનને વધુ ગતિ આપવા રાજ્ય સરકારે સર્વ સ્પર્શી, સર્વ પોષક અને સર્વ સમાવેશી નગરોના વિકાસની નેમ પાર પાડવા 2025ના વર્ષને શહેરી વિકાસ વર્ષ તરીકે ઉજવ્યું છે એમ તેમણે કહ્યું હતું.
મુખ્યમંત્રીશ્રીએ શહેરી વિકાસ વર્ષ 2025ના ઉપલક્ષ્યમાં અમદાવાદમાં આયોજિત કાર્યક્રમમાં રાજ્યની મહાનગરપાલિકાઓ અને નગરપાલિકાઓને એક સાથે એક જ મંચ પરથી કુલ 2800 કરોડ રૂપિયાની રકમના ચેકો વિવિધ સર્વાંગી વિકાસ કામો માટે અર્પણ કર્યા હતા.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવી, શહેરી વિકાસ મંત્રી શ્રી કનુભાઈ દેસાઈ અને રાજ્યમંત્રી શ્રીમતી દર્શનાબેન વાઘેલાની ઉપસ્થિતિમાં આ ચેક અર્પણ અંતર્ગત રાજ્યની 8 મહાનગરપાલિકાઓને કુલ 2132 કરોડ રૂપિયા તથા નવી રચાયેલી 9 મહાનગરપાલિકાઓને પ્રત્યેકને રૂ. 40 કરોડ મુજબ કુલ 360 કરોડ રૂપિયાની રકમ માળખાકીય વિકાસ કામો માટે આપી હતી. આ ઉપરાંત રાજ્યની 152 નગરપાલિકાઓને કુલ 308 કરોડ રૂપિયા મળીને સમગ્રતયા 2800 કરોડ રૂપિયા વિકાસ કાર્યો માટે આપ્યા હતા.
મુખ્યમંત્રીશ્રીએ નગરપાલિકાઓને વિકાસ કામોના આયોજનમાં નાણાંની કોઈ તંગી ન રહે તેવું જે ફાયનાન્સિયલ મેનેજમેન્ટ સરકારે કર્યુ છે તેની ભૂમિકા આપતાં જણાવ્યું કે, વધુને વધુ નાણાં લોકોના વિકાસ કામો માટે કેમ વાપરી શકાય તેની ક્ષમતા હવે નગરપાલિકાઓએ હવે વધારવાની છે.
તેમણે વિકાસના કામોમાં ગુણવત્તાને અને સ્વચ્છતાને પ્રાયોરિટી આપવાનું પ્રેરક સૂચન કરતાં ઉમેર્યુ કે, સ્વચ્છતા એ સૌનો સહજ સ્વભાવ બની ગયો છે ત્યારે એ માટેના વધુ ઈનિસ્યેટિવ લેવાનું દાયિત્વ નગરપાલિકા-મહાનગરપાલિકાઓએ નિભાવવાનું છે.
આપણા ૬ શહેરોએ સ્વચ્છ સર્વેક્ષણમાં નોંધપાત્ર પ્રગતિથી રાષ્ટ્રીય સ્તરે સ્થાને મેળવ્યું છે તે લિગસી ને આગળ વધારવા સોલિડ વેસ્ટ મેનેજમેન્ટમાં બધા જ શહેરોને લિડ લેવાનો અને વોર્ડ દીઠ કચરાનું 100 ટકા સેગ્રીગેશન કરવાનો તથા નગરપાલિકાઓમાં વીજ બિલની બચત માટે ગ્રીન ક્લિન સોલાર એનર્જીનો ઉપયોગ વધારવાનો શ્રી ભૂપેન્દ્ર પટેલે અનુરોધ કર્યો હતો.
મુખ્યમંત્રીશ્રીએ 2047ના વિકસિત ભારત માટે વિકસિત ગુજરાતના નિર્માણનો રોડમેપ “અર્નિંગ વેલ અને લિવિંગ વેલ”ના સંકલ્પ સાથે તૈયાર કરવામાં આવ્યો છે તેમ જણાવતા કહ્યું કે, 2047ના વિકસિત ભારત પહેલાં 2035માં ગુજરાતની સ્થાપનાના 75 વર્ષ ઉજવાય ત્યાં સુધીમાં આપણા શહેરોને દેશમાં ઉતકૃષ્ઠ સુવિધાયુક્ત શહેરો બનાવવાની તક છે.
તેમણે સિટિઝન સેન્ટ્રીક ઈ-સર્વીસીસ અને મોબાઈલ ગવર્નન્સનો વ્યાપ વધારીને બધા જ શહેરોમાં ટેક્ષ કલેક્શન, વીજ બિલ સહિતના બિલોના પેમેન્ટ માટે યુ.પી.આઈ.ના ઉપયોગને વેગ મળે તે જોવાનો પણ અનુરોધ મહાનગરપાલિકાઓ-નગરપાલિકાઓને કર્યો હતો.
નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીએ આ પ્રસંગે શહેરી વિકાસ માટે એક જ સ્થળેથી રાજ્યભરની મહાનગરપાલિકાઓ અને નગરપાલિકાઓને ચેક અર્પણ કરવાના આ કાર્યક્રમ બદલ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલનો આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે ઉમેર્યું કે મુખ્યમંત્રીશ્રી પ્રજાની સમસ્યાઓ અને તકલીફોના સમાધાન માટે સતત પ્રયાસરત રહે છે.
તેમણે કહ્યું કે મહેસૂલ અને શહેરી વિકાસ ક્ષેત્રે સમસ્યાઓનાં ઉકેલ શોધવા મુખ્યમંત્રીશ્રીએ સતત પ્રયાસરત રહીને જન સુખાકારીના અનેકવિધ કાર્યો પૂર્ણ કરાવ્યા છે. એમના જ કાર્યકાળમાં આજે અનેક શહેરો એ દેશમાં સ્વચ્છતામાં આગળ આવીને મહત્ત્વપૂર્ણ સ્થાન મેળવ્યું છે.
નાયબ મુખ્યમંત્રીશ્રીએ ઉમેર્યું કે ત્રણ દાયકા પહેલાંની સરકારોના સમયમાં નાગરિકોએ માળખાગત સુવિધાઓના અભાવે સતત તકલીફોમાં જીવવું પડતું હતું. પરંતુ, શ્રી નરેન્દ્રભાઈ મોદીએ મુખ્યમંત્રી તરીકે શાસનધૂરા સંભાળ્યા બાદ ગુજરાતનાં શહેરો અને જિલ્લાઓ સતત વિકાસપથ પર તેજ ગતિથી આગળ વધ્યાં છે અને આજે સમગ્ર દેશ વિકાસની આ તેજ ગતિ જોઈ રહ્યો છે.
તેમણે ઉચ્ચકક્ષાની માળખાગત સુવિધાઓ સાથે નગરોના સતત વિકાસ વિશે વાત કરતાં કહ્યું કે રાજ્યની ૯ નગરપાલિકાઓ આજે મહાનગરપાલિકાઓ બની છે. ધોલેરા અને ગિફ્ટ સિટીનું ઉદાહરણ આપી, સ્માર્ટ સિટી ડેવલપમેન્ટના વિકાસ માટે રાજ્ય સરકારની પ્રતિબદ્ધતા તેમણે વ્યક્ત કરી હતી. સ્વચ્છતા સહિત અન્ય ક્ષેત્રોમાં અને નાગરિક સુવિધાઓ માટે ઉપસ્થિત સૌને ઉત્કૃષ્ટ પ્રદર્શન કરવા એકસાથે આગળ વધવા અનુરોધ કર્યો હતો.
શહેરી વિકાસમંત્રી શ્રી કનુભાઈ દેસાઈએ જણાવ્યું કે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ તેમના મુખ્યમંત્રી તરીકેના કાર્યકાળમાં ગુજરાતના વિકાસ માટે અનેકવિધ આયામો અને યોજનાઓ અમલી બનાવી હતી. જ્યોતિગ્રામ યોજના, શાળા પ્રવેશોત્સવ, વાઈબ્રન્ટ ગુજરાત સહિતની યોજનાઓ અને અભિયાનો ઉપરાંત આદિજાતિ વિકાસ માટે અલાયદું બજેટ તથા ૨૦૦૫માં મુખ્યમંત્રી સ્વર્ણિમ યોજનાનો પાયો શ્રી નરેન્દ્રભાઈએ નાખ્યો હતો.
એ જ દિશામાં આગળ વધતાં મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે શહેરી વિકાસ વિભાગનું બજેટ ૨૨,૦૦૦ કરોડથી વધારીને ૩૦,૦૦૦ કરોડ કર્યું છે. શહેરોમાં રોડ રસ્તા, સેનિટેશન, ડ્રેનેજ, સ્ટોર્મ વોટર સહિતના શહેરી વિકાસના પ્રકલ્પોના નિર્માણ માટે શહેરી વિકાસ વિભાગ સતત કામગીરી કરી રહ્યો છે તેમ જણાવી, તમામ મહાનગરપાલિકા અને નગરપાલિકાના હોદ્દેદારોને તેમણે દરેક વિકાસકામ સમયસર પૂર્ણ કરવા પર ભાર મૂક્યો હતો.
આ પ્રસંગે શહેરી વિકાસ રાજ્યમંત્રી શ્રીમતી દર્શનાબેન વાઘેલાએ સ્વાગત પ્રવચન કરતાં જણાવ્યું કે રાજ્યની મહાનગરપાલિકાઓ અને નગરપાલિકાઓ અંતર્ગત આવતા વિસ્તારોમાં માળખાકીય સુવિધાઓના વિકાસ માટે રાજ્ય સરકાર હંમેશાં કટિબદ્ધ છે.
તેમણે કહ્યું કે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ રાજ્યના તત્કાલીન મુખ્યમંત્રી તરીકે રાજ્યની મહાનગરપાલિકાઓ અને નગરપાલિકાઓના સર્વાંગી વિકાસ માટે સતત દરકાર લીધી હતી. એ જ દિશામાં આગળ વધતા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકારે પણ શહેરી વિકાસ વિભાગના બજેટમાં ઉત્તરોત્તર વધારો કરીને લોકોની સુખાકારી વધારવા માટે અનેકવિધ પ્રકલ્પોના વિકાસ માટે પ્રતિબદ્ધતા દર્શાવી છે. આ અવસરે રાજ્યના વિવિધ શહેરી વિસ્તારોના સર્વાંગી વિકાસની ઝાંખી કરાવતી ફિલ્મનું નિદર્શન પણ કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં વિધાનસભાના નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણા, અમદાવાદનાં મેયર શ્રી પ્રતિભાબેન જૈન, સ્થાનિક ધારાસભ્યશ્રીઓ, શહેરીવિકાસ અગ્રસચિવ એમ. થેન્નારસન, કમિશનર ઑફ મ્યુનિસિપાલિટીઝ શ્રીમતી રેમ્યા મોહન, મ્યુનિસિપલ ફાઇનાન્સ બોર્ડનાં અધિક કમિશનર શ્રીમતી વીણા પટેલ તેમજ રાજ્યભરની મહાનગરપાલિકાઓ અને નગરપાલિકાઓના અધિકારીઓ-પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
