ઓસ્ટ્રેલિયામાં બોન્ડી બીચનો આતંકી કોમામાંથી બહાર આવતા ધરપકડ
સિડની, ઓસ્ટ્રેલિયામાં બોન્ડી બીચના આતંકવાદી હુમલાનો આરોપી આઇએસ સમર્થક નાવીદ અક્રમ કોમામાંથી બહાર આવતા પોલીસે તરત જ તેની ધરપકડ કરી છે. પોલીસ ગોળીબારમાં તેના પિતા સાજિદ માર્યા ગયા હતા. તપાસકર્તાઓનું કહેવું છે કે કાયદાકીય પ્રક્રિયા આગળ વધારતા પહેલા નાવીદ તે સમજી શકે તે સુનિશ્ચિત કરવા માંગતા હતા. નવીદ અક્રમે પિતા સાજીદ સાથે મળીને રવિવારે સિડનીના બોન્ડી બીચ પર હુમલો કર્યાે હતો.
તેમા ૧૫ ના મોત થયા હતા અને ૪૦ લોકો ઇજા પામ્યા હતા. ઓસ્ટ્રેલિયામાં છેલ્લા ત્રણ દાયકામાં થયેલો આ સૌથી મોટો હુમલો હતો. પોલીસે જણાવ્યું હતું કે ઘટનાસ્થળેથી અક્રમની કાર જપ્ત કરવામાં આવી હતી.
કારમાં પણ ઇમ્પ્રોવાઇઝ્ડ વિસ્ફોટક ડિવાઇસ હતા. હુમલાખોર નવીદ પર ૧૫ મર્ડર, ૪૦ની હત્યા, વિસ્ફોટકો રાખવા સહિત કુલ ૫૯ આરોપ લાગ્યા છે. ન્યુ સાઉથ વેલ્સના પોલીસ કમિશ્નર મૈલ લેન્યને જણાવ્યું હતું કે નાવીદ અક્રમ જ્યારે હોશમાં આવ્યો ત્યારે ડોક્ટરોએ જણાવ્યું હતું કે તે હોશમાં છે અને કાયદાકીય પ્રક્રિયા સમજવા માટે ફિટ છે.
તેના પછી ઓસ્ટ્રેલિયન પોલીસે તેની ધરપકડ કરી. આ હુમલાના લીધે ઓસ્ટ્રેલિયામાં યહૂદીઓની સુરક્ષાને લઈને મોટી ચિંતા છવાઈ ગઈ છે. આ હુમલા બદલ ઓસ્ટ્રેલિયન સરકાર સામાજિક અને રાજકીય સ્તરે આકરી ટીકાઓનો સામનો કરી રહી છે. રવિવારની ઘટનાએ બતાવ્યું છે કે યહૂદી પ્રજા ઇસ્લામિક આતંકીઓ માટે સોફ્ટ ટાર્ગેટ છે. ઓસ્ટ્રેલિયન પોલીસ માટે હવે યહૂદીઓને સુરક્ષા પૂરી પાડવી મોટો પડકાર છે.
હુમલામાં ૧૦ વર્ષીય યહૂદીથી લઈને ૮૭ વર્ષીય યહૂદી માર્યા ગયા હતા. સત્તાવાળાઓનું માનવું છે કે આ હુમલો આતંકવાદી હુમલો હતો. તે ઇસ્લામિક સ્ટેટ પરથી પ્રેરિત હતો, એમ ઓસ્ટ્રેલિયન ફેડરલ પોલીસ કમિશ્નર ક્રિસી બેરેટે જણાવ્યું હતું.
સત્તાવાળાઓએ જણાવ્યું હતું કે નાવીદ ૨૦૧૯થી સિક્યોરિટીના રાડાર પર હતો, પરંતુ તેની અગાઉની તપાસમાં ખાસ માહિતી મળી ન હતી. ઇસ્લામિક સ્ટેટ ગુÙપ પ્રેરિત આતંકી હુમલામાં ૧૫ યહૂદીઓના મોત થયા પછી ઓસ્ટ્રેલિયામાં યહૂદીઓની સુરક્ષા ચિંતાનો વિષય બની છે. ઓસ્ટ્રેલિયામાં વસતા કુલ યહૂદીમાં ૮૫ ટકા સિડની અને મેલબોર્નમાં રહે છે.
ઓસ્ટ્રેલિયામા છેલ્લા કેટલાક વર્ષમાં યહૂદી વિરોધી હિંસામાં વધારો જોવા મળ્યો છે. રવિવારના હુમલામાં બચી ગયેલા યહૂદીઓ અને યહૂદી આગેવાનોએ યહૂદીઓની સુરક્ષામાં નિષ્ફળ જવા બદલ ઓસ્ટ્રેલિયન સરકારની આકરી ઝાટકણી કાઢી હતી. તેમણે દાવો કર્યાે હતો કે તેમની વારંવારની ચેતવણીઓને સરકારે ધ્યાન પર લીધી ન હતી. ઓસ્ટ્રેલિયન વડાપ્રધાન એન્થની આલ્બાનીઝે પ્રતિબદ્ધતા વ્યક્ત કરી છે કે તેમની સરકાર યહૂદી વિરોધી હિંસાને રોકવા માટે જે બધુ કરી છૂટવાની જરૂર હશે તે કરશે. આલ્બાનીઝ અને ઓસ્ટ્રેલિયાના બીજા રાજ્યોના નેતાઓએ પણ વધારે આકરા ગન કંટ્રોલ એક્ટ લાવવાની જાહેરાત કરી હતી.
ઓસ્ટ્રેલિયામાં ૧૯૯૬માં તાસ્માનિયા ખાતે પોર્ટ આર્થરમાં થયેલી હિંસામાં ૩૫ના મોત થયા પછી ત્યાં ગન કંટ્રોલના કાયદા છે, હવે આ કાયદાને છે તેના કરતાં પણ વધુ આકરા બનાવાશે, કારણ કે આતંકવાદી પાસે લાઇસન્સવાળી બંદૂક હતી. ઓસ્ટ્રેલિયામાં સામૂહિક ગોળીબારની ઘટના જવલ્લે જ બને છે. આના પગલે આગામી દિવસોમાં ઓસ્ટ્રેલિયન સરકાર ગન કંટ્રોલને લઈને વધુ આકરું વલણ અપનાવતી જોવા મળી શકે છે.SS1MS
