NPSના નિયમોમાં ફેરફાર, હવે ૮૦% ભંડોળ ઉપાડી શકાશે
નવી દિલ્હી, પેન્શન નિયમનકારી સંસ્થા પીએફઆરડીએએ નિયમોમાં સુધારો કરીને નેશનલ પેન્શન સિસ્ટમના બિન-સરકારી સબ્સ્ક્રાઇબર્સને એક્ઝિટ સમયે અથવા પેન્શન એકાઉન્ટ બંધ કરતી વખતે કુલ જમા ભંડોળના ૮૦ ટકા સુધીની રકમ ઉપાડવાની મંજૂરી આપી છે.
અગાઉ ઉપાડની આ મર્યાદા ૬૦ ટકા હતી. ઉપાડની આ મર્યાદામાં વધારો કરવાથી નેશનલ પેન્શન સિસ્ટમ સબ્સ્ક્રાઇબર્સને તેમની જરૂરિયાતો અનુસાર જમા ભંડોળનો ઉપયોગ કરવા માટે વધુ સ્વતંત્રતા મળશે.અગાઉ પેન્શન એકાઉન્ટ બંધ કરવાના સમયે મહત્તમ ૬૦ ટકા રકમ જ ઉપાડી શકાતી હતી. બાકીની ૪૦ ટકા રકમમાંથી માસિક પેન્શન મળતું હતું. હવે ૮૦ ટકા ઉપાડ કરી શકશે અને ૨૦ ટકા રકમમાંથી પેન્શન મળશે.
૧૨ ડિસેમ્બર ૨૦૨૫ના રોજ નિયમોમાં કરેલા સુધારા મુજબ હવે નેશનલ પેન્શન સિસ્ટમ ખાતાઓને ગીરવે મુકીને પીએફઆરડીએ દ્વારા નિર્ધારિત મર્યાદામાં બેન્કો કે નાણા સંસ્થાઓ પાસેથી લોન પણ લઈ શકાશે.આંશિક ઉપાડની સંખ્યા પણ અગાઉની ત્રણથી વધારીને ચાર કરી છે.
જોકે દરેક ઉપાડ વચ્ચે ચાર વર્ષનો સમયગાળો રહેવો જોઇએ. ૬૦ વર્ષની નિવૃત્તિ વય પછી ઓછામાં ઓછા ત્રણ વર્ષના સમયગાળા સાથે ત્રણ વખત આંશિક ઉપાડની મંજૂરી પણ અપાઈ છે.સરકારી કર્મચારીઓના કિસ્સામાં એક્ઝિટની ઉંમર ૭૫થી વધારીને ૮૫ વર્ષ કરાઈ છે.
સબ્સ્ક્રાઇબર્સ ૮૫ વર્ષના થાય ત્યાં સુધી અથવા એક્ઝિટ થવાના વિકલ્પનો ઉપયોગ ન કરે ત્યાં સુધી નેશનલ પેન્શન સિસ્ટમમાં રોકાણ ચાલુ રાખી શકે છે. સરકારી કર્મચારીઓ પણ એક્ઝિટ સમયે ૬૦ ટકા રકમ ઉપાડી શકશે.SS1MS
