ટ્રેનમાં પણ વધારાના સામાન માટે પ્લેનની જેમ એક્સ્ટ્રા ચાર્જ વસૂલાશે
નવી દિલ્હી, વિમાનની જેમ રેલવેમાં પણ હવે નિર્ધારિત મર્યાદાથી વધુ સામાન લઈ જશો તો વધારાનો ખર્ચ કરવો પડશે. આ ઉપરાંત નિર્ધારિત માપ અને મહત્તમ મર્યાદાના સમાનને જ મુસાફરો વ્યક્તિગત સામાન તરીકે પેસેન્જર ડબ્બામાં પોતાની સાથે રાખી શકશે.
વધુ સામાન માટે લગેજ રેટના ૧.૫ ગણો ચાર્જ ચુકવવો પડશે. જો સુટકેસ અને બોક્સનું બાહ્ય માપ વધુ હશે તો તેનું પાર્સલ વાનમાં બુકિંગ કરાવવું પડશે. રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે બુધવારે લોકસભામાં આ નવા નિયમોની માહિતી આપી હતી.
વિમાન મુસાફરોની જેમ રેલવે મુસાફરો માટે લગેજના નિયમોનો રેલવે અમલ કરવા માગે છે કે નહીં તેવા એક સાંસદના પ્રશ્નના જવાબમાં રેલવે મંત્રીએ લેખિત જવાબમાં જણાવ્યું હતું કે હાલમાં મુસાફર દ્વારા ડબ્બામાં સાથે સામાન લઈ જવા માટે વર્ગવાર મહત્તમ મર્યાદા નિર્ધારિત કરાઈ છે. સેકન્ડ ક્લાસમાં ૩૫ કિલોગ્રામ સામાન મફતમાં લઈ જવાની છૂટ અને ચાર્જ ચુકવીને મહત્તમ ૭૦ કિગ્રા લઈ જઈ શકાય છે.
સ્લીપર ક્લાસ માટે મફત સમાન ૪૦ કિલો છે અને મહત્તમ સ્વીકાર્ય મર્યાદા ૮૦ કિલો છે. એસી-૩ ટાયર અથવા ચેર કાર માટે મફત સામાનની મર્યાદા ૪૦ કિગ્રા છે. મંત્રીએ આપેલી માહિતી મુજબ ફર્સ્ટ ક્લાસ અને એસી ૨ ટાયરના મુસાફરોને ૫૦ કિલો સામાન મફતમાં અને મહત્તમ મર્યાદા ૧૦૦ કિલોની છે.
એસી ફર્સ્ટ ક્લાસના મુસાફરો ૭૦ કિલો મફતમાં અને ચાર્જેબલ ધોરણે ૧૫૦ કિલો સુધી લઈ જઈ શકે છે. આ ઉપરાંત ૧૦૦ સેમીટ૬૦ સેમીટ૨૫ સેમી ના બાહ્ય માપવાળા ટ્રંક, સુટકેસ અને બોક્સને મુસાફરોના ડબ્બામાં વ્યક્તિગત સામાન તરીકે લઈ જવાની મંજૂરી છે. આનાથી મોટા માપના આર્ટિકલને બ્રેકવાન /પાર્સલ વાનમાં બુક કરાવવાના રહેશે.SS1MS
