લૂંટેરી દુલ્હન ચાંદનીએ દહેગામના યુવકના ૮.૩૫ લાખ રૂપિયા પડાવ્યા
ગાંધીનગર, ઉત્તર ગુજરાતના યુવાનો સાથે લગ્ન કરીને લાખો રૂપિયાની છેતરપિંડી આચરનાર લૂંટેરી દુલ્હન ચાંદનીએ દહેગામમાં પણ એક યુવાનને શિકાર બનાવ્યો હોવાનું બહાર આવ્યું છે. જે સંદર્ભે હાલ પોલીસે ૮.૩૫ લાખની છેતરપિંડીનો ગુનો દાખલ કરીને આ ટોળકીને ટ્રાન્સફર વોરંટથી મેળવવા માટે મથામણ કરી છે.પોલીસ સૂત્રોમાંથી મળતી વિગતો પ્રમાણે દહેગામ શહેરના અમીનવાડા વિસ્તારમાં રહેતા લગ્નવાચ્છું યુવકે લગ્ન માટે ઓનલાઇન બાયોડેટા મૂક્યો હતો.
જેના આધારે જ્યોતિ ઉર્ફે જાગૃતિ અને રાજેશભાઈ જીવરામભાઈ તન્ના નામના મધ્યસ્થીઓએ તેમનો સંપર્ક કરી ચાંદની નામની યુવતી સાથે યુવકની મુલાકાત કરાવી હતી અને છોકરીવાળા લગ્ન કરવા ૩ લાખ રૂપિયા માંગે છે તેમ જણાવતા તે વાતને યુવકના પરિવારે સ્વીકારી ગત ૩ ઓક્ટોબરના રોજ અમદાવાદના નવા વાડજ ખાતે લગ્ન કર્યા હતા. લગ્ન સમયે નક્કી કર્યા મુજબ યુવકના પિતાએ ૩ લાખ રૂપિયા કન્યા પક્ષને રોકડા ચૂકવ્યા હતા.
લગ્નના માત્ર સાત દિવસ બાદ નવવધૂ ચાંદનીએ તેના પિતા બીમાર હોવાનું નાટક શરૂ કર્યું હતું અને પિયર જવાની વાત કરતા યુવક અને તેના પરિવારજનોએ મોકલી આપી હતી ત્યારબાદ પિતાની સારવારના બહાને તેણે યુવક પાસેથી વધારાના રૂપિયા ૧,૩૫ લાખ લીધા હતા. તે પિયર જવા નીકળી ત્યારે લગ્ન વખતે સાસરી પક્ષ તરફથી ચઢાવવામાં આવેલા ૪ તોલા સોનાના દાગીના પહેરીને નીકળી હતી.પિયર ગયાના બે દિવસમાં ચાંદનીનો ફોન સ્વીચ ઓફ થઈ ગયો હતો.
તેણે યુવકને ફોન કરી જણાવ્યું હતું કે મારા પિતાજીનું અવસાન થયું છે ત્યારબાદ ફરીથી તેણે ફોન સ્વીચ ઓફ કરી દીધો હતો ચાંદનીનો ફોન સ્વીચ ઓફ આવતા યુવક અને તેના પરિવારજનોને શંકા ગઈ હતી. દરમિયાન આ લૂંટેરી દુલ્હન ચાંદનીને બેચરાજી પોલીસે પકડી લીધાને જાણ થતા દહેગામ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.SS1MS
