AMTS–BRTS માટે સિંગલ મોબિલિટી સિસ્ટમને મંજૂરી: રૂ. 470 કરોડના ખર્ચે ટિકિટિંગ સિસ્ટમ અમલમાં આવશે
પ્રતિકાત્મક
AMCને કોમર્શિયલ અને રેસિડેન્શિયલ પ્લોટના ઓક્શનથી રૂ. 441 કરોડની આવક
અમદાવાદ. (પ્રતિનિધિ) અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની નિયમિત રીતે યોજાતી સ્ટેન્ડિંગ કમિટી બેઠક બાદ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને શહેરના પરિવહન ક્ષેત્ર તેમજ મહાનગરપાલિકાની આવક સંબંધિત મહત્વપૂર્ણ નિર્ણયો અંગે વિસ્તૃત માહિતી આપી હતી. આ બેઠકમાં લેવાયેલા નિર્ણયો થકી આધુનિક,સરળ અને ટેકનોલોજી આધારિત સુવિધાઓથી શહેરીજનોને લાભ મળશે.
ચેરમેન દેવાંગ દાણીએ જણાવ્યું હતું કે, અમદાવાદ મહાનગરમાં રોજે-રોજ 6 લાખથી વધુ નાગરિકો AMTS અને BRTS જેવી જાહેર પરિવહન સેવાઓનો ઉપયોગ કરે છે. ઉત્તરથી પૂર્વ, પશ્ચિમ અને દક્ષિણ તરફ દૈનિક અવર-જવર માટે આ સેવાઓ શહેરની લાઈફલાઈન સમાન બની ગઈ છે. નાગરિકોનો સમય બચે અને સુવ્યવસ્થિત મુસાફરી કરી શકાય, તે માટે AMC દ્વારા AMTS અને BRTS માટે “સિંગલ મોબિલિટી સિસ્ટમ” એટલે કે એક જ ટિકિટ દ્વારા બંને સેવાઓમાં મુસાફરી કરી શકાય તેવી સિમલેસ ટિકિટિંગ વ્યવસ્થાનું ટેન્ડર સ્ટેન્ડિંગ કમિટીમાં મંજૂર કરવામાં આવ્યું છે.
આ નિર્ણય બાદ કોઈપણ મુસાફર એક જ ટિકિટ અથવા એક જ કાર્ડ દ્વારા AMTS તેમજ BRTS બંનેમાં મુસાફરી કરી શકશે. ટિકિટ કાઉન્ટર પર લાઈનમાં ઊભા રહેવાની જરૂર નહીં રહે અને સ્કેનિંગ પદ્ધતિથી તરત જ બસ સેવા ઉપલબ્ધ થશે. ડિજિટલ ઈન્ડિયા અને ટેકનોલોજી આધારિત વ્યવસ્થાને અનુરૂપ આ પ્રોજેક્ટ અમદાવાદને વૈશ્વિક શહેર તરીકે વિકસાવવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું છે તેમ ચેરમેનશ્રીએ જણાવ્યું હતું.
આ સમગ્ર પ્રોજેક્ટનો કુલ ખર્ચ રૂ.470 કરોડ નક્કી કરવામાં આવ્યો છે. પ્રોજેક્ટનું સંપૂર્ણ એક્ઝિક્યુશન 12 મહિનામાં પૂર્ણ કરવામાં આવશે અને ત્યારબાદ ઓપરેશન એન્ડ મેન્ટેનેન્સ (O&M)નો સમયગાળો પણ તેમાં સામેલ રહેશે. ટેકનોલોજી સતત અપડેટ થતી હોવાથી આગામી પાંચ વર્ષ બાદ હાર્ડવેર અને સોફ્ટવેરમાં થનારા તમામ અપગ્રેડ અને રિપ્લેસમેન્ટ એજન્સી દ્વારા વિનામૂલ્યે કરવામાં આવશે. જેથી સિસ્ટમ હંમેશા આધુનિક અને અપડેટેડ રહી શકે.
આ સિંગલ મોબિલિટી સિસ્ટમ અંતર્ગત યુનિફાઈડ જર્ની પ્લાનર પણ વિકસાવવામાં આવશે, જેમાં મુસાફરો પોતાના પ્રારંભિક સ્થળથી અંતિમ લોકેશન સુધી AMTS, BRTS સહિત કઈ સેવા ક્યારે અને ક્યાં મળશે તેની સંપૂર્ણ માહિતી મેળવી શકશે. આગળના તબક્કામાં GSRTC, મેટ્રો, ઇન્ડિયન રેલવેઝ તેમજ ભવિષ્યમાં હાઈ સ્પીડ રેલ જેવી સેવાઓને પણ એક જ ટિકિટિંગ સિસ્ટમમાં જોડવાની યોજના છે.લાસ્ટ માઈલ કનેક્ટિવિટી માટે ઓટો અને કેબ જેવી સેવાઓને પણ આ પ્લેટફોર્મ સાથે સંકલિત કરવામાં આવશે.
આ સિસ્ટમમાં એક મોબાઇલ એપ્લિકેશન પણ હશે, જેમાં યુનિક QR કોડ જનરેટ થશે. મુસાફરો પોતાની સુવિધા મુજબ રકમ લોડ કરી શકશે અને જેટલી મુસાફરી કરશે તે મુજબ આપોઆપ રકમ કપાશે. સાથે સાથે WhatsApp ચેટબોટની સુવિધા પણ ઉપલબ્ધ રહેશે, જેમાં મુસાફરો સ્ટાર્ટિંગ ડેસ્ટિનેશન નાખીને WhatsApp મારફતે પણ QR કોડ આધારિત ટિકિટ મેળવી શકશે.આ રીતે અમદાવાદમાં અત્યાધુનિક અને ટેકનોલોજીથી સજ્જ પરિવહન વ્યવસ્થા અમલમાં મુકવામાં આવશે.
આ ઉપરાંત ચેરમેન દેવાંગ દાણીએ મહાનગરપાલિકાની આવક અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે ટાઉન પ્લાનિંગ સ્કીમ ફાઇનલ થયા બાદ કેટલાક પ્લોટ સેલ ફોર કોમર્શિયલ અને કેટલાક સેલ ફોર રેસિડેન્શિયલ તરીકે નક્કી કરવામાં આવે છે. મહાનગરપાલિકા દ્વારા સમયાંતરે આવા પ્લોટનું ઓક્શન કરવામાં આવે છે અને તેમાંથી મળતી આવક શહેરના વિકાસકાર્યો માટે વપરાય છે.
શીલજ-સોલા અને વસ્ત્રાલ વિસ્તારમાં આવેલા ચાર કોમર્શિયલ પ્લોટના AMCએ ઓક્શન કર્યા અને રૂ.441 કરોડની આવક પ્રાપ્ત થઈ છે. આ આવક શહેરના રોડ, રસ્તા, પાણી પુરવઠો, ગાર્ડન, તળાવો તેમજ અન્ય નાગરિક સુવિધાઓના વિકાસ માટે વપરાશે, જેના કારણે અમદાવાદના નગરજનોની સુવિધાઓમાં નોંધપાત્ર વધારો થશે એમ તેમણે વધુમાં ઉમેર્યુ હતું.
