તમિલનાડુની હેરિટેજ ન્યુટ્રિશન બ્રાન્ડ ‘ઉધયમ’ રિલાયન્સ કન્ઝ્યુમર પ્રોડક્ટ્સે હસ્તગત કરી
image description
બેંગલુરુ, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડની એફએમસીજી પેટાકંપની રિલાયન્સ કન્ઝ્યુમર પ્રોડક્ટ્સ લિમિટેડે (આરસીપીએલ) ‘ઉધયમ એગ્રો ફૂડ્સ પ્રાઇવેટ લિમિટેડ’માં બહુમતી હિસ્સો હાંસલ કર્યો છે. એક સંયુક્ત સાહસ કરાર હેઠળ આરસીપીએલ બહુમતી હિસ્સો ધરાવે છે, જ્યારે ઉધયમના અગાઉના માલિકો પાસે કંપનીમાં લઘુમતી હિસ્સો છે.
આ સોદો આ ફૂડ કંપની અને તમિલનાડુની હેરિટેજ ન્યુટ્રિશન બ્રાન્ડ ‘ઉધયમ’ને આરસીપીએલ હેઠળ લાવે છે, તેનાથી આ એફએમસીજી ક્ષેત્રની અગ્રણી કંપનીનો મુખ્ય ખાદ્ય ઉત્પાદનોનો પોર્ટફોલિયો વધુ મજબૂત બનશે.
આ સંપાદન થકી આરસીપીએલ ભારતની વિરાસત અને વારસા સમાન બ્રાન્ડ્સને પ્રોત્સાહન આપવાના કંપનીના મુખ્ય સિદ્ધાંત પ્રત્યેની તેની પ્રતિબદ્ધતાને વધુ મજબૂત બનાવે છે. આ સંયુક્ત સાહસ દેશભરના લાખો ગ્રાહકોને “પોષાય તેવી કિંમતે વૈશ્વિક ગુણવત્તા” પૂરી પાડવાના આરસીપીએલના પ્રયત્નોને વેગ આપશે.
રિલાયન્સ કન્ઝ્યુમર પ્રોડક્ટ્સ લિમિટેડના ડાયરેક્ટર ટી. કૃષ્ણકુમારે જણાવ્યું હતું કે, “ઉધયમ એક એવી બ્રાન્ડ છે જેને કોઈ પરિચયની જરૂર નથી. તે દાયકાઓથી ગ્રાહકોને સ્વસ્થ આહારના વિકલ્પો આપી રહી છે અને તે તમિલનાડુના વૈજ્ઞાનિક અભિગમ તથા શ્રેષ્ઠ ગુણવત્તાથી સમૃદ્ધ એવા ભવ્ય વારસાનું સાચું પ્રતિબિંબ છે.”
“અમે આ સંયુક્ત સાહસની જાહેરાત કરતા ખૂબ જ ઉત્સાહિત છીએ, કારણ કે તે બ્રાન્ડેડ સ્ટેપલ્સના ક્ષેત્રમાં આરસીપીએલની હાજરીને વધુ મજબૂત બનાવે છે. આ પહેલ ભારતની વિરાસતને પ્રોત્સાહન આપવાની સાથે સાથે ગ્રાહકોને પોષાય તેવી કિંમતે વૈશ્વિક ગુણવત્તાવાળી પ્રોડક્ટ્સ ઓફર કરવાની અમારી પ્રતિબદ્ધતાને પણ પુનઃ મજબૂત બનાવે છે. મને ખાતરી છે કે ઉધયમ ટૂંક સમયમાં એક રાષ્ટ્રીય બ્રાન્ડ તરીકે ઉભરશે અને જે રીતે તેણે દાયકાઓથી તમિલનાડુમાં લાખો લોકોનો વિશ્વાસ જીત્યો છે એ રીતે સમગ્ર ભારતના ગ્રાહકોને સંતોષ આપશે.”
આ ઘટનાક્રમ પર ટિપ્પણી કરતા ઉધયમ એગ્રો ફૂડ્સ પ્રાઇવેટ લિમિટેડના મેનેજિંગ ડાયરેક્ટર એસ. સુધાકરે જણાવ્યું હતું કે, “આરસીપીએલ સાથેની આ ભાગીદારી ઉધયમ માટે નવી તકો ખોલે છે. આ બ્રાન્ડ દાયકાઓથી તમિલનાડુના ગ્રાહકોને આનંદ આપી રહી છે. જ્યારે બ્રાન્ડેડ કઠોળની વાત આવે છે ત્યારે સમગ્ર રાજ્યના પરિવારો માટે ઉધયમ એ શ્રેષ્ઠ ગુણવત્તાનો પર્યાય છે.”
“આરસીપીએલ હવે તેના વિસ્તરણની જવાબદારી સંભાળી રહી છે ત્યારે અમને વિશ્વાસ છે કે તમિલનાડુની આ ઉત્તમતા અને આ ભૂમિનો સમૃદ્ધ વારસો વિવિધ ભૌગોલિક ક્ષેત્રોના ગ્રાહકોમાં ગુંજશે. આ સાથે જ આપણે જ્યારે વધુ ને વધુ તંદુરસ્ત જીવનશૈલી તરફ આગળ વધી રહ્યા છીએ ત્યારે આ બ્રાન્ડ તેમના જીવનમાં મૂલ્ય ઉમેરશે.”
તેની અત્યંત લોકપ્રિય ફ્લેગશિપ બ્રાન્ડ ‘ઉધયમ’ હેઠળ કાર્યરત એવી ઉધયમ એગ્રો ફૂડ્સ પ્રાઇવેટ લિમિટેડ ત્રણ દાયકાથી વધુનો સમૃદ્ધ વારસો અને તમિલનાડુમાં મજબૂત બજાર હાજરી ધરાવે છે. આ બ્રાન્ડ વિશાળ વિતરણ નેટવર્કના સમર્થનથી ચોખા, મસાલા, સ્નેક્સ અને ઇડલીનું ખીરું સહિતની મુખ્ય આહાર અને ખાદ્ય ઉત્પાદન શ્રેણીઓમાં સ્થાપિત થયેલી છે.
આ હસ્તાંતરણ બાદ ઉધયમ એગ્રો ફૂડ્સ પ્રાઇવેટ લિમિટેડના અગાઉના પ્રમોટર્સ — એસ. સુધાકર અને એસ. દિનકર — કંપનીમાં લઘુમતી હિસ્સો જાળવી રાખશે. મુખ્ય ખાદ્ય પદાર્થોની શ્રેણીમાં અને ઉધયમ ખાતે પેકેજ્ડ કઠોળના વ્યવસાયને વિસ્તૃત કરવામાં 30 વર્ષથી વધુનો અનુભવ ધરાવતા આ પ્રમોટર્સ કંપની સાથે જોડાયેલા રહેશે અને વિકાસના આગામી તબક્કામાં સહયોગ આપશે.
