Western Times News

Gujarati News

ટ્રમ્પે વધુ વીસ દેશોના નાગરિકોના પ્રવેશ પર પ્રતિબંધ લગાવ્યો -અગાઉ ૧૯ દેશોના નાગરિકો પર પ્રવેશબંધી હતી

ઉપરાંત અફઘાનિસ્તાન, મ્યાન્માર, ચાડ, કોંગો, સુદાન અને યમન સહિત અગાઉથી નિર્ધારીત બાર ઉચ્ચ જોખમ ધરાવતા દેશો પર પણ પૂર્ણ પ્રતિબંધ જારી રહેશે.

(એજન્સી)વોશિંગ્ટન, ટ્રમ્પ પ્રશાસને અમેરિકાની રાષ્ટ્રીય સુરક્ષા અને જાહેર સલામતિના નામે પ્રવાસ પ્રતિબંધોનો વ્યાપ વધારીને વીસ નવા દેશો તેમજ પેલેસ્ટાઈન ઓથોરિટી સાથે સંકળાયેલ દસ્તાવેજ ધારકો પર કડક નિયંત્રણો લગાવ્યા છે.

પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે એક નવું ઘોષણાપત્ર જારી કરીને જણાવ્યું છે કે જે દેશોમાં સુરક્ષા, ઓળખ અને સૂચનાઓના આદાન-પ્રદાનની વ્યવસ્થા સતત નબળી અને અપર્યાપ્ત હોય તેના નાગરિકોને અમેરિકામાં પ્રવેશ પર નિયંત્રણ લગાવવા જરૂરી છે. આવા દેશોમાં પ્રવર્તમાન આતંકવાદી પ્રવૃત્તિને કારણે અમેરિકાના નાગરિકો સામે જોખમ સર્જાતું હોવાનું જણાવાયું છે.

ઘોષણાપત્રમાં જણાવાયું છે કે એવા વિદેશી નાગરિકો જેની અમેરિકા પાસે પૂરતી જાણકારી ન હોય અને તેમના તરફથી થતા જોખમનું આંકલન શક્ય ન હોય, તેમજ જે સરકારો સહયોગ ન કરતી હોય તેમની સામે અમેરિકી ઈમિગ્રેશન કાનૂની લાગુ કરવા મુશ્કેલ થઈ જાય છે.

આ તર્કના આધારે અંગોલા, એન્ટીગા અને બારબુડા, બેનિન, કોટ ડી’ આઈવોર, ડોમિનિકા, ગૈબોન, મલાબી,માર્ટિટાનિયા, નાઈજિરીયા, સેનેગલ, ટાન્ઝાનિયા, ટોંગા, ઝામ્બિયા અને ઝિમ્બાબવે સહિત પંદર દેશો પર આંશિક પ્રતિબંધ લગાવવામાં આવ્યા છે. ઉપરાંત બુર્કિના ફાસો, માલી, નાઈજર, દક્ષિણ સુદાન અને સીરિયાના નાગરિકો પર પૂર્ણ પ્રતિબંધ લાગુ કરાયા છે.

પેલેસ્ટાઈન ઓથોરિટી દ્વારા જારી દસ્તાવેજો પર પણ પૂર્ણ પ્રતિબંધ લગાવતા દલીલ કરાઈ છે કે વેસ્ટ બેન્ક અને ગાઝા પટ્ટીમાં સક્રિય અનેક અમેરિકી સૂચીબદ્ધ આતંકવાદી સંગઠનોએ અમેરિકી નાગરિકોની હત્યા કરી છે, અને તાજેતરના યુદ્ધને કારણે ત્યાં સ્ક્રીનિંગ તેમજ ચકાસણી વધુ નબળી પડી છે.

ટ્રમ્પ પ્રશાસનના જણાવ્યા મુજબ આ વિસ્તારો પર પેલેસ્ટાઈન ઓથોરિટીનું નિયંત્રણ નબળું અને નગણ્ય હોવાથી એના જારી કરેલા દસ્તાવેજો પર પ્રવાસ કરનારાની પૂરતી ચકાસણી સંભવ નથી.

લાઓસ અને સિએરા લિયોન પર અગાઉ આંશિક પ્રતિબંધ હતા, જેને હવે પૂર્ણ પ્રતિબંધમાં પરિવર્તિત કરાયા છે, જ્યારે બુરુન્ડી, ક્યુબા, ટોગો અને વેનેઝુએલા માટે આંશિક પ્રતિબંધો જારી રખાયા છે. ઉપરાંત અફઘાનિસ્તાન, મ્યાન્માર, ચાડ, કોંગો, સુદાન અને યમન સહિત અગાઉથી નિર્ધારીત બાર ઉચ્ચ જોખમ ધરાવતા દેશો પર પણ પૂર્ણ પ્રતિબંધ જારી રહેશે.

જો કે કાયદેસરના સ્થાયી નિવાસી (ગ્રીન કાર્ડ ધારક), મોજૂદ વિઝા ધારક, રાજનૈતિક, ખેલાડી જેવી કેટલીક વિશેષ વિઝા શ્રેણીઓ તેમજ અમેરિકાના રાષ્ટ્રીય હિતમાં હોય તેવી વ્યક્તિઓના પ્રવેશ પર છૂટ આપવામાં આવી છે. જાહેરનામા અનુસાર અનેક દેશો વ્યવસ્થિત રીતે ખરી જાણકારી આપવા અથવા નિર્વાસન યોગ્ય નાગરિકોને પાછા લેવાનો ઈનકાર કરતા હોય છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.