ધનુર્માસનો પ્રારંંભ થતાં ડાકોરના રણછોડરાય એક માસ સુધી ખીચડીનો ભોગ આરોગશે
File
ડાકોર, સોમવારથી ધનુર્માસનો પ્રારંભ થયો છે. સાથે ડાકોરના રાજાધિરાજ રણછોડરાયજી મહારાજની મંગળા આરતીના સમયમાં ફેરફાર થયો છે. ધનુર્માસ દરમિયાન તા.૧પ ડિસેમ્બરથી ૧૪ જાન્યુઆરી સુધી સવારે ૬ઃ૧પ વાગે મંગળા આરતી થશે અને સાંજે ૭ઃ૦૦ વાગે ભગવાન રણછોડરાયજી પોઢી જશે.
આ માસ દરમિયાન આ મુજબ નિત્યક્રમ રહેશે. અન્ય સમય રાબેતા મુજબ રહેશે. યાત્રાધામ ડાકોર રણછોડરાયજી મંદિરમાં ભગવાન રાજાધિરાજને ધનુર્માસમાં એક મહિનો ખીચડીનો ભોગ ધરાવાય છે. ખીચડી સાથે ભગવાનને કઢી અને રીંગણના રવૈયાનું શાક ધરાવવામાં આવશે.
આ ખીચડીને ધનુર્માસની ખીચડી કહેવાય છે. જ્યોતિષ શાસ્ત્રો મુજબ ૧પ ડિસેમ્બરથી લઈ ૧૪ જાન્યુઆરી સુધી સૂર્ય ધન રાશીમાં હોઈ આ માસને ધનુર્માસ કહેવાય છે. ધનુર્માસ દરમિયાન સવારે મંગળા આરતી બાદ ભગવાનને આ ખીચડીનો ભોગ ધરાવવામાં આવે છે.
આ માસમાં ભગવાનની મંગળા આરતીનો સમય બદલી સવારે ૬ઃ૧પ કરવામાં આવે છે અને ૮ વાગ્યાના અરસામાં ખીચડી ધરાવવામાં આવે છે ત્યારે સાંજે ૭ વાગ્યાના અરસામાં ઠાકોરજી પોઢી જશે. વર્ષમાં આ એક જ મહિનો એવો છે જેમાં ભગવાન ખીચડી આરોગતા હોય છે ત્યારે ભાવિકો હોંશે હોંશે આ સ્વાદિષ્ટ ખીચડી પ્રસાદીરૂપે આરોગે છે.
