ખેડબ્રહ્માના અંતરિયાળ વિસ્તારમાં ખ્રિસ્તી મિશનરી દ્વારા આદિવાસી સમાજના લોકોનું ધર્માંતરણ?
ઝાંઝવા- પાણાઈમાં ગેરકાયદેસર થતું ધર્માંતરણ અટકાવવા પ્રાંત અધિકારીને આવેદન આપવામાં આવ્યું
ખેડબ્રહ્મા, ખેડબ્રહ્મા તાલુકાના અંતરિયાળ વિસ્તારમાં ખ્રિસ્તી મિશનરી દ્વારા આદિવાસી સમાજના લોકોને ધર્માંતરણ કરવામાં આવી રહ્યું હોઈ ગામ લોકો દ્વારા પ્રાંત અધિકારીને આવેદન આપવામાં આવ્યું હતું.
ઝાંઝવા પાણાઈ ગામના લોકો ધ્વારા બુધવારના રોજ ખેડબ્રહ્મા પ્રાંત અધિકારી એન.ડી. પટેલને આવેદન આપવામાં આવ્યું હતું જેમાં જણાવ્યા મુજબ ઝાંઝવા- પાણાઈ ગામ વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી ખ્રિસ્તી મિશનરીઓ દ્વારા આ વિસ્તારના અબુધ આદિવાસી સમાજ તથા હિન્દુ સમાજના લોકોને પ્રલોભન, ભ્રમણા તથા દબાણ કરી ખ્રિસ્તી ધર્મમાં પરિવર્તિત કરવાની પ્રવૃતિ ચાલી રહી હોવાનું જાણવા મળે છે.
આવી પ્રવૃત્તિઓ ગેરકાયદેસર હોવા ઉપરાંત ગામની સામાજિક એકતા, શાંતિ અને સંસ્કૃતિ માટે ઘાતક સાબિત થઈ શકે છે. આ બાબતે ગામના લોકોએ વારંવાર અસંતોષ વ્યકત કર્યો હોવા છતાં આજદિન સુધી કોઈ કડક કાર્યવાહી કરવામાં આવી નથી.
જેથી ગામના આગેવાનો તથા ગામલોકો દ્વારા ઝાંઝવા- પાણાઈ ગામ વિસ્તારમાં થતી ગેરકાયદેસર ધર્માંતરણની પ્રવૃતિઓની તાત્કાલિક તપાસ કરાવશો. અને આવા કૃત્યોમાં સંડોવાયેલ વ્યક્તિઓ, સંસ્થાઓ સામે કાયદેસર કાર્યવાહી કરી ભવિષ્યમાં આવી પ્રવૃત્તિઓ પુનરાવર્તિત ન થાય તે માટે યોગ્ય અને કડક પગલાં ભરવા માંગ કરવામાં આવી હતી.
