દહેગામમાં પાન પાર્લરો પર ગોગો પેપરનું ખુલ્લેઆમ વેચાણ
પ્રતિકાત્મક
ગાંધીનગર, ચરસ-ગાંજા જેવા માદક દ્રવ્યોના સેવન માટે યુવાનો દ્વારા ઉપયોગમાં લેવાતા ગોગો પેપર જેવી વસ્તુઓ પર સત્તાવાર પ્રતિબંધ મુકાયા પછી પણ કેટલાક સ્થળે ગુપચુપ તેનું વેચાણ ચાલી રહ્યું છે. દહેગામમાં કેટલાક પાન પાર્લરો ખુલ્લેઆમ રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન, પરફેકટ રોલ જેવી વસ્તુઓ વેચતા હોવાની બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા. પોલીસે પાંચ પાન પાર્લરમાંથી ગોગો કોનનો જથ્થો જપ્ત કરી પાંચ વેપારી સામે ગુનો દાખલ કર્યો છે.
ગાંધીનગર જિલ્લા પોલીસ વડા રવિ તેજા વાસમ સેટ્ટીએ આપેલી સૂચના અન્વયે દહેગામ પીઆઈ એન.એમ. દેસાઈની સર્વેલન્સ ટીમે અલગ-અલગ ખાનગી વાહનોમાં પેટ્રોલિંગ હાથ ધર્યું હતું.
દહેગામ રેલવે સ્ટેશન રોડ પર ત્રણ પાન પાર્લર તથા બાયડ ત્રણ રસ્તા નજીક બે પાન પાર્લર પરથી પોલીસને ગોગો પેપર મળી આવ્યા હતા. દહેગામ પોલીસે આ મામલે મંથન રસિકભાઈ અગ્રાવત, ધર્મેન્દ્રભાઈ રમણલાલ પંચાલ, અર્પિત હસમુખભાઈ અમીન, સરફરાઝ અબ્દુલભાઈ મનસૂરી તથા રાજેન્દ્રસિંહ પ્રહલાદસિંહ ચૌહાણ (તમામ રહે. દહેગામ)ની ધરપકડ કરી હતી આરોપીઓ પાસેથી અલગ અલગ બ્રાન્ડના કુલ ર૭ પેપર રોલ કબજે કરી દહેગામ પોલીસ મથકમાં ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.
