હવેથી એડહાક જજો સિંગલ અથવા ખંડપીઠની અધ્યક્ષતા કરી શકશેઃ સુપ્રીમ
નવી દિલ્હી, સુપ્રીમ કોર્ટે એક અત્યંત મહત્ત્વપૂર્ણ હુકમમાં સ્પષ્ટ કર્યું છે કે હવેથી એડહાક જજો સિંગલ અથવા ડિવિઝન બેંચની અધ્યક્ષતા કરી શકશે. દેશની વિવિધ હાઇકોર્ટમાં પેન્ડિંગ કેસોના ભારણને ઓછું કરવાના આશયથી ઉક્ત નિર્ણય કરવામાં આવ્યો છે.
સુપ્રીમ કોર્ટે એપ્રિલ ૨૦૨૧માં આ મામલે જે નિર્દેશ આપ્યા હતા, એની શરતોને સ્પષ્ટ કરી આપી છે. અગાઉના નિર્ણયમાં ઠરાવવામાં આવ્યું હતું કે એડહાક જજો ખંડપીઠ એટલે કે ડિવીઝન બેંચની અધ્યક્ષતા કરી શકશે નહીં. સુપ્રીમના ચીફ જસ્ટિસ સૂર્યકાંત, જસ્ટિસ જાયમાલ્ય બાગચી અને જસ્ટિસ વિપુલ પંચોલીને બેંચે વિવિધ હાઇકોર્ટમાં પૂર્વ ન્યાયમૂર્તિઓને એડહાક જજ તરીકે નિયુક્ત કરવાનો નિર્દેશ કેન્દ્ર સરકારને આપ્યો છે.
આ માટેની વર્તમાન નીતિમાં સુધાર કરવા અને નવી નીતિ બનાવવાનો નિર્દેશ કર્યાે છે. ચીફ જસ્ટિસની બેંચે આદેશમાં નોંધ્યું છે કે,‘જજો ૬૨ વર્ષે નિવૃત્ત થઇ જાય છે અને આવા અનેક જજો આપણી પાસે છે. તેમના બહોળા અનુભવનો પેન્ડિંગ કેસોના નિકાલ માટે ઉપયોગ કરી શકાય છે.
કેટલાક પૂર્વ જજોએ આ મામલે મારી સાથે પરામર્શ પણ કર્યાે છે. તેઓ સેવાનિવૃત્ત થયા બાદ પણ કામ કરવા તૈયાર છે. પરંતુ કોઇ ડિવીઝન બેંચમાં તેઓ જુનિયર જજ તરીકે બેસવામાં શરમ અનુભવે છે. એટર્ની જનરલ વેંકટરમણીએ કહ્યું હતું કે આ બાબતને આંતરિક ચર્ચાથી ઉકેલી શકાય છે, ન્યાયિક આદેશની જરૂર નથી. ત્યારે ચીફ જસ્ટિસે કહ્યું હતું કે,‘જો બે એડહાક જજો હોય તો જેતે હાઇકોર્ટના ચીફ જસ્ટિસ તેમની ખંડપીઠ બનાવવાનો નિર્ણય કરશે.
જ્યારે કે એ નિર્ણય અમે જેતે હાઇકોર્ટના ચીફ જસ્ટિસને આધિન રાખીએ છીએ કે તેઓ એક વર્તમાન જજ અને એક એડહાક જજની બેંચ બનાવે અને નક્કી કરે કે બેંચની અધ્યક્ષતા કોણ કરશે.’SS1MS
