Western Times News

Gujarati News

કેન્સરની બાબતમાં ચીન, અમેરિકા પછી ભારત ત્રીજા ક્રમે

નવી દિલ્હી, સમગ્ર વિશ્વમાં કેન્સરના કેસોની સંખ્યામાં ચીન અને અમેરિકા પછી ભારત ત્રીજા ક્રમે છે અને ૨૦૪૦ સુધીમાં ભારતમાં કેન્સરના દર્દીઓની સંખ્યા વધીને ૨૦ લાખ થઇ જશે તેમ વડાપ્રધાન કાર્યાલયના રાજ્ય કક્ષાના પ્રધાન જિતેન્દ્ર સિંહે એક નિવેદનમાં જણાવ્યું છે.

એક પ્રશ્રના જવાબમાં પ્રધાને જણાવ્યું હતું કે ડિપાર્ટમેન્ટ ઓફ બાયોટેકનોલોજીએ મહિલાઓમાં જોવા મળતા સર્વાઇકલ કેન્સરની સારવાર માટે પ્રથમ એચપીવી વેક્સિન વિકસિત કરી છે અને સરકાર આ વેક્સિન મોટા ભાગના લોકોને વ્યાજબી ભાવે કે મફતમાં ઉપલબ્ધ કરાવવા અંગે કાર્ય કરી રહી છે. તેમણે જણાવ્યું હતું કે આ વાત સાચી છે કે સમગ્ર વિશ્વમાં કેન્સરના કેસોની સંખ્યા સતત વધી રહી છે. દર વર્ષે સમગ્ર વિશ્વમાં કેન્સરનાં બે કરોડ દર્દીઓ હોય છે.

ભારતમાં ંકેન્સરના દર્દીઓની સંખ્યા ૧૫ લાખ છે.ભારતમાં આ સંખ્યા વધીને ૨૦૪૦ સુધીમાં ૨૦ લાખ થઇ જવાની સંભાવના છે. કેન્સરના દર્દીઓની સંખ્યાની બાબતમાં ચીન અને અમેરિકા પછી ભારત ત્રીજા ક્રમે છે.

તેમણે જણાવ્યું હતું કે ૧૯૮૦ના દાયકા સુધી ભારત ચેપી રોગોથી ઘેરાયેલું હતું અને પછી બિન ચેપી રોગોનો યુગ આવ્યો. હાલના સમયમાં ભારતમાં બંને પ્રકારના રોગો જોવા મળી રહ્યાં છે.

તેમણે જણાવ્યું હતું કે મુશ્કેલી એ છે કે કેન્સર સહિતના રોગો અગાઉ જીવનનાં છેલ્લા દાયકામાં થતાં હતાં તે હવે શરૃઆતના દાયકામાં પણ થઇ રહ્યાં છે. કેન્સર હવે નાની ઉંમરના લોકોને પણ થાય છે. આ વાત હૃદય રોગના હુમલામાં પણ લાગુ પડે છે. હૃદય રોગનો હુમલો પણ અગાઉ જીવનના છેલ્લા દાયકામાં આવતો હતો તે હવે ઓછી ઉંમરમાં પણ આવે છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.