Western Times News

Gujarati News

મૃણાલ ઠાકુરની ડકૈત એક પ્રેમ કથાની ટક્કર ધુરંધર-૨ ફિલ્મ સાથે થશે

મુંબઈ, હિન્દી ઉપરાંત દક્ષિણ ભારતની ફિલ્મોમાં પણ પોતાની આગવી છાપ છોડનારી અભિનેત્રી મૃણાલ ઠાકુર ટૂંક સમયમાં ડકૈત એક પ્રેમ કથામાં મહત્વની ભૂમિકામાં જોવા મળશે. મૃણાલે દક્ષિણ ભારતીય ફિલ્મોમાં અનેક મહત્વની અને યાદગાર ભૂમિકાઓ ભજવી છે.

હવે મૃણાલ ટૂંક સમયમાં ‘ડકૈત એક પ્રેમ કથા’માં હિરોઈન તરીકે જોવા મળશે. ફિલ્મના મેકર્સે ગુરુવારે તેનું ટીઝર રિલીઝ કર્યું હતું. ટીઝરમાં મૃણાલની સાથે આદિવી શેષ હીરો તરીકે જોવા મળી રહ્યો છે. આ ફિલ્મ જોરદાર એક્શન અને રોમાન્સથી ભરપૂર છે.

ફિલ્મનું નિર્દેશન શેનિલ દેવ દ્વારા કરવામાં આવ્યું છે. મુખ્ય જોડી ઉપરાંત, ફિલ્મમાં દિગ્દર્શક અનુરાગ કશ્યપ પણ મહત્વની ભૂમિકામાં છે. ટીઝરની શરૂઆત આદિવી શેષથી થાય છે જે મૃણાલ ઠાકુર સાથે મળીને તેમની સાથે ખોટું કરનારા લોકોને સબક શીખવાડવાની યોજના બનાવી રહેલો જોઈ શકાય છે.વીડિયોમાં મૃણાલ ઠાકુરને પૂરઝડપે ગાડી ચલાવતી જોઈ શકાય છે, જ્યારે આદિવી શેષ ફિલ્મમાં દમદાર એક્શન કરતો જોવા મળી રહ્યો છે. આદિવી શેષે આ વીડિયો તેના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર શેર કર્યાે છે.

હિન્દી અને તેલુગુમાં એકસાથે શૂટ થયેલી આ ફિલ્મની વાર્તા અને પટકથા આદિવી શેષ અને શેનિલ દેવે સંયુક્ત રીતે તૈયાર કરી છે. ફિલ્મનો હિસ્સો બનવા અંગે અનુરાગે કહ્યું કે આ ભૂમિકા તેમના માટે મજેદાર અને પડકારજનક બંને છે, અને બંને ભાષાઓમાં સમાન પ્રભાવ પાડવો એ એક એવો પડકાર છે જેનો તેઓ ભરપૂર આનંદ માણી રહ્યા છે.તેમણે જણાવ્યું હતું કે, ‘ અયપ્પાના ભક્ત એવા પોલીસ અધિકારીનું પાત્ર ભજવવું મજેદાર હોવાની સાથે સાથે જ પડકારજનક છે. કર્તવ્ય વિરુદ્ધ ધર્મની મૂંઝવણ અને પોતાના કામને હાસ્ય સાથે અંજામ આપવો તે અદભૂત બાબત છે.

હું આ પાત્રને હિન્દી અને તેલુગુ એમ બે ભાષાઓમાં ભજવવા માટે ઉત્સુક છું.આ ફિલ્મ ૧૯ માર્ચ, ૨૦૨૬ ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે. મહત્વની વાત એ છે કે આ જ દિવસે બોલિવૂડની સુપરહિટ ફિલ્મ ધુરંધરનો બીજો ભાગ ધુરંધર-૨ પણ રિલીઝ થવાનો છે. હવે જોવાનું એ રહેશે કે બોક્સ ઓફિસ પર આ બંને ફિલ્મોની ટક્કર કેટલી રસપ્રદ રહે છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.