મ્યુચ્યુઅલ ફંડ ડિસ્ટ્રીબ્યુટરની સતર્કતાથી વૃદ્ધ દંપતીના રૂ.૧.૪૩ કરોડ બચ્યા
AI Image
૭ દિવસથી ડિજિટલ અરેસ્ટ વૃદ્ધ દંપતીના રૂ.૧.૪૩ કરોડ બચ્યા -એમએફ ડિસ્ટ્રીબ્યુટરની સતર્કતાએ ખોલ્યો ભેદ-ઈડીના નામે ધમકાવીને વૃદ્ધ દંપતીને ડિજિટલ અરેસ્ટ કરાયું હતું
(એજન્સી)અમદાવાદ, અમદાવાદમાં ડિજિટલ અરેસ્ટના નામે સિનિયર સિટીઝનોને નિશાન બનાવતી સાયબર માફિયાઓની ગેંગ વધુ એક વખત સક્રિય થઈ છે, પરંતુ આ વખતે એક જાગૃત નાગરિક અને સાયબર ક્રાઈમ પોલીસની ત્વરિત કાર્યવાહીને કારણે એક મોટી છેતરપિંડી અટકી ગઈ છે.
ઈડીના નામે ધમકાવીને છેલ્લા સાત દિવસથી ડિજિટલ અરેસ્ટ કરાયેલા એક વૃદ્ધ દંપતીના ૧.૪૩ કરોડ રૂપિયા સાયબર પોલીસે ડૂબતા બચાવ્યા છે. સાયબર માફિયાઓ ખાસ કરીને એવા સંપન્ન વૃદ્ધોને નિશાન બનાવી રહ્યા છે, જેમના બાળકો વિદેશમાં સ્થાયી થયા હોય અને તેઓ અહીં એકલા રહેતા હોય.
આ સમગ્ર ઘટનાની શરૂઆત ત્યારે થઈ જ્યારે એક સિનિયર સિટીઝન તેમના મ્યુચ્યુઅલ ફંડ ડિસ્ટ્રીબ્યુટર પલક દોશી પાસે અંદાજે ૯૩ લાખની રકમ તાત્કાલિક ઉપાડવા માટે પહોંચ્યા હતા. વૃદ્ધે આ રકમ વિદેશ મોકલવાના બહાને ઈમરજન્સીમાં ઉપાડવા માટે જણાવ્યું હતું. જોકે, વાતચીત દરમિયાન પલકને વૃદ્ધની વર્તણૂક શંકાસ્પદ લાગી હતી.
તેઓ ખૂબ જ ગભરાયેલા હતા અને પૈસાની જરૂરિયાત અંગે પૂછતા કોઈ સ્પષ્ટ જવાબ આપતા નહોતા. કોઈ મેડિકલ ઈમરજન્સી ન હોવા છતાં આટલી મોટી રકમ ઉપાડવાની ઉતાવળ જોઈને પલક દોશી વધુ પ્રક્રિયા માટે તેમના ઘરે પહોંચ્યા હતા.
વૃદ્ધના ઘરે પહોંચતા જ પલકની નજર તેમના મોબાઈલ પર પડી, જેમાં ઈડીના લોગોવાળી એક ઈમેજ દેખાઈ હતી. આ જોતા જ તેમને ખાતરી થઈ ગઈ કે વૃદ્ધ ડિજિટલ અરેસ્ટનો શિકાર બન્યા છે. તેમણે તાત્કાલિક સાયબર ક્રાઈમ પોલીસનો સંપર્ક કર્યો. પોલીસ જ્યારે તેમના ઘરે પહોંચી ત્યારે વૃદ્ધ પોતાની ફિક્સ્ડ ડિપોઝિટ હ્લડ્ઢ તોડાવવા બેંક પહોંચી ગયા હતા. પોલીસે સમય બગાડ્યા વિના બેંક પહોંચીને નાણાં ઉપાડવાની પ્રક્રિયા અટકાવી હતી.
શરૂઆતમાં આ વૃદ્ધ દંપતી ડિજિટલ અરેસ્ટ થયા હોવાની વાત સ્વીકારવા તૈયાર નહોતું, પરંતુ પોલીસના સમજાવટ અને કાઉન્સિલિંગ બાદ તેમણે સત્ય જણાવ્યું હતું. સાયબર ઠગોએ તેમને જેટ એરવેઝના નરેશ ગોયલના કેસમાં તેમનું આધારકાર્ડ સંડોવાયેલું હોવાની અને મની લોન્ડરિંગના ખોટા કેસની ધમકી આપી છેલ્લા સાત દિવસથી ડિજિટલ અરેસ્ટ કરી રાખ્યા હતા.
ઠગો તેમને માત્ર બેંક અને મ્યુચ્યુઅલ ફંડની રકમ એકત્ર કરવા માટે જ હલનચલન કરવાની છૂટ આપતા હતા. જેના બાળકો ઓસ્ટ્રેલિયા અને અમેરિકા સ્થાયી થયા છે તેવા આ દંપતીની મહેનતની કમાણી સાયબર પોલીસની સતર્કતાને કારણે સુરક્ષિત રહી છે.
