અમદાવાદની વી.એસ. હોસ્પિટલ નર્સિગ સ્ટાફની મનમાની-સત્તાધીશો લાચાર
(પ્રતિનિધિ) અમદાવાદ, મ્યુનિ.સંચાલિત વી.એસ.હોસ્પિટલમાંથી હયાત ર્નસિંગ સ્ટાફની એલ.જી. અને શારદાબેન હોસ્પિટલમાં ત્રણ ત્રણ મહિના માટે ફાળવણી કરવાનાં આદેશનાં પાલન નહિ કરનારા કર્મચારીઓ અન્ય હોસ્પિટલમાં ફરજ બજાવવા જવા તૈયાર નથી અને સત્તાધીશોને ગાંઠતા નથી. તેમ છતાં તેમની સામે પગલા લેવામાં સત્તાધીશો લાચારી અનુભવી રહ્યાં છે.
વી.એસ.હોસ્પિટલનાં સૂત્રોમાંથી પ્રાપ્ત વિગતો અનુસાર, વી.એસ.હોસ્પિટલમાં તોડ?ફોડ અને અન્ય કારણોસર દર્દીઓની સંખ્યામાં ઘટાડો થયો છે, બીજી બાજુ એલ.જી. અને શારદાબેન હોસ્પિટલમાં દર્દીઓનો ધસારો વધતાં ર્નસિંગ સહિતનાં સ્ટાફની અછત વર્તાય છે.
ત્યારે આઉટર્સોસિંગથી સ્ટાફ લેવાને બદલે સત્તાધીશોએ વી.એસ.નાં ર્નસિંગ અને અન્ય સ્ટાફને ત્રણ ત્રણ મહિના માટે એલ.જી અને શારદાબેન હોસ્પિટલમાં ફરજ બજાવવા જવા મોકલવાનો નિર્ણય લીધો હતો. વી.એસ.હોસ્પિટલમાં ફરજ બજાવતાં સ્ટાફને આરામદાયક નોકરી ફાવી ગઇ હોવાથી તેમને મ્યુનિ.ની અન્ય હોસ્પિટલમાં કામ કરવા જવુ ગમતુ નથી.
આથી વી.એસ.નાં સ્ટાફે એક યુનિયનનો સહારો લીધો છે અને તંત્રનાં આદેશને માનવાને બદલે મનમાની કરીને વી.એસ.હોસ્પિટલમાં જ ફરજ બજાવી રહ્યાં છે. આ મામલે વિવાદ વકરતાં વી.એસ.નાં અધિકારીઓએ અન્ય હોસ્પિટલમાં ફરજ બજાવવા જવાનો આદેશ થયો હોય તેવા કર્મચારીઓની હાજરી પૂરવાનો ઇન્કાર કરતાં એક વોર્ડ બોય ચોપડો લઇ ભાગી ગયો હતો તેવુ પણ જાણવા મળ્યુ છે.
બીજી બાજુ એલ.જી.હોસ્પિટલનાં મેડિકલ સુપ્રિટેન્ડન્ટે તો વી.એસ.માં પત્ર પાઠવીને વી.એસ.નો ર્નસિંગ સ્ટાફ પૈકી જેનો ઓર્ડર થયો છે તે કોઇ એલ.જી.માં હાજર થયા નથી તેવો પત્ર પાઠવી દીધો છે.
