ગુજરાતની 282 બાર એસોસિએશનની ચૂંટણીમાં ભારે રસાકસી
રાજ્યભરના બાર એસો.ની યોજાઈ ચૂંટણી, ૧.૨૫ લાખ વકીલોનું મતદાન-અમદાવાદ ક્રિમિનલ કોર્ટ બારઃ સૌથી મોટા આ બારમાં ૯ હજારથી વધુ સભ્યો નોંધાયેલા છે. અહીં ૧૪ બેઠકો માટે ૪૯ ઉમેદવારો વચ્ચે જંગ ખેલાયો છે.
(તમામ તસવીરોઃ જયેશ મોદી) અમદાવાદ, ગુજરાતના ન્યાયિક ઇતિહાસમાં 19-12-2025 એક મહત્વનો દિવસ રહ્યો. રાજ્યભરના તમામ ૨૮૨ બાર એસોસિએશનની ચૂંટણી શુક્રવારે ભારે ઉત્સાહ અને રસાકસી વચ્ચે યોજાઈ.
વહેલી સવારથી જ હાઈકોર્ટથી લઈને તાલુકા કોર્ટ સુધી વકીલોની લાંબી કતારો જોવા મળી હતી. આ વર્ષની ચૂંટણી સુપ્રીમ કોર્ટના ઐતિહાસિક આદેશને કારણે ખાસ બની રહી છે, કારણ કે પ્રથમ વખત વકીલ મંડળોમાં મહિલા અનામત પ્રથા અમલી બની છે.
View this post on Instagram
રાજ્યભરના નાના-મોટા તમામ મંડળો મળીને અંદાજે ૧.૨૫ લાખ વકીલોએ શુક્રવારે તા. 19-12-2025ના રોજ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો છે. સવારે ૧૦ઃ૦૦ થી સાંજે ૫ઃ૦૦ વાગ્યા સુધી ચાલેલા આ મતદાનમાં પ્રમુખ, ઉપપ્રમુખ, સેક્રેટરી અને કારોબારી સભ્યો જેવા પદો માટે ઉમેદવારો વચ્ચે ‘કાંટે કી ટક્કર’ જોવા મળી રહી છે. મતદાન પૂર્ણ થયા બાદ તુરંત મતગણતરી શરૂ કરી દેવામાં આવી છે, જેના પરિણામો મોડી રાત સુધીમાં જાહેર થશે.
ગુજરાત હાઈકોર્ટ બારઃ અહીં ૨૯૦૦થી વધુ વકીલોએ મતદાન કર્યું. વિવિધ હોદ્દાઓ માટે ૮૦થી વધુ ઉમેદવારો મેદાનમાં છે, જેના કારણે અહીં કોઈ સામાન્ય ચૂંટણી જેવો જ માહોલ જોવા મળ્યો હતો.
અમદાવાદ ક્રિમિનલ કોર્ટ બારઃ ગુજરાતના સૌથી મોટા આ બારમાં ૯ હજારથી વધુ સભ્યો નોંધાયેલા છે. અહીં ૧૪ બેઠકો માટે ૪૯ ઉમેદવારો વચ્ચે જંગ ખેલાયો છે.
જિલ્લા-તાલુકા મથકોઃ અમદાવાદની મેટ્રો કોર્ટ, ગ્રામ્ય કોર્ટ અને સેશન્સ કોર્ટમાં પણ સવારથી વકીલોની ભારે ભીડ જોવા મળી હતી.
આ ચૂંટણીની સૌથી મોટી વિશેષતા મહિલા અનામત છે. સુપ્રીમ કોર્ટના નિર્દેશાનુસાર દરેક વકીલ મંડળમાં ખજાનચીની પોસ્ટ મહિલા વકીલ માટે અનામત રાખવામાં આવી છે. સાથે જ કારોબારી સમિતિમાં ૩૦% મહિલા પ્રતિનિધિત્વ ફરજિયાત કરવામાં આવ્યું છે.
આ નવી વ્યવસ્થાને કારણે મહિલા વકીલોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો અને ન્યાયિક પ્રક્રિયાના વહીવટમાં મહિલાઓની ભાગીદારી વધશે તેવો આશાવાદ વ્યક્ત કરાયો હતો.
