Western Times News

Gujarati News

ટ્રાવેલ એજન્ટ પાસેથી ૪.૬૨ કરોડ રોકડ, ૩૧૩ કિલો ચાંદી અને ૬ કિલો સોનાના બિસ્કિટ મળ્યા

ડંકી રૂટ કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી)ની આક્રમક કાર્યવાહી-ઈડીની તપાસ ટીમે અંદાજે ૧૯ કરોડ રૂપિયાની સંપત્તિ જપ્ત કરી 

‘ડંકી રૂટ’ (Donkey Route) એ હાલના સમયમાં અમેરિકા, કેનેડા કે યુકે જેવા દેશોમાં ગેરકાયદેસર રીતે પ્રવેશવા માટે વપરાતો જોખમી રસ્તો

નવી દિલ્હી,  ડંકી રૂટ કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી)ની આક્રમક કાર્યવાહી ચાલુ છે. ઈડીની ટીમ એક પછી એક દરોડા પાડી રહી છે. આ કડીમાં ઈડીને મોટી સફળતા મળી છે. તપાસ ટીમે અંદાજે ૧૯ કરોડ રૂપિયાની સંપત્તિ જપ્ત કરી છે. હકીકતમાં ઈડીએ ૧૮ ડિસેમ્બરે પંજાબ, હરિયાણા અને દિલ્હીના ૧૩ સ્થળોએ દરોડા પાડ્યા હતા.

દરોડા દરમિયાન ઈડીની ટીમને દિલ્હીના એક ટ્રાવેલ એજન્ટ પાસેથી ૪.૬૨ કરોડ રૂપિયા રોકડ, ૩૧૩ કિલો ચાંદી અને ૬ કિલો સોનાના બિÂસ્કટ મળી આવ્યા છે, જેની કુલ કિંમત આશરે ૧૯.૧૩ કરોડ રૂપિયા થાય છે. આ ઉપરાંત, ઈડીના હાથે મોબાઈલ ચેટ અને ડિજિટલ પુરાવા પણ લાગ્યા છે, જેમાં ડંકી રૂટના અન્ય સભ્યો સાથે ટિકિટ, રૂટ અને પૈસાના વ્યવહાર અંગેની વાતચીત રેકોર્ડ થયેલી છે.

હરિયાણાના એક જાણીતા ખેલાડીના ઠેકાણે પાડવામાં આવેલા દરોડામાં જાણવા મળ્યું છે કે, તે લોકોને મેક્સિકોના રસ્તે અમેરિકા મોકલવા માટે તેમની મિલકતના કાગળો ગીરવે રાખતો હતો, જેથી કોઈ તેની સાથે છેતરપિંડી ન કરી શકે. ઈડીને અન્ય સ્થળોએથી મોબાઈલ ફોન, દસ્તાવેજો અને ડિજિટલ ડેટા જેવી અનેક વસ્તુઓ મળી આવી છે. ઈડી હાલ આ તમામ વસ્તુઓની ફોરેન્સિક તપાસ કરાવી રહી છે.

ડંકી રૂટ એ લોકોના જીવ જોખમમાં મૂકીને ગેરકાયદેસર રીતે દેશની સરહદ પાર કરાવવાની એક રીત છે. જેમાં દક્ષિણ અમેરિકાના દેશોમાંથી મેક્સિકો થઈને અમેરિકાની સરહદ પાર કરવામાં આવે છે. ઈડીની આ કાર્યવાહી મની લોન્ડરિંગ કેસમાં ચાલી રહેલી તપાસનો એક ભાગ છે, જે ફેબ્રુઆરી ૨૦૨૫માં અમેરિકાથી ૩૩૦ ભારતીયોના ડિપોર્ટિશન (દેશનિકાલ) સાથે જોડાયેલી છે.

અન્ય સ્થળોએ દરોડા દરમિયાન મોબાઇલ ફોન, દસ્તાવેજો અને અન્ય શંકાસ્પદ વસ્તુઓ જપ્ત કરવામાં આવી છે. જપ્ત કરાયેલી તમામ ચીજવસ્તુઓની તપાસ કરાશે, જેમાં આખા નેટવર્કનો ખુલાસો કરવામાં મદદ મળશે. ઈડીએ જપ્ત કરેલ ડિજિટલ ડેટા અને દસ્તાવેજોને ફોરેન્સિક તપાસમાં મોકલી દીધા છે. પંજાબ અને હરિયાણા પોલીસમાં એફઆઇઆર નોંધાયા બાદ આ કાર્યવાહીઓ કરવામાં આવી છે અને આ નેટવર્કમાં ટ્રાવેલ એન્જન્ટ, વચેટીયાઓ અને હવાલા ઓપરેટરો સામેલ છે.

ગેંગ વિદેશ જવાની ઘેલછા રાખનારા લોકોને ડંકી રૂટ દ્વારા જોખમી રસ્તા પરથી અમેરિકા મોકલીને કરોડો રૂપિયા કમાતા હતા. રિપોર્ટ મુજબ, ઈડીની આ કાર્યવાહી બાદ વધુ ધરપકડ થવાના અને મોટા ખુલાસા થવાની સંભાવના છે.

‘ડંકી રૂટ’ (Donkey Route) એ હાલના સમયમાં અમેરિકા, કેનેડા કે યુકે જેવા દેશોમાં ગેરકાયદેસર રીતે પ્રવેશવા માટે વપરાતો એક અત્યંત જોખમી અને લાંબો રસ્તો છે. ખાસ કરીને પંજાબ, હરિયાણા અને હવે ગુજરાતના યુવાનોમાં આ રસ્તે વિદેશ જવાનો ક્રેઝ વધ્યો છે, પરંતુ તેની પાછળનું સત્ય ઘણું ભયાનક છે.

૧. ‘ડંકી’ શબ્દનો અર્થ શું છે?

પંજાબી ભાષાના શબ્દ ‘ડંકી’ (Dunki) નો અર્થ થાય છે ‘એક જગ્યાએથી બીજી જગ્યાએ કૂદકો મારવો’. જ્યારે કોઈ વ્યક્તિ કાયદેસરના વિઝા મેળવી શકતી નથી, ત્યારે તે એજન્ટોની મદદથી છુપાઈને, જંગલો, પહાડો અને દરિયાઈ માર્ગે સરહદો ઓળંગીને બીજા દેશમાં ‘ઘૂસણખોરી’ કરે છે. તેને ‘ડંકી મારવી’ કહેવાય છે.

૨. આ રૂટ કેવી રીતે કામ કરે છે?

સામાન્ય રીતે અમેરિકા પહોંચવા માટેનો ડંકી રૂટ નીચે મુજબના તબક્કાઓમાંથી પસાર થાય છે:

  • પહેલો પડાવ: એજન્ટો પહેલા મુસાફરોને એવા દેશોમાં મોકલે છે જ્યાં ભારતીયો માટે ‘વિઝા ઓન અરાઈવલ’ હોય અથવા વિઝા સરળતાથી મળી રહે (જેમ કે ઈક્વેડોર, બોલિવિયા અથવા ગયાના).

  • લેટિન અમેરિકાથી મેક્સિકો: ત્યાંથી તેમને બસ કે ખાનગી વાહનો દ્વારા કોલંબિયા લાવવામાં આવે છે.

  • ડેરિયન ગેપ (સૌથી ખતરનાક રસ્તો): કોલંબિયા અને પનામા વચ્ચે ‘ડેરિયન ગેપ’ નામનું ગાઢ જંગલ આવેલું છે. અહીં કોઈ રસ્તા નથી. મુસાફરોએ દિવસો સુધી ઝેરી સાપ, હિંસક જંગલી પ્રાણીઓ અને લૂંટારા ટોળકીઓ વચ્ચે ચાલવું પડે છે.

  • મેક્સિકો બોર્ડર: પનામાથી ગ્વાટેમાલા થઈને મુસાફરો મેક્સિકો પહોંચે છે. અહીંથી અમેરિકાની સરહદ (Wall) ઓળંગવા માટે નદીઓ તરવી પડે છે અથવા ઊંચી દીવાલો કૂદવી પડે છે.

૩. જોખમો અને મુશ્કેલીઓ

  • જીવનું જોખમ: જંગલોમાં ભૂખ-તરસથી અથવા નદીઓમાં ડૂબી જવાથી અનેક લોકોના મોત થાય છે.

  • લૂંટફાટ અને અત્યાચાર: એજન્ટો અને સ્થાનિક માફિયાઓ મુસાફરો પાસેથી વધુ પૈસા પડાવવા માટે તેમને બંધક બનાવે છે અને મારપીટ કરે છે.

  • જેલ અને ડિપોર્ટ: જો પકડાઈ જાય, તો અમેરિકાની જેલમાં રહેવું પડે છે અને અંતે ભારત પાછા (ડિપોર્ટ) મોકલી દેવામાં આવે છે. તેનાથી લાખો રૂપિયાનું નુકસાન થાય છે.

  • ખર્ચ: આ રૂટ દ્વારા અમેરિકા પહોંચવાનો ખર્ચ ₹૪૦ લાખથી ₹૮૦ લાખ સુધીનો હોઈ શકે છે.

૪. લોકો કેમ આ રસ્તો પસંદ કરે છે?

  • કાયદેસર વિઝા ન મળવા.

  • વિદેશ જવાની ઘેલછા અને ત્યાં જઈને વધુ પૈસા કમાવાની લાલચ.

  • એજન્ટોની ખોટી વાતોમાં આવી જવું.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.