Western Times News

Gujarati News

AMCનો ઝોનવાઈઝ પાર્કિંગ પ્લાનઃ ટ્રાફિકની સમસ્યામાં થશે મોટી રાહત

પ્રતિકાત્મક

નોર્થ, વેસ્ટ અને નોર્થ-વેસ્ટ ઝોનમાં પાર્કિગ વ્યવસ્થાથી ટ્રાફિકમાં નોંધપાત્ર સુધારો

(પ્રતિનિધિ) અમદાવાદ,  અમદાવાદ શહેરમાં વધતા ટ્રાફિક દબાણ અને ગેરવ્યવસ્થિત ર્પાકિંગની સમસ્યાને દૂર કરવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા નોર્થ, વેસ્ટ અને નોર્થ-વેસ્ટ ઝોન માટે વિસ્તૃત અને આયોજનબદ્ધ ર્પાકિંગ પ્લાન અમલમાં મૂકવામાં આવ્યો છે.

અમદાવાદ શહેરની સુધારેલી ર્પાકિંગ નીતિના આધારે તૈયાર કરાયેલો આ પ્લાન અમલમાં આવતા મુખ્ય માર્ગો પર ટ્રાફિકનો પ્રવાહ સુચારુ બન્યો છે અને નાગરિકોને રોજિંદા આવન-જાવનમાં મોટી રાહત મળી છે.

વર્ષ ૨૦૨૩માં જીપીએમસી એક્ટ, ૧૯૪૯ હેઠળ અમલમાં આવેલી ર્પાકિંગ નીતિના અનુસંધાને એ.એમ.સી. દ્વારા તબક્કાવાર રીતે ર્પાકિંગ વ્યવસ્થાને સુવ્યવસ્થિત બનાવવા માટે કાર્યવાહી હાથ ધરાઈ છે. આ નીતિનો મુખ્ય હેતુ શહેરની આયોજન નીતિઓને અનુરૂપ ર્પાકિંગ ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિકસાવવો, વાહન વ્યવહારને નિયંત્રિત કરવો અને નાગરિકોને વધુ સુલભ અને સ્પષ્ટ ર્પાકિંગ વ્યવસ્થા ઉપલબ્ધ કરાવવાનો છે.

ર્પાકિંગ પ્લાન તૈયાર કરવા માટે નોર્થ, વેસ્ટ અને નોર્થ-વેસ્ટ ઝોનમાં વિગતવાર ર્પાકિંગ સર્વે હાથ ધરવામાં આવ્યો હતો. જેમાં ગ્રાઉન્ડ લેવલ પર ર્પાકિંગ સપ્લાય-ડિમાન્ડનું મૂલ્યાંકન, ર્પાકિંગ મેનેજમેન્ટ પ્લાનની રચના તેમજ એન્ફોર્સમેન્ટ, શેર્ડ ર્પાકિંગ, આઈપીટીએસ ર્પાકિંગ, ડાયનામિક પ્રાઇસિંગ અને પાર્ક એન્ડ રાઇડ જેવી વ્યૂહરચનાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે.

આ ર્પાકિંગ પ્લાનના આધારે એ.એમ.સી. દ્વારા શહેરના સિંધુ ભવન રોડ, સી.જી. રોડ અને ૧૨૦ ફૂટ રિંગ રોડ પર પાયલોટ પ્રોજેક્ટ અમલમાં મૂકવામાં આવ્યો છે. આ માર્ગો પર ગેરકાયદેસર ર્પાકિંગ સામે કડક એન્ફોર્સમેન્ટ, શેર્ડ ર્પાકિંગ વ્યવસ્થા, પદયાત્રીઓની સુરક્ષા માટે સેફ્‌ટી રેલિંગ તથા ર્પાકિંગ રેગ્યુલરાઇઝેશન જેવી વ્યવસ્થાઓ અમલમાં આવશે. ખાસ કરીને સિંધુ ભવન રોડ, રાજપથ રંગોલી રોડ અને બોપલ-આંબલી રોડને “ઝીરો ટોલરન્સ રોડ” જાહેર કરતા હવે આ માર્ગો પર કોઈપણ પ્રકારના ગેરકાયદેસર ર્પાકિંગને મંજૂરી નહીં આપવામાં આવે.

શહેરમાં ર્પાકિંગ વ્યવસ્થાને વધુ સ્પષ્ટ અને નાગરિકોને માર્ગદર્શનરૂપ બનાવવા માટે એ.એમ.સી. દ્વારા ઓફ-સ્ટ્રીટ અને ઓન-સ્ટ્રીટ ર્પાકિંગ સ્થળોએ કુલ ૮૮૩ ર્પાકિંગ સાઇનેજ સ્થાપિત કરવામાં આવ્યા છે. આ ઉપરાંત, સ્ટ્રીટ વેન્ડિંગને નિયંત્રિત કરવા માટે શહેરના વિવિધ વિસ્તારોમાં ૬૬૧ “ના વેન્ડિંગ” સાઇનેજ લગાવવામાં આવ્યા છે, જેના કારણે ફૂટપાથ અને માર્ગો પર અતિક્રમણ ઘટશે અને ટ્રાફિક પ્રવાહમાં સુધારો આવશે.

ઓન-સ્ટ્રીટ ર્પાકિંગના અમલના ભાગરૂપે શહેરના ૩૮ માર્ગો પર થર્મોપ્લાસ્ટ પેઇન્ટ અને ડિમાર્કેશન કરવામાં આવ્યું છે, જેથી વાહનચાલકોને ર્પાકિંગ માટે સ્પષ્ટ માર્ગદર્શન મળી રહે. સાથે સાથે મેટ્રો સ્ટેશન, બસ સ્ટોપ, ચોક અને એ.એમ.સી. પે એન્ડ પાર્ક સ્થળો નજીક “ના ર્પાકિંગ” તથા “ર્પાકિંગ ઉપલબ્ધ” સાઇનેજ લગાવવામાં આવતા ગેરકાયદેસર ર્પાકિંગ પર નિયંત્રણ આવશે.

મેટ્રો સ્ટેશનોની આસપાસ આઈપીટીએસ ર્પાકિંગ, કેબ અને ઓટો રિક્ષા માટે પિકઅપ-ડ્રોપ ઝોન તેમજ ઓફ-સ્ટ્રીટ ર્પાકિંગ સુવિધાઓ વિકસાવવાનું આયોજન પણ કરવામાં આવ્યું છે. એ.એમ.સી. પ્લોટ્‌સ પર મૂળભૂત સુવિધાઓ વિકસાવીને ઓફ-સ્ટ્રીટ ર્પાકિંગનો ઉપયોગ વધારવા તથા જાહેર પરિવહનને પ્રોત્સાહન આપવા દિશામાં આ પગલાં મહત્વપૂર્ણ સાબિત થશે.

નિયમિત એન્ફોર્સમેન્ટ, ગેરકાયદેસર પાર્ક કરાયેલા વાહનો સામે કાર્યવાહી, ફૂટપાથ રિપેરિંગ અને નવા ફૂટપાથ નિર્માણ સાથે નાગરિકોમાં ર્પાકિંગ શિસ્ત અંગે જાગૃતિ ફેલાવવાના અભિયાન દ્વારા એ.એમ.સી. શહેરના ટ્રાફિક પ્રશ્નને મૂળથી ઉકેલવાની દિશામાં આગળ વધી રહ્યું છે. આયોજનબદ્ધ ર્પાકિંગ વ્યવસ્થા અમલમાં આવતા અમદાવાદના મુખ્ય માર્ગો વધુ ખુલ્લા, સુરક્ષિત અને વાહનચાલકો તથા પદયાત્રીઓ બંને માટે અનુકૂળ બનશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.