રાજદ્રોહના ગુનામાં હાર્દિક પટેલ સહિતના આરોપીઓનો કેસ પરત ખેંચાયો
સરકારી વકીલોએ સરકારના નોટિફિકેશન સાથે વિડ્રોઅલ અરજી રજૂ કરી, રાજદ્રોહનો કેસ આગળ ચલાવવા માંગતા નથી
સુરત, દસ વર્ષ પહેલાં ર૦૧પમાં પાટીદાર અનામત આંદોલન દરમિયાન પાસના આરોપી કન્વીનર હાર્દિક પટેલ, અલ્પેશ કથિરિયા, ચિરાગ તથા વિપુલ દેસાઈ વગેરે વિરૂદ્ધ અમરોલી પોલીસમાં નોંધાયેલા રાજદ્રોહના ગુનાહિત કાવતરાના કેસને આરોપીઓના બચાવપક્ષે તથા સરકારપક્ષે સંયુક્ત ધોરણે પરત ખેંચવા અંગે નોટિફિકેશન સાથે કરેલી અરજી પર આજે મુખ્ય જિલ્લા સેશન્સ જજ આર.એ.ત્રિવેદીએ મંજૂરીની મહોર મારી આરોપીઓને અપીલના સમયગાળા સુધી ૧પ હજારના શરતી જામીન પર મુક્ત કર્યા છે.
વર્ષ ર૦૧પમાં પાટીદાર અનામત આંદોલન દરમિયાન પોલીસ પર જીવલેણ હુમલો કરવા ઉશ્કેરણીજનક ભાષણ આપવા બદલ પાટીદાર અનામત સમિતિના કન્વીનર આરોપી હાર્દિક પટેલ સહિત પાસના અન્ય અગ્રણી નેતાઓ વિરૂદ્ધ અમરોલી પોલીસમાં રાજદ્રોહના ગુનાહિત કાવતરા અંગે ફરિયાદ નોંધાઈ હતી. સુરતની મુખ્ય જિલ્લા સેશન્સ કોર્ટમાં રાજદ્રોહના કેસની કાર્યવાહી હાથ ધરાઈ હતી.
અલબત્ત થોડા સમય પહેલાં સરકાર દ્વારા પાટીદાર અનામત આંદોલન સાથે સંકળાયેલા સુરતના અમરોલી પોલીસ સહિતના રાજ્યભરમાં અલગ અલગ નોંધાયેલા મોટાભાગના કેસો પરત ખેંચવા અંગે નોટિટિકેશન જારી કર્યું હતું.
તે નોટિફિકેશન અગાઉ સુરતના કેસમાં ખાસ નિયુક્ત ડીજીપી નયન સુખડવાલા તથા એપીપી દિગંત તેવારે કોર્ટમાં રજૂ કરી જણાવ્યું હતું કે, રાજદ્રોહનો કેસ આગળ ચલાવવા માંગતા નથી. અલબત્ત જે તે સમયે સુરતના એડિશનલ સેશન્સ જજ આર.આર.ભટ્ટે અરજી નકારી કાઢી હતી.
જો કે, ત્યારબાદ રાજદ્રોહના કેસના મુદ્દે સર્વોચ્ચ અદાલતના ચુકાદાના પગલે કેસ કાર્યવાહી સ્થગિત થઈ હતી. ત્યારબાદ અમદાવાદ સહિત અન્ય શહેરોમાંથી પાટીદાર અનામત આંદોલન સંબંધી કેસો પરત ખેંચવામાં આવ્યા હતા જેથી વધુ એકવાર બચાવ પક્ષેના વકીલો અને સરકાર પક્ષ તરફથી સુરતના રાજદ્રોહનો કેસ વીથ ડ્રો કરવા અંગે અરજી કરી હતી. જેના પર કોર્ટે મંજૂરીની મહોર મારી પાસના આરોપી નેતાઓને આરોપીઓને અપીલના સમયગાળા સુધી રૂ.૧પ હજારના શરતી જામીન પર મુક્ત કરવા હુકમ કર્યો છે.
