Western Times News

Gujarati News

અમદાવાદ મ્યુનિ. કમિશનરને પત્ર લખી રેલવે વિભાગે 3.80 કરોડની બાકી નાણાંની ઉઘરાણી કરી

AI Image

AMC ની પ્રોપર્ટી ટેક્ષની ઉઘરાણી સામે રેલવેનો AMCને વળતો જવાબ-

રેલવેના બિલો પેટેના 3.80 કરોડ બાકી છે તેમાંથી AMCની પ્રોપર્ટી ટેક્ષના 1.60 કરોડ જમા લઈ અમને બાકીના નાણાં ચૂકવો

(દેવેન્દ્ર શાહ) અમદાવાદ, અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન દ્વારા વર્તમાન નાણાંકિય વર્ષના અંતમાં પ્રોપર્ટી ટેક્ષની આવકમાં વધારો થાય તે માટે ૧ જાન્યુઆરીથી ૩૧મી માર્ચ ર૦ર૬ સુધી વ્યાજ રીબેટ યોજના જાહેર કરવામાં આવી છે.

જયારે બીજી તરફ પ્રોપર્ટી ટેક્ષના મોટા લેણદારો પાસેથી વસુલાત માટે પ્રયાસ ચાલી રહયા છે જેમાં કેન્દ્ર સરકારની એન્જસીઓ પણ સામેલ છે. પરંતુ કેન્દ્ર સરકાર હસ્તકને જ રેલવે વિભાગ દ્વારા બાકી પ્રોપર્ટી ટેક્ષ કરતા વધુ રકમ લેવાની બાકી હોવાનો પત્ર કમિશનરને લખતા ખળભળાટ મચી ગયો છે.

મ્યુનિ. પ્રોપર્ટી ટેક્ષ વિભાગ દ્વારા ઘણા વર્ષોથી કેન્દ્ર સરકારના વિવિધ એકમો પાસેથી પ્રોપર્ટી ટેક્ષના બાકી લેણાં વસુલ કરવા માટે પ્રયાસ ચાલી રહયા છે. પરંતુ એકમાત્ર પોસ્ટલ વિભાગને બાદ કરતા તંત્રને સફળતા મળતી નથી. એરપોર્ટ ઓથોરિટીએ પણ પ્રોપર્ટી ટેક્ષ ખાનગીકરણ થયા બાદ જ ભરપાઈ કર્યો હતો

જયારે રેલવે વિભાગે તો મ્યુનિ. કોર્પોરેશન પાસે જ બાકી લેણાં હોવાનો પત્ર કમિશનરને લખ્યો છે. રેલવે વિભાગ દ્વારા લખવામાં આવેલ પત્ર મુજબ ર૦ર૧-રર અને ર૦ર૩-ર૪માં કુલ ૧૮ બીલ કોર્પોરેશનને મોકલવામાં આવ્યા હતાં.

જે પેટે રૂ.૩ કરોડ ૮૦ લાખ રૂપિયા લેવાના બાકી નીકળે છે તેથી પ્રોપર્ટી ટેક્ષના રૂ.૧.૬૦ કરોડ જમા લઈ બાકીની રકમ રેલવેને મોકલી આપવા સ્પષ્ટ તાકીદ કરવામાં આવી છે.

મ્યુનિ. કોર્પોરેશન દ્વારા રેલવેની જગ્યામાંથી ડ્રેનેજ અને પાણીની લાઈનો પસાર કરવામાં આવે છે તેના પેટે દર વર્ષે નકકી કર્યાં મુજબ ભાડુ આપવાનું રહે છે પરંતુ કોર્પોરેશન દ્વારા ર૦ર૧-રર અને ર૦ર૩-ર૪ માં ભાડુ ચુકવવામાં આવ્યું ન હતું

તેમ છતાં તંત્ર દ્વારા ટેક્ષની વસુલાત માટે રેલવેને પત્ર લખવામાં આવ્યો હતો જેનો વળતો જવાબ રેલવે વિભાગે ઉપર જણાવ્યા મુજબ આપ્યો હતો. રેલવેના જણાવ્યા મુજબ નરોડા, ચાંદલોડિયા, અસારવા સહિતની વિવિધ લાઈનોમાંથી પસાર થતી પાઈપલાઈનોના ભાડા પેટેની રકમ બાકી નીકળે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.