Western Times News

Gujarati News

સાણંદ આવતી બસ માઉન્ટ આબુમાં પલટી, ૨૪થી વધુ ઈજાગ્રસ્ત

લક્ઝરી બસ પલ્ટી મારતાં 20 જેટલા સાણંદની કંપનીના મુસાફરો ઘાયલ -સાણંદથી માઉન્ટ આબુ પ્રવાસે ગયેલા મુસાફરોને અકસ્માત નડ્યો –વિરબાબા મંદિર નજીક બન્યો અકસ્માત

માઉન્ટ આબુ, રાજસ્થાનના માઉન્ટ આબુથી અમદાવાદ પરત ફરી રહેલા પ્રવાસીઓ અકસ્માત નડ્યો હતો. રવિવારે (૨૧મી ડિસેમ્બર) સવારે માઉન્ટ આબુના જોખમી વળાંકો ઉતરી રહેલી એક ખાનગી લક્ઝરી બસ પલટી ખાઈ જતાં મોટી દુર્ઘટના સર્જાઈ છે. આ અકસ્માતમાં ૨૪થી વધુ મુસાફરો ઇજાગ્રસ્ત થયા છે, જે પૈકી કેટલાકની હાલત ગંભીર હોવાનું જાણવા મળી રહ્યું છે.

અહેવાલો અનુસાર, બસ જ્યારે પહાડી રસ્તા પરથી નીચે ઉતરી રહી હતી ત્યારે અચાનક બસચાલકે સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવ્યો હતો. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, સંભવિત રીતે બસની બ્રેક ફેઈલ થઈ જવાને કારણે ચાલક બસને નિયંત્રિત કરી શક્્યો નહોતો અને બસ માર્ગ પર જ પલટી ખાઈ ગઈ હતી. અકસ્માત થતાની સાથે જ બસમાં સવાર મુસાફરોની ચીસાચીસથી પહાડીઓ ગુંજી ઉઠી હતી.

ઘટનાની જાણ થતા જ આસપાસના લોકો અને સ્થાનિક પોલીસની ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી. તમામ ઇજાગ્રસ્તોને એમ્બ્યુલન્સ મારફતે તાત્કાલિક માઉન્ટ આબુ અને આબુ રોડની નજીકની હોસ્પિટલોમાં ખસેડવામાં આવ્યા છે. અહેવાલો મુજબ, કેટલાક મુસાફરોને માથા અને શરીરના અન્ય ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હોવાથી તેમને આઈસીયુમાં સારવાર આપવામાં આવી રહી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.