Western Times News

Gujarati News

અબડાસા BJPના પૂર્વ ધારાસભ્ય હત્યા કેસમાં શાર્પ શૂટરની પૂણેની જેલમાં હત્યા

File Photo

વિશાલ કાંબલે ઉપર યરવડા જેલમાં બે કેદીએ હુમલો કર્યો, જેમાં તેનું સારવાર દરમિયાન મોત

(એજન્સી)ભૂજ, કચ્છ અબડાસાના પૂર્વ ધારાસભ્ય જયંતિ ભાનુશાળી હત્યા કેસમાં મોટો વળાંક આવ્યો છે. જયંતી ભાનુશાળીના હત્યાનો આરોપી શાર્પ શૂટરની પૂણેની જેલમાં હત્યા કરવામાં આવી છે. ટ્રેનમાં ફાયરિંગ કરનારા ત્રણ પૈકીના એક વિશાલ કાંબલે ઉપર યરવડા જેલમાં બે કેદીએ હુમલો કર્યો હતો. જેમાં વિશાલ કાંબલેનું સારવાર દરમિયાન મોત નિપજ્યું છે. જેલમાં સૂતેલા વિશાલ ઉપર બે કેદીઓએ ટાઈલ્સથી હુમલો કર્યો હતો.

ભાજપના નેતા જયંતી ભાનુશાળી હત્યા કેસમાં શાર્પ શૂટરોની પૂછપરછમાં પુનાના વિશાલ કાંબલેનું નામ બહાર આવ્યું હતું. જો કે વિશાલ કાંબલે પૂનામાં ફાયરિંગ અને હત્યા કેસમાં યેરવડા જેલમાં કેદ હતો. તેથી તેની ટ્રાન્સફર વોરંટ આધારે ધરપકડ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

જેલમાં બંધ વિશાલ કાંબલેની હત્યામાં મોટું કાવતરું હોવાની ગંધ આવી રહી છે. કચ્છ સહિત સમગ્ર રાજ્યમાં ચકચાર જગાવનારા જયંતી ભાનુશાલી હત્યા કેસમાં મૃતક વિશાલ કાંબલે ટ્રેનમાં હત્યા નીપજાવનારા ત્રણ પૈકી એક હતો. આ કેસમાં પણ વિશાલની ધરપકડ થયા બાદ તેને જામીન મળી ગયા હતા અને પૂણેની યરવડા જેલમાં અન્ય કોઈ ગુનામાં કેદ હતો, જ્યાં તેની હત્યા કરવામાં આવી છે.

૧૫ ડિસેમ્બરના રોજ યરવડા જેલની બેરેકમાં વિશાલ કાંબલે અને અન્ય બે કેદીઓ વચ્ચે સામાન્ય બોલાચાલી થઈ હતી. સવારે ૭.૪૫ વાગ્યાના અરસામાં આકાશ સતીશ ચંદાલિયા અને દીપક સંજય રેડ્ડી નામના બે કેદીએ બેરેકમાં જમીન પર સૂતેલા વિશાલ પર ટાઈલ્સના ટુકડાથી હુમલો કરી તેને લોહીલુહાણ કર્યો હતો.

બે દિવસની સારવાર બાદ વિશાલ કાંબલેનું મોત નિપજ્યું છે, આમ, કચ્છના ભાજપના દિગ્ગજ નેતા જયંતી ભાનુશાળીની હત્યાના શાર્પ શૂટરની હત્યા બાદ હવે નવો વળાંક આવી શકે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.