રેલવે કોચમાં અમદાવાદની પ્રથમ રેસ્ટોરન્ટઃ જયાં મળશે મલ્ટી-ક્યુઝિન મેનૂ
અમદાવાદના આમ્બલી રોડ સ્ટેશન પર “રેલ કોચ રેસ્ટોરન્ટ” બનાવવામાં આવી રહી છે -જ્યાં નાગરિકોને મળશે મુસાફરી જેવો અનુભવ, સ્વાદિષ્ટ ભોજન અને વિવિધ સુવિધાઓ
પશ્ચિમ રેલવેના અમદાવાદ ડિવિઝનના આંબલી રોડ રેલવે સ્ટેશન પર આધુનિક ‘રેલ કોચ રેસ્ટોરન્ટ’નું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. આ અનોખી પહેલ હેઠળ પરિવર્તિત રેલ કોચમાં રેસ્ટોરન્ટ વિકસાવવામાં આવી રહી છે, જ્યાં બેસીને લોકો મુસાફરી કર્યા વિના જ ચાલતી ટ્રેનમાં હોવાનો અનુભવ મેળવી શકશે
અને સ્વાદિષ્ટ ભોજનનો આનંદ માણી શકશે. આંબલી રોડ સ્ટેશન પરનો રેલ કોચ રેસ્ટોરન્ટ અમદાવાદ વિસ્તારની પ્રથમ રેસ્ટોરન્ટ હશે. પશ્ચિમ રેલવેમાં બાંદ્રા ટર્મિનસ, અંધેરી, બોરીવલી, રતલામ અને રાજકોટમાં રેલ કોચ રેસ્ટોરન્ટ સ્થાપિત કરવામાં આવ્યા છે

આ રેલ કોચ રેસ્ટોરન્ટમાં 24 કલાક સેવા ઉપલબ્ધ રહેશે, જેથી મુસાફરો ની સાથે-સાથે સ્થાનિક નાગરિકોને પણ દિવસ-રાત ભોજનની સુવિધા મળશે. અમદાવાદની જનતા અહીં પરિવાર અને મિત્રો સાથે બેસીને વિવિધ વાનગીઓનો સ્વાદ માણી શકશે અને આકર્ષક રેલ-થીમ વાતાવરણમાં સેલ્ફી અને યાદગાર પળોનો આનંદ લઈ શકશે. આ રેસ્ટોરન્ટમાં ઇનડોર અને આઉટડોર ડાઇનિંગ બંને વિકલ્પો હશે.
આ સાથે પૂરતી પાર્કિંગ, પાર્સલ/ટેક-અવે સુવિધા અને બાળકો માટે રમવાની વ્યવસ્થા (ફન ઝોન) પણ ઉપલબ્ધ કરાવવામાં આવશે, જેથી આ સ્થળ પરિવાર-અનુકૂળ બની શકે. આ રેસ્ટોરન્ટ હરિયાળીથી યુક્ત આનંદદાયક વાતાવરણ પૂરું પાડશે અને તમામ સુરક્ષા માનકોનું ધ્યાન રાખીને બનાવવામાં આવી રહી છે.

આંબલી રોડ ઉપરાંત, મહેસાણા, સાબરમતી, ભુજ અને ગાંધીધામ રેલવે સ્ટેશનોના સર્ક્યુલેટિંગ એરિયામાં પણ ‘રેલ કોચ રેસ્ટોરન્ટ’ વિકસાવવાની યોજના છે.
ભારતીય રેલવેના અભિનવ દૃષ્ટિકોણ હેઠળ આ સુધારેલા કોચમાં આધુનિક ડિઝાઇન, સંલગ્ન રસોડાં (Attached Kitchens) અને મલ્ટી-ક્યુઝિન મેનૂની સુવિધા હશે, જેથી વિવિધ સ્વાદની પસંદગીઓને પૂર્ણ કરી શકાય. સાથે સમગ્ર અનુભવને વધુ સારો બનાવવા માટે પર્યાવરણ-અનુકૂળ અને આકર્ષક વાતાવરણની ખાતરી આપવામાં આવશે.
