ઇમરાનખાન બુશરાબીબીને ભ્રષ્ટાચાર કેસમાં ૧૭ વર્ષની જેલની સજા
ઇસ્લામાબાદ, પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઇમરાનખાન અને તેમનાં પત્ની બુશરા બીબીને તોશાખાના ભ્રષ્ટાચારના બે કેસમાં કોર્ટે શનિવારે ૧૭ વર્ષની જેલની સજા ફરમાવી હતી.ક્રિકેટરમાંથી રાજકારણી બનેલા આ ૭૩ વર્ષના નેતા ઓગસ્ટ ૨૦૨૩થી અનેક વિધ કેસોને લીધે જેલમાં જ છે. તે સર્વ વિદિત છે કે ખાન ૨૦૨૨માં સત્તાભ્રષ્ટ થયા હતા.
તેઓ અને તેમનાં પત્ની ઉપર સઉદી સરકારે ૨૦૨૧માં આપેલી ભેટો, છેતરપિંડી કરી તદ્દન નજીવી કિંમતે ખરીદવાના બે આરોપો મુકવામાં આવ્યા હતા.આ આરોપસર રાવલપિંડી પાસેની હાઈ સિક્યુરીટી જેલમાં તેઓને રાખવામાં આવ્યા.
આ જેલમાં જ તેઓની ઉપર કેસ ચલાવવામાં આવ્યો હતો. તે સ્પેશ્યલ કોર્ટના જજ શાહરૂખ અર્જુમન્દે આજે બપોરે આ ચુકાદો આપતાં તહેરિક એ ઇન્સાફ પાર્ટીના સ્થાપક અને પ્રમુખ ઇમરાન ખાનને સેકશન ૪૦૯ (સાપરાધ વિશ્વાસઘાત) નીચે દસ વર્ષની સખત જેલની સજા ફરમાવી હતી. સાથે અન્ય ફોજદારી કલમો નીચે બીજી ૭ વર્ષની સજા ફરમાવી હતી.
આ ઉપરાંત બંને ઉપર પાકિસ્તાની રૂપિયા ૧૬.૪ મિલિયન (૧ કરોડ ૬૪ લાખ)નો દંડ પણ કર્યાે હતો.આ ચુકાદો અપાયો ત્યારે ઇમરાનખાન અને તેઓનાં પત્ની બંને કોર્ટમાં ઉપસ્થિત હતાં. દરમિયાન ઇમરાનખાનના બંને પુત્રો આજે વિદેશથી પરત આવી ગયા હતા.
પરંતુ તે સાથે જેટલો સમય તેઓ જેલમાં હતા તેટલો સમય (વર્ષાે) આ સજામાં ગણી લેવા પણ કહ્યું હતું. આ કેસમાં કુલ ૨૧ સાક્ષીઓની સર તપાસ તેમજ ઉલટ તપાસ કરાઈ હતી.ઇમરાન ખાને ક્રીમીનલ પ્રોસીજર કોડની કલમ ૩૪૨ ટાંકતાં પોતાની ઉપરના આરોપો અસ્વીકાર્ય ગણ્યા હતા અને કહ્યું હતું કે તેમની ઉપર દુષ્ટ હેતુપૂર્વક અને રાજકીય હેતુસર આ કેસ કરવામાં આવ્યો છે.SS1MS
