‘હું જીવિત છું’, અકસ્માત બાદ નોરા ફતેહીએ વર્ણવી આપવીતી
મુંબઈ, બોલિવૂડની ફેમસ એક્ટ્રેસ અને ડાન્સર નોરા ફતેહી વિશે એક માઠા સમાચાર મળી રહ્યા છે. ૨૦ ડિસેમ્બરના રોજ નોરા એક ભયાનક માર્ગ અકસ્માતનો ભોગ બની હતી. એક શખ્સે નશાની હાલતમાં પૂરઝડપે પોતાની કાર ચલાવી નોરાની કારને જોરદાર ટક્કર મારતા આ દુર્ઘટના સર્જા હતી.
અકસ્માત બાદ નોરાને તાત્કાલિક તેની ટીમ દ્વારા હોસ્પિટલ લઈ જવામાં આવી હતી. સદનસીબે એક્ટ્રેસને કોઈ મોટી જાનહાનિ થઈ નથી, પરંતુ તેને માથાના ભાગે અને શરીરે ઈજાઓ પહોંચી છે.
નોરાએ પોતે સોશિયલ મીડિયા પર આ ભયાનક અનુભવ શેર કરતા જણાવ્યું કે, ‘ટક્કર એટલી જોરદાર હતી કે હું કારમાં ફંગોળાઈ ગઈ હતી અને મારું માથું બારીના કાચ સાથે અથડાયું હતું. મને સોજો અને સામાન્ય ઈજાઓ થઈ છે, પરંતુ હું જીવતી છું અને હવે ખતરાની બહાર છું.’નોરાએ આશ્ચર્ય વ્યક્ત કરતા કહ્યું કે, ‘,મને વિશ્વાસ નથી આવતો કે ૨૦૨૫માં પણ લોકો બપોરે ૩ વાગ્યે દારૂ પીને ગાડી ચલાવે છે અને બીજાનો જીવ જોખમમાં મૂકે છે.
પોલીસના જણાવ્યા અનુસાર, ટક્કર મારનાર શખ્સ નશાની હાલતમાં હતો અને તેની વિરુદ્ધ કાયદેસરનો ગુનો દાખલ કરી દેવામાં આવ્યો છે.પોતાની હેલ્થ અપડેટ આપતા નોરાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર એક વીડિયો શેર કર્યાે છે, જેમાં તેણે કહ્યું કે, ‘હું દારૂ કે ડ્રગ્સ જેવી વસ્તુઓથી હંમેશા દૂર રહું છું અને તેને ક્યારેય પ્રોત્સાહન આપતી નથી. મહેરબાની કરીને ડ્રિંક એન્ડ ડ્રાઈવ ન કરો. આ અકસ્માત ઘણો ગંભીર બની શક્યો હોત, પરંતુ ભગવાનની દયાથી હું બચી ગઈ છું.’
નોરા ફતેહીના આ સમાચાર સાંભળીને તેના ચાહકો આઘાતમાં છે. સોશિયલ મીડિયા પર ફેન્સ તેના ઝડપી સ્વસ્થ થવાની પ્રાર્થના કરી રહ્યા છે. હાલમાં એક્ટ્રેસ રિકવરી મોડ પર છે અને ખતરાની બહાર હોવાનું જણાવાયું છે.SS1MS
