ન્યુઝીલેન્ડથી આવતા તાજા ફળો, ખાસ કરીને કીવી અને સફરજન પર હવે ઘણો ઓછો ટેક્સ લાગશે
ભારત-ન્યુઝીલૅન્ડ વચ્ચે ટેરિફ મુક્ત વેપાર સમજૂતી-ન્યુઝીલૅન્ડ તેના ૧૦૦ ટકા ટેરિફ લાઇન પર ટેક્સ ખતમ કરી દેશે, ભારતીય નિકાસકારોને ફાયદો થશે -કૃષિથી લઈને ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીને ફાયદો #NewZealand #India
India and New Zealand Seal Landmark Free Trade Agreement
નવી દિલ્હી, ભારત અને ન્યુઝીલૅન્ડ વચ્ચેના આર્થિક સંબંધોમાં એક ઐતિહાસિક વળાંક આવ્યો છે. બંને દેશો વચ્ચે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ એટલે કે મુક્ત વ્યાપાર સમજૂતી પરની વાતચીત સફળતાપૂર્વક પૂર્ણ થઈ ગઈ છે. ન્યુઝીલૅન્ડના વડાપ્રધાન ક્રિસ્ટોફર લક્સને સોમવારે આ અંગે સત્તાવાર જાહેરાત કરતાં જણાવ્યું હતું કે, આ સમજૂતી બાદ ન્યુઝીલૅન્ડ તેના ૧૦૦ ટકા ટેરિફ લાઇન પર ટેક્સ ખતમ કરી દેશે, જેનાથી ભારતીય નિકાસકારોને ન્યુઝીલૅન્ડના બજારોમાં શૂન્ય ડ્યુટી સાથે સીધો પ્રવેશ મળશે.
પીએમ લક્સને વડાપ્રધાન મોદી સાથે વાતચીત કર્યા બાદ સોશિયલ મીડિયા પર ખુશી વ્યક્ત કરતાં જણાવ્યું કે, આ સમજૂતી ભારતની ઝડપથી વિકસતી અર્થવ્યવસ્થાનો લાભ કીવી વ્યવસાયોને અપાવશે અને તેનાથી ૧.૪ અબજ ભારતીય ગ્રાહકો સુધી તેમની પહોંચ વધશે. અંદાજ છે કે આગામી બે દાયકામાં ન્યુઝીલૅન્ડની ભારત ખાતેની નિકાસ વાર્ષિક ૧.૧ બિલિયન ડૉલરથી વધીને ૧.૩ બિલિયન ડૉલર થઈ શકે છે.
આ મહત્ત્વપૂર્ણ સમજૂતીની સત્તાવાર શરુઆત ૧૬ માર્ચ, ૨૦૨૫ના રોજ કેન્દ્રીય વાણિજ્ય મંત્રી પીયૂષ ગોયલ અને ન્યુઝીલૅન્ડના વ્યાપાર મંત્રી ટોડ મેક્લે વચ્ચેની બેઠકથી થઈ હતી. માત્ર પાંચ રાઉન્ડની ઔપચારિક ચર્ચા અને અનેક વર્ચ્યુઅલ બેઠકો બાદ તેને અંતિમ ઓપ આપવામાં આવ્યો છે. આ સમજૂતી હેઠળ ભારતે પણ ઉદારતા દાખવી ન્યુઝીલૅન્ડ માટે ૭૦ ટકા લાઇન પર ટેરિફમાં છૂટછાટની ઓફર કરી છે.
હાલમાં ભારતનો ન્યુઝીલૅન્ડમાં સરેરાશ આયાત ટેક્સ ૨.૩ ટકા છે, જ્યારે ભારતનો ટેક્સ ૧૭.૮ ટકા જેટલો ઊંચો છે, જે હવે આ સંધિ બાદ ઘટશે. નાણાકીય વર્ષ ૨૦૨૪-૨૫માં બંને દેશો વચ્ચે ૧.૩ બિલિયન ડૉલરનો વેપાર થયો હતો, જેમાં ભારતે ૭૧૧.૧ મિલિયન ડૉલરની નિકાસ કરી હતી.
વ્યાપારિક દ્રષ્ટિએ જોઈએ તો, ભારત મુખ્યત્વે ન્યુઝીલૅન્ડને એવિએશન ટર્બાઇન ફ્યુઅલ, ટેક્સટાઈલ્સ, ફાર્માસ્યુટિકલ્સ અને મશીનરીની નિકાસ કરે છે. ખાસ કરીને એટીએફ અને કાપડ ઉદ્યોગનો ફાળો આ નિકાસમાં મોટો રહ્યો છે.
બીજી તરફ, ન્યુઝીલૅન્ડથી ભારતમાં મોટાભાગે કાચો માલ અને કૃષિ ઉત્પાદનોની આયાત થાય છે, જેમાં લાકડાની વસ્તુઓ, લાકડાનો માવો(પલ્પ), સ્ટીલ સ્ક્રેપ અને એલ્યુમિનિયમ સ્ક્રેપ મુખ્ય છે. આ મુક્ત વ્યાપાર સમજૂતી માત્ર આર્થિક લાભ જ નહીં, પરંતુ ઈન્ડો-પેસિફિક ક્ષેત્રમાં ભારતની વ્યૂહાત્મક સ્થિતિને પણ મજબૂત બનાવશે. આ સમજૂતી બંને દેશોની મજબૂત મિત્રતાનું પ્રતીક છે અને તેનાથી આગામી વર્ષોમાં દ્વિપક્ષીય વેપારને નવી ઊંચાઈ મળશે.
આ કરારની સીધી અસર સામાન્ય ભારતીય ગ્રાહકોના ખિસ્સા પર પડશે. ન્યુઝીલેન્ડથી આવતા તાજા ફળો, ખાસ કરીને કીવી અને સફરજન પર હવે ઘણો ઓછો ટેક્સ લાગશે. આ ઉપરાંત, ઊન અને તેમાંથી બનેલા ઉત્પાદનો, લાકડું અને કેટલીક ખાસ પ્રકારની ડેરી વસ્તુઓ પણ સસ્તી થઈ જશે.
ન્યુઝીલેન્ડ સરકારના મતે, આ કરારની સૌથી મોટી વાત એ છે કે ૫૦% થી વધુ સામાન પર ‘ડે-વન’ એટલે કે કરારના પહેલા દિવસથી જ કોઈ ડ્યુટી લાગશે નહીં. તેનો અર્થ એ છે કે આવતીકાલથી જ ન્યુઝીલેન્ડથી આવતા અડધાથી વધુ સામાન કોઈ વધારાના ટેક્સ વિના ભારતીય બજારમાં વેચી શકાશે. તેનાથી ભારતના ઝડપથી વિકસતા મિડલ ક્લાસ (મધ્યમ વર્ગ) માટે વિદેશી ફળો, વાઇન અને અન્ય ડેરી ઉત્પાદનો સસ્તા થવાની અપેક્ષા છે.
ન્યુઝીલેન્ડે આ ડીલ ભારતની વધતી આર્થિક તાકાતને ધ્યાનમાં રાખીને કરી છે. કીવી સરકારનો અંદાજ છે કે વર્ષ ૨૦૩૦ સુધીમાં ભારતીય અર્થતંત્ર લગભગ ૧૨ ટ્રિલિયન ન્યુઝીલેન્ડ ડોલર (લગભગ ૬૨૭.૨૧ લાખ કરોડ)નું થઈ જશે.
ન્યુઝીલેન્ડના વેપારીઓ માટે ભારત એક મોટી તક છે, કારણ કે અહીંની વસ્તી અને વધતી ખરીદ શક્તિ તેમના ડેરી, તાજા ફળ અને ઊન ઉદ્યોગ માટે વિશ્વનું સૌથી મોટું પ્લેટફોર્મ બની શકે છે.
ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે આ વ્યાપારી કરારને લઈને વાતચીત ૧૦ વર્ષથી અટકી પડી હતી. આ જ વર્ષે માર્ચમાં બંને દેશોએ ફરીથી ચર્ચા શરૂ કરી અને માત્ર ૯ મહિનાની અંદર તેને ફાઇનલ કરી. આ પહેલા ભારતે ઓસ્ટ્રેલિયા અને UAE સાથે પણ આવા જ કરારો કર્યા છે, જેનાથી ભારતની ગ્લોબલ ટ્રેડ પાર્ટનરશિપ મજબૂત થઈ છે. ભારતે છેલ્લા ૫ વર્ષમાં ૭ ફ્રી ટ્રેડ ડીલ સાઇન કરી છે.
